1 - ધાણાના વિવિધ ઉપયોગો જણાવો.

ધાણાના પાન અને બીજમાંથી સુગંધિત ઉડયનશીલ તેલ (૧.૦ થી ૧.૭ ટકા) હોય છે. જેમાં મુખ્‍યત્‍વે ભભકોરીઓન્‍ડીનોલભભ નું પ્રમાણ વધુ હોય છે. જેથી પાન (કોથમીર) તથા બીજ શાકાહારી અને માંસાહારી ખોરાકમાં ખૂબ જ લોકપ્રિય છે. ઉપરાંત દાણાનો ઉપયોગ વિવિધ અથાણા, સોસ, ચટણી, બેકરીની જુદી જુદી વાનગીઓ અને કરી પાવડર બનાવવામાં થાય છે. ધાણાદાળનો ઉપયોગ ભોજન પછી મુખવાસ તરીકે ખૂબ જ પ્રચલિત છે. ધાણા ધાર્મિક અને શુભ પ્રસંગે પ્રસાદીરૂપે પણ વપરાય છે. તદઉપરાંત તેનો ઉપયોગ દવાઓની બનાવટમાં પણ થાય છે.


2 - ધાણાના પાકનું (ધાણાભાજી કે કોથમીર તરીકે) ઉનાળામાં વાવેતર કરવાથી ઉગાવો ખૂબ જ ઓછો થાય છે અને ધાણા પીળા પડી સુકાય જાય છે તો શું કરવું ?

ધાણાના પાકને સુકી અને ઠંડી આબોહવા વધુ માફક આવે છે તેથી તેનું વાવેતર સામાન્‍ય રીતે શિયાળુ ઋતુમાં કરવામાં આવે છે. પરંતુ ધાણાભાજી (કોથમીર) તરીકે ધાણાનું ઉનાળામાં વાવેતર કરવું હોય તો નેટહાઉસમાં ધાણાનું બીજ માવજત આપી વાવેતર કરવાથી સારો અને ઝડપી ઉગાવો મળશે તેમજ છોડ પીળા પડી સુકાઈ જશે નહી. આ રીતે ધાણાભાજીનું નેટહાઉસમાં આખુ વર્ષ વાવેતર કરી ગુણવત્તાવાળુ ઉત્પાદન મેળવી શકાશે.


3 - ધાણા (કોથમીર) ની શિયાળુ ખેતીમાં જયારે કોથમીર ડાંડલીયે થાય (ડાળીઓ ફુટે) ત્‍યારે પીળી પડી સુકાય જાય છે તો ઉપાય બતાવશો ?

ધાણાના પાકમાં જમીનજન્‍ય ફૂગને લીધે કોથમીર ડાંડલીયે થાય ત્‍યારે સુકાય છે, તેના ઉપાય તરીકે બ્‍લુ કોપર ૩૦ ગ્રામ અથવા કાર્બેન્‍ડાઝીમ ૧૦ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પાણીમાં ભેળવી પંપમાંથી નોઝલ કાઢી રોગ લાગેલા છોડ ઉપર છંટકાવ કરવો જોઈએ.


4 - ધાણાની સુધારેલી જાતોની માહિતી આપશો.

ધાણાની ગુજરાત ધાણા-૧ અને ગુજરાત ધાણા-ર એમ બે જાતો બીજ મસાલા સંશોધન કેન્‍દ્ર, સરદાર કૃષિનગર, દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, જગુદણ, જિ. મહેસાણા કેન્‍દ્ર ઉપરથી ખેડૂતોના વાવેતર માટે ભલામણ કરવામાં આવેલ છે. ગુજરાત ધાણા-૧ પ્રતિ હેકટરે ૧૦૦૦ થી ૧ર૦૦ કિ.ગ્રા. જયારે ગુજરાત ધાણા-ર પ્રતિ હેકટરે ૧૪૦૦ થી ૧પ૦૦ કિ.ગ્રા. ઉત્પાદન આપે છે.


5 - ધાણાને આખા વાવેતર કરવાથી કે ફાડીયા કરી વાવેતર કરવાથી ઉગાવો સારો મળે ?

આખા ધાણાને વાવેતર ન કરતા વાવતા પહેલા આખા ધાણાને ધીમા દબાણથી બે ભાગ (ફાડીયા) કરી વાવેતર કરવાથી બીજની જરૂરીયાત ઘટે છે અને ઉગાવો સારો અને ઝડપથી થાય છે.


6 - ધાણાનો ઉગાવો સામાન્‍ય રીતે મોડો થતો હોય છે. ઝડપી ઉગાવા માટેના ઉપાયો બતાવશો.

ધાણાના બિયારણને વાવતા પહેલા ૮ થી ૧૦ કલાક પાણીમાં પલાળી ત્‍યારબાદ છાંયામાં સુકવીને વાવણી કરવાથી ઉગાવો સારો અને ઝડપી થાય છે.


