1 - જીરૂમાં કયા પ્રકારનું ઉડયનશીલ તેલ હોય છે અને તેનું પ્રમાણ કેટલું હોય છે ?
જીરૂમાં કયુમીનોલ નામનું ઉડયનશીલ તેલ હોય છે. જેનું પ્રમાણ ૩.પ થી ૪ ટકા હોય છે.
2 - જીરૂના પાકનો સારો અને ઝડપી ઉગાવો થાય તે માટે શું કરવું જોઈએ ?
જીરૂના પાકના સારા અને ઝડપી ઉગાવા માટે વાવણી પહેલા બીજને આઠ કલાક પાણીમાં પલાળી સુકવી કોરા કરી વાવેતર કરવું જોઈએ તેમજ બીજ જમીનમાં ૧ સે.મી.થી વધારે ઉંડાઈએ ન પડે તેની કાળજી લેવી જોઈએ. આ ઉપરાંત જમીનજન્ય અને બીજ જન્ય રોગના નિયંત્રણ માટે તથા સારા ઉગાવા માટે એક કિલોગ્રામ બીજદીઠ ૩ ગ્રામ પારાયુક્ત દવા જેવી કે થાયરમ અથવા કેપ્ટાનનો પટ આપી વાવેતર કરવું.
3 - જીરૂની વાવણી કયારે કરવી જોઈએ ? તેમજ એક હેકટરના વાવેતર માટે કેટલું બિયારણ જોઈએ ?
જીરૂના સાર ઉગાવા માટે ઠંડુ અને સુકુ હવામાન જરૂરી હોવાથી નવેમ્બર માસના પ્રથમ અઠવાડીયામાં જયારે મહતમ ઉષ્ણતામાન ૩૦ સે.ગ્રે. આજુબાજુ હોય ત્યારે કરેલ વાવણી વધારે લાભદાય પૂરવાર થયેલી છે. મોડી વાવણી કરવાથી રોગ-જીવાતનો ઉપદ્રવ વધે છે અને ઉત્પાદન ઘટે છે. એક હેકટરના વાવેતર માટે અંદાજે ૧ર થી ૧૬ કિ.ગ્રા. બિયારણની જરૂર પડે છે.
4 - જીરૂને છાંટીને/પૂંખીને વાવેતર કરવાથી કે ચાસમાં વાવેતર કરવાથી રોગ ઓછો આવે છે?
જીરૂને છાંટીને/પૂંખીને વાવેતર કરવાથી જીરૂનું બિયારણ દરેક જગ્યાએ એકસરખી રીતે જમીનમાં ન પડવાને કારણે અમુક જગ્યાએ ખુબ જ નજીક નજીક છોડ ઉગે છે વળી પૂંખ્યા બાદ બીજને યોગ્ય રીતે જમીનમાં ભેળવવામાં આવતુ ન હોવાથી ઉપર રહી ગયેલ બીજ પિયત પાણીથી તણાઈ જઈ એક જગ્યાએ જથ્થામાં ઉગે છે જયારે ઉંડે પડેલ બીજનો પૂરતો ઉગાવો થતો નથી. ઉપરાંત પૂંખીને વાવેતર કરવામાં બિયારણનું પ્રમાણ વધારે રાખવું પડે છે જેથી બીજ ખર્ચ વધે છે. પૂંખવાને કારણે ખાતર અને બીજ એકબીજાથી દુર પડવાથી તેનો કાર્યક્ષ મ ઉપયોગ થઈ શકતો નથી તેમજ આંતરખેડ અને નિંદણ નિયંત્રણમાં પણ મુશ્કેલી પડે છે. આથી જીરૂનું વાવેતર બે હાર વચ્ચે ૩૦ સે.મી.નું અંતર રાખી કરવું જોઈએ. ચાસમાં વાવેતર કરવાથી પ્રથમ ચાસમાં ખાતર અને પછી બિયારણ પડવાથી ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ થાય છે, બીજનો દર ઘટાડી શકાય છે. બીજ એક સરખી ઉંડાઈએ પડવાથી એક સરખો અને એક સાથે ઉગાવો થાય છે. આંતરખેડ અને નિંદામણ નિયંત્રણ સરળતાથી કરી શકાય છે અને ભેજનો સંગ્રહ થવાથી બે પિયત વચ્ચેનો ગાળો લંબાવી પિયતનો બચાવ કરી શકાય છે તેમજ ચરબી રોગનો ઉપદ્રવ ઘટાડી શકાય છે.
5 - જમીનમાં એક વખત જીરૂ વવાય ગયા બાદ કેટલા વર્ષ પછી જીરૂનો પાક લઈ શકાય ?
