1 - વરિયાળીના પાક વિશેની પ્રાથમિક માહિતી અને રાજયમાં તેના ભાવિ વિશે જણાવો.

મસાલા પાકો પૈકીના વરિયાળીનું દેશના કુલ ઉત્પાદન માંથી ૮પ ટકા જેટલુ ઉત્પાદન એકલા ગુજરાત રાજયમાંથી થાય છે. તેમજ રાજયની વરિયાળીની ઉત્પાદક્‍તા વિશ્વમાં સૌથી વધુ છે. મસાલા પાકોની નિકાસ દ્વારા મળેલ હુંડીયામણમાં જીરૂ તથા વરિયાળીનો લગભગ પ૦ ટકા જેટલો ફાળો રહેલ છે. સમગ્ર વિશ્વમાં ખોરાકની બદલાયેલ અભિરૂચિને કારણે વરિયાળી સહિત બધા જ મસાલાનો વપરાશ વાર્ષિક ૧૦ ટકાના દરે વધે છે. જેથી તેની માંગ રોજબરોજ વધતી જ રહેવાની છે. મસાલા પાકોના કુલ વાવેતર વિસ્‍તારમાં ૧૧ ટકા જેટલો વરિયાળીના પાકનો ફાળો રહેલો છે. રાજયમાં ખેડા જિલ્‍લામાં સૌથી વધારે વરિયાળીનું વાવેતર થાય છે.
વરિયાળીના પાકમાં ઉડયનશીલ તેલ તેમજ ઓલીયોરેઝીન નામનું તત્‍વ રહેલ છે જો આ બંને ચીજો વરિયાળીના પાકમાંથી કાઢવામાં આવે તો વિશ્વ બજારમાં તેની માંગ જોતા વરિયાળીનું લગભગ ર થી ૩ ગણુ મૂલ્‍ય વધી જાય છે.


2 - વરિયાળી માટેની અનુકૂળ જમીન અને આબોહવાની માહિતી આપો.

વરિયાળીના પાક માટે ગોરાળુ, મઘ્‍યમ કાળી કે ભાઠાની સારી નિતારશકિત ધરાવતી સેન્‍દ્રિય તત્‍વનું પ્રમાણ વધારે હોય તેવી જમીન વધુ માફક આવે છે. ઠંડી ઋતુનો પાક હોવાથી સુકુ અને ઠંડુ હવામાન પાકને વધારે અનુકૂળ આવે છે. કાપણી સમયે પાકને ગરમ હવામાન અને પુરતા સૂર્યપ્રકાશની જરૂરીયાત રહે છે.


3 - વરિયાળીના પાકમાં ઓછી અથવા બિનખર્ચાળ પઘ્‍ધતિઓ દ્વારા ઉત્પાદન વધારવાની મુખ્‍ય ચાવીઓ કઈ-કઈ છે ?

વરિયાળીનું વાવેતર ચોમાસાની ઋતુમાં ફેરરોપણીથી અને શિયાળુ ઋતુમાં ચાસમાં ઓરીને કરવું જોઈએ. સામાન્‍ય રીતે ચોમાસુ વરિયાળીના વાવેતર માટે ૯૦×૬૦ સેમી અંતરે ફેરરોપણી કરવાની ભલામણ છે. જેથી ફેરરોપણી બાદ નિંદણ નિયંત્રણ માટે આડી ઉભી આંતરખેડ કરી શકાય અને વરસાદના પાણીનો જમીનમાં સારી રીતે સંગ્રહ કરી શકાય. ચાસમાં વાવેતર દરમ્‍યાન ઘણીવાર બે છોડ વચ્‍ચે યોગ્‍ય અંતર જાળવી શકાતું નથી તેથી એકમ વિસ્‍તારમાં છોડની સંખ્‍યામાં વધારો થવાથી બિયારણનો ખર્ચ વધે છે તેમજ પોષક તત્‍વોની હરીફાઈ વધતા સમતોલ વિકાસ થતો નથી. ઘાટુ વાવેતર હોય તો હવાની અવર જવર ન થવાથી ભેજનું પ્રમાણ વધતા ચરમીનો રોગ પણ આવવાની સંભાવના વધી જાય છે. જેથી પાકની ઉત્‍પાદકતા ઘટે છે. શિયાળુ વરિયાળીની વાવણી રેતાળ અને ગોરાડુ જમીનમાં ૪પ×૧પ અથવા ૩૦×રર.પ સેમી અંતર રાખવાથી મહતમ ઉત્પાદન મેળવી શકાય છે, પરંતુ ફળદ્રુપ મઘ્‍યમ કાળી જમીનમાં અંતર ૬૦ થી ૯૦ સેમી રાખવું. નાઈટ્રોજનયુક્‍ત ખાતરોને બે હપ્‍તામાં પૂર્તિ ખાતરના રૂપે અને ફોસ્‍ફરસયુક્‍ત ખાતરોનો બધો જ જથ્‍થો વાવણી સમયે આપવાથી ખાતરોની કાર્યક્ષમતામાં વધારો કરી શકાય છે. ચોમાસુ વરિયાળીના પાકમાં સારી વૃઘ્‍ધિ અને ચક્કરોનું પ્રમાણ વધારે હોવાથી છોડને ઢળી પડતો અટકાવવા માટે પાકની ફેરરોપણીના ૭પ દિવસે છોડની ફરતે માટી ચડાવવી.


