1 - અજમાનો પાક કેવી જમીનમાં લઈ શકાય ?

અજમાના પાકને સારા નિતારવાળી, રેતાળથી મઘ્‍યમકાળી સેન્‍દ્રિય તત્‍વોવાળી જમીન વધુ માફક આવે છે.


2 - અજમાના પાકને કેવું હવામાન જોઈએ ?

અજમાના પાકને શરૂઆતના દિવસોમાં ઠંડુ અને પાછળથી વાદળ વિનાનું સૂકું હવામાન અનુકૂળ આવે છે. પાકની પાકટ અવસ્‍થાએ આવેલ વરસાદ બીજની ગુણવતાને અસર કરે છે.


3 - ગુજરાતમાં અજમાના વાવેતર માટે કઈ જાતોની ભલામણ થયેલ છે? અને તેનું બિયારણ કયાંથી મળી શકે?

અજમાની વાવણી માટે હંમેશા વધુ ઉત્પાદન આપતી સુધારેલી જાત ગુજરાત અજમો-૧ ની પસંદગી કરવી જોઈએ. આ જાત બીજ મસાલા સંશોધન કેન્‍દ્ર, જગુદણ, જિ. મહેસાણા દ્વારા બહાર પાડવામાં આવેલ હોઈ બિયારણ માટે જગુદણ કેન્‍દ્રનો સંપર્ક કરવો.


4 - અજમાનું વાવેતર કયારે કરવું ?

અજમાનું વાવેતર ચોમાસુ અને શિયાળુ પાક તરીકે કરવામાં આવે છે. ચોમાસુ પાક તરીકે ઓગષ્‍ટમાં જયારે શિયાળુ પાક તરીકે નવેમ્‍બરના પ્રથમ પખવાડીયામાં કરવું.


5 - અજમાના પાકને કેટલું બિયારણ જોઈએ ?

એક હેકટરની વાવણી માટે અજમાના ર.૦ થી ર.પ કિ.ગ્રા. બિયારણની જરૂરીયાત રહે છે.


6 - અજમાના પાકની વાવણી કેવી રીતે કરવી ?

અજમાના પાકની વાવણી બે હાર વચ્‍ચે ૩૦ થી ૪પ સે.મી.નું અંતર રાખી વાવેતર કરવું સારા ઉગાવા માટે બીજ જમીનમાં ૧.પ થી ર.૦ સેમી.ની ઉંડાઈએ પડે તે રીતે વાવેતર કરવું તથા અજમાના ઉગાવા બાદ ૧પ દિવસે બે છોડ વચ્‍ચે ર૦ થી ૩૦ સે.મી.નું અંતર રહે તે રીતે પારવણી કરવી.


7 - અજમાના પાકને રાસાયણીક ખાતર કેટલું અને કેવી રીતે આપવું ?

અજમાના પાકમાં પાયામાં ર૦:ર૦:૦૦ કિલો પ્રતિ હેકટર પ્રમાણે નાઈટ્રોજન : ફોસ્‍ફરસ : પોટાશ પાકની વાવણી સમયે ચાસમાં ઓરીને આપવા તથા વાવણી બાદ ૩૦ દિવસે ર૦ કિ.ગ્રા. પ્રતિ હેકટર પ્રમાણે નાઈટ્રોજન પ્રથમ પિયત વખતે આપવું. ચોમાસુ ઋતુમાં અજમાનો પાક લીધો હોય તો જમીનમાં ભેજ હોય ત્‍યારે પૂર્તિ ખાતર વાવણી બાદ ૩૦ થી ૩પ દિવસે બપોર પછી આપવું.


8 - અજમાના પાકને પિયત કેટલા અને કેવી રીતે આપવા ?

ચોમાસુ ઋતુમાં અજમાના પાકને પિયતની જરૂર રહેતી નથી પરંતુ શિયાળુ પાકમાં જરૂરીયાત મુજબ ર થી ૩ પિયત જમીનની પ્રત અને હવામાન પ્રમાણે આપવા.


9 - અજમાના પાકની કાપણી કેવી રીતે કરવી ?

અજમાનો પાક સામાન્‍ય રીતે ૧૭૦ થી ૧૮૦ દિવસે પરિપકવ થાય છે. જયારે પ૦ ટકા કરતાં વધારે ચક્કરો પીળાશ પડતા ભુખરા રંગના થાય અને દાણા ભૂખરા બને ત્‍યારે તેની કાપણી વહેલી સવારે કરવી. કાપેલ છોડને સિમેન્‍ટના પાકા, સ્‍વચ્‍છ ખળામાં ૩ થી ૪ દિવસ સુકવીને લાકડી વડે ઝુડીને દાણા છુટા પાડવા.


10 - અજમાના પાકનું ઉત્પાદન કેટલું મળે ?

ખેતરમાં પૂરતા પ્રમાણમાં અને સપ્રમાણ છોડ હોય તો અજમાનું ઉત્પાદન ૧૦૦૦ કિગ્રા પ્રતિ હેકટરે મળે છે.


11 - અજમાના બીજમાં ઉડયનશીલ તેલનું પ્રમાણ કેટલું હોય છે ?

અજમાના બીજમાં ઉડયનશીલ તેલ ર.પ થી ૪.૦ ટકા હોવાથી બીજ ખાસ પ્રકારની તીખી સુગંધ ધરાવે છે આ ઉડયનશીલ તેલમાં થાયમોલ ૩પ થી ૩૬% તત્‍વ હોઈ તેની ઔષધિય કિંમત વધારે છે.


12 - અજમાના બીજનો ઉપયોગ કયાં કયાં થાય છે ?

અજમાના બીજનો ઉપયોગ ખાદ્ય પદાર્થોની બનાવટો, આયુર્વેદિક દવાઓ, સૌદર્ય પ્રસાધનો અને મુખવાસમાં થાય છે.