જીરૂના પાકમાં બીજજન્ય રોગ ચરમી અને જમીનજન્ય ફુગથી થતો સુકારાનો રોગ આવતો હોવાથી એકના એક ખેતરમાં જીરૂનો પાક ન લેતા પાકની ફેરબદલી કરવી જોઈએ. જુવારના પાક પછી જીરૂ વાવવાથી જીરૂમાં આવતા સુકારાના રોગનું પ્રમાણ ઘટે છે.
6 - જીરૂના પાકમાં કયા ખાતર કયારે અને કેટલા પ્રમાણમાં આપવા જોઈએ ?
જીરૂએ ટુંકાગાળાનો તથા છીછરા મૂળવાળો પાક હોઈ સામાન્ય રીતે દર વર્ષે છાણિયું ખાતર આપવાની જરૂરીયાત નથી. પરંતુ દર બીજા વર્ષે પ્રતિ હેકટરે ૧૦ થી ૧ર ટ્રેકટર ટ્રોલી સારૂ કોહવાયેલું છાણિંયુ ખાતર જમીન તૈયાર કરવાના સમયે આપી જમીન સાથે ભેળવી દેવું જોઈએ. પરંતુ અગાઉના ચોમાસુ પાકમાં છાણિયું ખાતર આપેલ હોય તો શિયાળુ પાકમાં આપવાની જરૂર નથી. જીરૂના પાકમાં ૩૦ કિલોગ્રામ નાઈટ્રોજન અને ૧પ કિલોગ્રામ ફોસ્ફરસ તત્વ આપવાની ભલામણ છે. પરંતુ જમીનનું પૃથ્થકરણ કરી તેના આધારે ખાતર આપવાનું નક્કી કરવું જોઈએ. આ માટે જમીન તૈયાર કરતી વખતે પાયાના ખાતર તરીકે ૧પ કિલોગ્રામ નાઈટ્રોજન અને ૧પ કિલોગ્રામ ફોસ્ફરસ આપવો એટલે કે ૩૩ કિલોગ્રામ ડી.એ.પી. અને ર૦ કિગ્રા યુરીયા આપવું જોઈએ. ત્યારબાદ પૂર્તિ ખાતર તરીકે પાક જયારે એક માસનો થાય ત્યારે નિંદામણ કર્યા પછી પરંતુ પિયત આપ્યા બાદ ૩૩ કિલોગ્રામ યુરીયા હારમાં છોડથી દુર જમીનમાં પગ ફરે તેવા ભેજે સાંજના સમયે પ્રતિ હેકટરે આપવુ જોઈએ.
7 - જીરૂના પાકમાં પિયત કયારે અને કેટલા આપવા જોઈએ ? તેમજ પિયત આપવામાં શું કાળજી રાખવી જોઈએ ?
જીરૂરના પાકમાં પિયત એ ખૂબ જ જોખમી પરિબળ છે. પિયત માટેના કયારા સમતળ, સાંકડા અને નાના એટલે કે ૬ મીટર લંબાઈના અને ર મીટર પહોળાઈના રાખવાથી ઉત્પાદન , નફો તથા પિયતની કાર્યક્ષ મતામાં વધારો થાય છે. પ્રથમ પિયત વાવણી બાદ તુરત જ, બીજુ પિયત જમીનની પ્રત પ્રમાણે ૮ થી ૧૦ દિવસે (સારા અને ઝડપી ઉગાવા માટે), ત્રીજુ પિયત ૩૦ દિવસે અને ચોથુ પિયત ૬૦ દિવસે અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં પાંચમુ પિયત ૭૦ દિવસ બાદ આપવું. વાદળછાયું વાતાવરણ, કમોસમી વરસાદ અથવા રોગ આવવાના ચિહનો જણાય તો પિયત આપવાનુ બંધ કરવાથી ચરમી તથા છારાના રોગનો ફેલાવો થતો અટકાવી શકાય છે. પાણીની અછત હોય ત્યારે પાકની કટોકટીની અવસ્થા જેવી કે વાનસ્પતિક વૃઘ્ધિના તબક્કે (વાવણી બાદ ૩૦ દિવસે), બીજના વિકાસ તબક્કે (વાવણી બાદ ૬પ દિવસે) પિયત અવશ્ય આપવું જોઈએ.
8 - જીરૂના પાકમાં નિંદામણ કયારે અને કેટલા કરવા જોઈએ ? તેમજ રાસાયણિક રીતે નિંદામણ નિયંત્રણ થઈ શકે કે કેમ તે જણાવશો.