4 - વરિયાળીમાં જાતોની પસંદગી કઈ રીતે કરવી ?

વરિયાળીની સુધારેલી જાતો ગુજરાત વરિયાળી-ર અને ગુજરાત વરિયાળી-૧૧ ના પ્રમાણિત બીજનો જ વાવેતરમાં ઉપયોગ કરવો જોઈએ, જેની ખાસિયતો નીચે મુજબ છે.
ગુજરાત વરિયાળી-ર : આ જાત ૧૯૯૭ માં રાજયના જગુદણ કેન્‍દ્રથી બહાર પાડવામાં આવેલ છે અને ગુજરાત વરિયાળી-૧ કરતા વધારે ઉત્પાદન આપે છે. આ જાતમાં ગુજરાત વરિયાળી-૧ કરતા વધારે ડાળીઓ, ચક્કર, ઉપચક્કર અને પ્રત્‍યેક ઉપચક્કરમાં દાણાની વધારે સંખ્‍યાના કારણે ઉત્પાદન ૧ર.પ ટકા જેટલું વધારે મળે છે. ચોમાસુ અને શિયાળુ બંને ઋતુમાં આ જાત સફળતાપૂર્વક વધારે નફો આપી શકે છે. દાણાની ગુણવતાની દ્રષ્‍ટિએ પણ આ સારી જાત છે.
ગુજરાત વરિયાળી-૧૧ : શિયાળુ પાક તરીકે વધારે ઉત્પાદન મેળવવા આ જાત સને ર૦૦૩ માં ભલામણ થયેલ છે. આ જાત ગુજરાત વરિયાળી-ર કરતા ડાળીઓ, ચક્કર અને ઉપચક્કરની સંખ્‍યા વધારે ધરાવે છે. ઉપચક્કરમાં દાણા વધારે અને ઘનિષ્ઠ રીતે ગોઠવાયેલા હોય છે. વચ્‍ચેનું ઉપચક્કર ટુંકુ અને સીધુ તે આ જાતની આગવી ઓળખ છે. સુગંધિત તેલનું પ્રમાણ ૧.૮૦% છે. આ જાતનું શિયાળુ વાવેતર માટે મહતમ અને સરેરાશ ઉત્પાદન અનુક્રમે ૩૪૮૩ અને ર૪૯૦ કિગ્રા/હેકટર મળી શકે છે. જે ગુજરાત વરિયાળી-ર કરતા ૧ર% વધુ છે.


5 - વરિયાળીમાં ધરૂ ઉછેર કઈ રીતે કરવું ?

વરિયાળીના વધુ ઉત્પાદન અને સફળ વાવેતર માટે વિશ્વાસપાત્ર અને તંદુરસ્‍ત ધરૂ મળી રહે તે માટે ખેડૂતોએ પોતાના જ ખેતરમાં ધરૂવાડિયું બનાવવું આવશ્‍યક છે. આ માટે જમીન સપાટ, સરખી પ્રતવાળી, સારા નિતારવાળી અને ઉંચી જગ્‍યાએ તેમજ નિંદણ, રોગ, કીટક અને કૃમિમુક્‍ત, પિયતની સગવડવાળી જમીન પસંદ કરવી. ધરૂવાડિયાના કયારા અંદાજિત ૩×૧ મીટરના બનાવવા અને હેકટર વિસ્‍તારની ફેરરોપણી માટે ૧૦૦ ચો.મી. જમીનમાં ૧.પ કિ.ગ્રા. બીજનો ઉપયોગ કરી ધરૂવાડિયું બનાવવું. બીજને વાવતા પહેલા ર૪ કલાક સુધી પાણીમાં પલાળી છાંયામાં સુકવી થાયરમ જેવી દવાનો પટ આપીને વાવવું. વાવણી બાદ ૪૦ થી ૪પ દિવસે ફેરરોપણી કરવી.