7 - ધાણાની ખેતી બિનપિયત કરી શકાય કે કેમ? જો કરી શકાય તો તેની માહિતી આપશો.

ધાણાની ખેતી પિયત અને બિનપિયત બન્‍ને રીતે કરી શકાય છે. પરંતુ ધાણાની બિનપિયત ખેતી કરવી હોય તો તેનું વાવેતર સપ્‍ટેમ્‍બર માસમાં કરવું જોઈએ અને બે હાર વચ્‍ચે ૬૦ સેમીનું અંતર રાખી વાવેતર કરવું તેમજ પાયાના ખાતર તરીકે ૧૦ કિગ્રા. નાઈટ્રોજન અને ૧૦ કિગ્રા. ફોસ્‍ફરસ પાયાના ખાતર તરીકે આપવું જોઈએ એટલે કે રર કિગ્રા ડી.એ.પી. અને ૧૩ કિગ્રા યુરીયા પ્રતિ હેકટરે આપવું જોઈએ. પૂર્તિ ખાતર આપવાની જરૂરીયાત નથી.


8 - ધાણાનો ઘરગથ્‍થુ ઔષધિય ઉપયોગ જણાવો.

ધાણા વાયુ, પિત અને કફ ત્રણેય દોષોને શમન કરે છે. લીલા ધાણાના પાનના રસના ટીપા આંખમાં નાખવાંથી આંખની ગરમી મટે છે તેમજ તેનો રસ પીવાથી આંખનુ તેજ વધે છે. ધાણા હરસ-મસામાં છાશ સાથે આપવાથી ફાયદો થાય છે. આ ઉપરાંત વાતરક્‍તમાં જીરા અને શાહજીરા સાથે ધાણાનો ઉકાળો આપવાથી ફાયદો થાય છે. આ ઉપરાંત અધકચરા ધાણાના ચૂર્ણ એક કપ પાણીમાં ઉકાળી સાકર સાથે દુધ નાંખીને પીવાથી મંદાગ્નિમાં ફાયદો થાય છે.


9 - ધાણાની પાકમાં કાપણીનો યોગ્‍ય સમય કયો ? અને કેટલું ઉત્પાદન મેળવી શકાય ?

ધાણામાં પાકમાં કાપણી સમય ઉત્પાદન અને ગુણવત્તા માટે ખૂબ જ અગત્‍યનું પરિબળ છે. પાક સામાન્‍ય રીતે ૧૧૦ અને ૧ર૦ દિવસમાં તૈયાર થઈ જાય છે. દેહધાર્મિક પરિપકવતાએ પાકની કાપણી કરવી. ધાણાનો લીલો રંગ અને સુગંધ જળવાઈ રહે તે માટે કાપણી પછી પાકની સૂકવણી છાંયામાં કરવી આવશ્‍યક છે. જો કાપણી મોડી કરવામાં આવે તો દાણા ખરી પડે, રંગ સફેદ કે ભૂખરો થાય અને ઉડયનશીલ તેલનું પ્રમાણ ઘટે છે. તે જ પ્રમાણે જો વહેલી કાપણી કરવામાં આવે તો અપરિપકવતાને કારણે ધાણાનું વજન અને કદ ઘટે છે. પરંતુ લીલો રંગ જળવાઈ રહેતા બજારકિંમત ઉંચી મળે છે.
સૂકા ધાણા (દાણા)નું ૧ર૦૦ થી ૧પ૦૦ કિ.ગ્રા. જેટલું સરેરાશ ઉત્પાદન પ્રતિ હેકટરે મળે છે. પણ વધુમાં વધુ ર૦૦૦ થી રપ૦૦ કિ.ગ્રા. પ્રતિ હેકટરે ઉત્પાદન મેળવવાની સંભાવના રહેલી છે.


10 - ધાણાના પાકમાં કેટલી આંતરખેડ અને નિંદામણ દુર કરવા માટે શું કરવું જોઈએ ?

ધાણાના પાકમાં નિંદામણના કારણે ઉત્‍પાદનમાં પ૦-૭૧ ટકા સુધી ઘટાડો થાય છે. નિંદામણના ઉપદ્રવને ઘ્‍યાનમાં રાખીને ર-૩ આંતરખેડ અને ર હાથ નિંદામણની જરૂરિયાત રહે છે. જયાં મજૂરની અછત અને નિંદામણ વધારે હોય ત્‍યારે વાવણી બાદ તુરત જ નિંદામણનાશક દવાઓ જેવી કે પેન્‍ડીમીથેલીન ૧.૦ કિ.ગ્રા. તત્‍વ અથવા ફલ્‍યુકલોરાલીન ૦.૯ કિ.ગ્રા. સક્રિયતત્‍વ પ્રતિ હેકટર પ્રમાણે વાવણી પહેલા છંટકાવ કરી પિયત આપવું અથવા વાવણી બાદ પિયત આપી, બે દિવસ બાદ છંટકાવ કરવો.