જીરૂના પાકનો વૃઘ્ધિદર ધીમો હોવાથી નિંદામણ સામે હરીફાઈમાં ટકી શકતો નથી જેથી નિંદણને કારણે કેટલીક વાર પાક નિષ્ફળ જાય છે. જીરૂના પાકને ૪પ દિવસ સુધી નિંદામણમુક્ત રાખવો ખાસ જરૂરી છે. જયાં ખેતમજુરો સહેલાઈથી, સસ્તાદરે મળતા હોય ત્યાં વાવણી બાદ રપ થી ૩૦ દિવસે પ્રથમ અને બીજુ નિંદામણ જરૂરીયાત મુજબ ૪૦ દિવસે કરવું. આમ કુલ બે હાથ નિંદામણ કરવા જોઈએ પરંતુ જયા મજુરોની અછત હોય અને મજુરીના દર ઉંચા હોય ત્યા રાસાયણિક નિંદામણનાશક દવાનો ઉપયોગ કરવો જોઈએ. આ માટે પેન્ડીમીથેલીન ૧.૦ કિગ્રા સક્રિય તત્વ અથવા ફયુકલોરાલીન ૦.૯ કિગ્રા સક્રિય તત્વ પ્રમાણે પ્રતિ હેકટરે અથવા જીરૂની વાવણી પછી પ્રથમ પિયત પહેલા પિયત પછી બે થી ત્રણ દિવસે એક સરખો છંટકાવ કરવો.
9 - જીરૂના પાકમાં આવતા કાળિયા/ચરમીના રોગના નિયંત્રણ માટે શુ પગલા લેવા જોઈએ?
આ રોગનું નિયંત્રણ ખેડકાર્યો તથા રાસાયણિક દવાથી સારી રીતે થઈ શકે છે જેમ કે
ખેડકાર્યો દ્વારા નિયંત્રણ :
- પાકની ફેરબદલી કરવી.
- જીરૂના પાકની વાવણી સમયસર એટલે કે રપ ઓકટોબર થી ૧૦ મી નવેમ્બર વચ્ચે ઠંડીની શરૂઆત થતા બે હાર વચ્ચે ૩૦ સે.મી.નું અંતર રાખી વાવણી કરવી.
- કયારા સમતળ, સાંકડા અને નાના રાખવા જેથી એક સરખું પિયત થાય.
- હલકું પિયત આપવું તેમજ કયારાના પાછળના ભાગે પાણી ભરાઈ રહે નહી તેની કાળજી રાખવી.
- ભલામણ મુજબ છાણિયા ખાતરનો ઉપયોગ કરવો.
- વધુ પડતા નાઈટ્રોજનયુક્ત ખાતરોનો ઉપયોગ ટાળવો.
- રોગીષ્ટ છોડ ઉખેડીને બાળી કાઢવા.
- રાઈ, ઘઉં, રજકા જેવા પિયત પાકોની બાજુમાં જીરૂનું વાવેતર કરવું નહી.
- પિયત પછી શકય હોય તો આંતરખેડ કરવી.
- વાદળછાયું કે ધુમ્મસવાળુ વાતાવરણ થાય તો પિયત બંધ કરવું.
- ધુમ્મસ વધુ હોય તો રાત્રે ખેતરમાં અમુક જગ્યાએ કે આજુબાજુ કચરો સળગાવી ધુમાડો કરવો.
રાસાયણિક રીતે નિયંત્રણ :
- બીજને વાવતા પહેલા કોઈ એક ફુગનાશક દવા જેવી કે થાયરમ કે કેપ્ટાનનો પટ આપીને જ વાવેતર કરવું.
- પાક જયારે ૪૦ દિવસનો થાય ત્યારે મેન્કોઝેબ ૩૩ ગ્રામ દવા ૧૦ લીટર પાણીમાં ભેળવી સાથે સેન્ડોવીટ પ થી ૬ ગ્રામ પ્રતિ ૧૦ લીટર ભેળવી કુલ ચાર છંટકાવ ૧૦ દિવસના અંતરે કરવાથી રોગનું સારી રીતે નિયંત્રણ કરી શકાય છે.
10 - જીરૂના પાકમાં આવતી ચૂસિયા પ્રકારની જીવાતોના નિયંત્રણ માટે શું કરવું જોઈએ ?
જીરૂના પાકમાં આવતી ચૂસિયા પ્રકારની જીવાતોના નિયંત્રણ માટે કોઈપણ એક શોષક પ્રકારની જંતુનાશક દવા જેવી કે મિથાઈલ-ઓ-ડીમેટોન અથવા ડાયમીથોએટ કે ફોસ્ફામીડોન ૧૦ મિલી ૧૦ લીટર પાણીમાં ભેળવી એકથી બે છંટકાવ કરવા જોઈએ.
11 - જીરૂનો પાક કેટલા દિવસે પરિપકવ થાય અને વધુમાં વધુ કેટલું ઉત્પાદન મળે ?
જીરૂનો પાક ૧૦પ થી ૧૧૦ દિવસે પરિપકવ થઈ જાય છે અને પ્રતિ હેકટરે વધુમાં વધુ ૬૦૦ થી ૮૦૦ કિગ્રા ઉત્પાદન મળે છે.