6 - વરિયાળીમાં ખાતર તથા પિયત વ્‍યવસ્‍થાના મુખ્‍ય મુદાઓ કયા કયા છે ?

શિયાળુ વરિયાળીમાં ભલામણ કરેલ ખાતરો સેન્‍દ્રિય તત્‍વના રૂપમાં આપવા માટે હેકટરદીઠ ૧૮ ટન છાણિયું ખાતર અથવા ૧.પ ટન રાયડાનો ખોળ આપવો. ચોમાસુ વરિયાળીમાં ૧૦૦-૬૦-૦૦ જયારે શિયાળુ વરિયાળીમાં ૯૦-૩૦-૦૦ ના.ફો.પો. કિ.ગ્રા./હેકટર મુજબ રાસાયણીક ખાતર આપવું. ફોસ્‍ફરસ અને પોટાશનો બધો જ જથ્‍થો તથા કુલ નાઈટ્રોજનનો અડધો જથ્‍થો વાવણી સમયે આપવો. બાકીનો અડધો નાઈટ્રોજન બે સરખા હપ્‍તામાં ફેરરોપણી બાદ ૩૦ અને ૬૦ દિવસે આપવો.
ચોમાસુ વરિયાળીને વરસાદ બંધ થયે એક મહિના બાદ પ્રથમ પિયત આપવું ત્‍યારબાદ જમીનની પ્રત પ્રમાણે ૧પ થી ર૦ દિવસના અંતરે કુલ ૬ થી ૮ પિયત આપવા. શિયાળુ વરિયાળીને પ્રથમ પિયત વાવેતર વખતે અને બાકીના પિયત ૧પ થી ર૦ દિવસના અંતરે ફેબ્રુઆરી માસ સુધી કુલ ૮ પિયત આપવા. ગુંદરીયા રોગથી પાકને બચાવવા ડિસેમ્‍બર-જાન્‍યુઆરી દરમ્‍યાન લાંબાગાળે જરૂરિયાત હોય તો જ પિયત આપવા તેમજ વાદળછાયા વાતાવરણમાં પિયત આપવાનું ટાળવું. વરિયાળીમાં ડાળીઓ ફુટવી, ફુલ અવસ્‍થા અને દાણાના વિકાસ સમયે અવશ્‍ય પિયત આપવું. પિયત પાણીના કાર્યક્ષમ ઉપયોગ અને વરિયાળીના વધુ ઉત્પાદન માટે ટપક પઘ્‍ધતિથી પિયત આપવું.


7 - વરિયાળીમાં નિંદણ વ્‍યવસ્‍થા કઈ રીતે કરવી ?

ફેરરોપણી પછી ૭પ દિવસ સુધી જરૂરિયાત મુજબ ર૦ થી રપ દિવસના ગાળે આંતરખેડ કરવી. વધુ નિંદણનો પ્રશ્‍ન હોય તેમજ મજુરોની અછત હોય તો તેવા સંજોગોમાં નિંદણનાશક દવા ફલ્‍યુકલોરાલીન ૦.૯ કિ.ગ્રા. સક્રિય તત્‍વ મુજબ એટલે કે હેકટરે બે લીટર દવા ૬૦૦ લીટર પાણીમાં ઓગાળી રોપણી પહેલા જમીન ઉપર એકસરખો છંટકાવ કરવો.


8 - વરિયાળીની કાપણી અને સુકવણી માટેના અગત્‍યના મુદાઓ કયા કયા છે ?

શિયાળુ પાક ૧પ૦ થી ૧૬૦ દિવસે જયારે ચોમાસુ વરિયાળી આશરે ર૧પ દિવસે તૈયાર થાય છે. વરિયાળીમાં ચકકર પરિપકવ થાય ત્‍યારે દાણાની ઉપરની નસો લીલી હોય છે જેને કારણે દાણાનો રંગ લીલો રહે છે. જે વીણી માટે યોગ્‍ય સમય છે. દાણાને દબાવતા તેમાંથી મીણ જેવો રસ નીકળે તે સમયે કાપણી કરવી. વરિયાળીની સુકવણી ત્રણ રીતે થઈ શકે છે. સ્‍થાનિક પઘ્‍ધતિમાં વરિયાળીના ચકકરો ઉતારીને ખળામાં, ઘરની અગાશીમાં કે ઝાડના છાંયામાં સુકવવાથી સૂર્યના કિરણો અને ઝાકળની અસરથી દાણાનો રંગ બગડી જાય છે. ર્ેિસ્‍તરીય પઘ્‍ધતિમાં વાંસના મંડપથી છાંયો રહે તેવી વ્‍યવસ્‍થા ઉભી કરવામાં આવે છે જેમાં વચ્‍ચે એક ભાગ ઉપર વરિયાળીને સુકવવામાં આવે છે અને આંતર દિવસે ઉપર નીચે કરવામાં આવે છે. આ પઘ્‍ધતિથી વરિયાળીનો રંગ જળવાઈ રહે છે. જયારે ત્રિસ્‍તરીય પઘ્‍ધતિમાં વાંસના મંડપમાં ઉપરના ભાગે તાર બાંધી વચ્‍ચે ભાગ પાડવામાં આવે છે જેના ઉપર તાજી ઉતારેલ વરિયાળીને પહેલા બે ત્રણ દિવસ તાર ઉપર સુકવવામાં આવે છે ત્‍યારબાદ વચ્‍ચેના ભાગમાં રાખવામાં આવે છે અને પુરેપુરી સુકાયા બાદ નીચે ઢગલો કરવામાં આવે છે.


9 - વરિયાળીના પાકોમાં મૂલ્‍યવર્ધન અને તેની તકો વિશે જણાવવા વિનંતી

વરિયાળીના બીજમાંથી ઉડયનશીલ તેલ અને ઓલીયોરેઝીન કાઢવામાં આવે તો તેનું મૂલ્‍ય બે થી ત્રણ ગણું વધી જાય છે. ઉડયનશીલ સુગંધિત તેલ ખોરાકમાં જરૂરી સ્‍વાદ, સુગંધ અને સોડમ ઉમેરવા માટે, સુગંધિત અતરો અને સાબુ, કોસ્‍મેટીક બનાવટો તથા આયુવેર્દિક દવાઓમાં વપરાય છે જયારે ઓલીયોરેઝીન ડબ્‍બાબંધ ખોરાક, સુપ, ચટણી, ચીઝ, ડેરી અને બેકરીની બનાવટોમાં, દવાઓની બનાવટમાં, નાસ્‍તા તથા પીણા બનાવવા માટે ઉપયોગી છે. વળી બહારના દેશોમાં તેની નિયમિત નિકાસ થતી હોઈ ઉડયનશીલ તેલ કે ઓલીયોરેઝીનની વિશ્વબજારમાં માંગ ઉભી કરવામાં કોઈ મુશ્‍કેલી પડે તેમ નથી.


10 - વરિયાળીના પાક માટે પાક સંરક્ષણના પગલાઓ કયા કયા છે ?

વરિયાળીમાં ચરમી અને થડનો કોહવારો ખૂબ જ નુકશાનકારક રોગ છે. તેના નિયંત્રણ માટે બીયારણ વાવતા પહેલા થાયરમ અથવા કેપ્‍ટાન દવાનો ર થી ૩ ગ્રામ પ્રતિ કિલો બીજ પ્રમાણે પટ આપવો તેમજ રોગ દેખાય કે તરત જ મેન્‍કોઝેબ દ્રાવણ ૦.ર% (રપ ગ્રામ દવા / ૧૦ લીટર પાણીમાં) ની સાથે રપ મી.લી. સાબુનું સંતૃપ્‍ત દ્રાવણ મિશ્ર કરી છોડ ઉપર ધુમ્‍મસરૂપે છાંટવું. રસ ચુસીને નુકશાન કરતી જીવાતો જેવી કે મોલોમશી, થ્રીપ્‍સ વગેરેના નિયંત્રણ માટે ડાયમીથોએટ અથવા મિથાઈલ-ઓ-ડીમેટોન પૈકી કોઈપણ દવા ૧૦ મિ.લિ./૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.