1 - પ્રશ્ન-૧: ભારતમાં બાજરાનું વાવેતર મોટા પાયે કયાં કયાં રાજ્યોમાં થાય છે અને તેમાં ગુજરાત રાજ્યનું સ્થાન જણાવશો ?
ભારત-બાજરાનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. ભારતમાં રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત, હરીયાણા અને ઉત્તર પ્રદેશમાં બાજરાનું મોટા પાયે વાવેતર થાય છે આ પાંચ રાજ્યોમાં દેશનું બાજરાનું ઉત્પાદન લગભગ ૯૦ ટકા જેટલું થાય છે. જેમાં વાવેતર વિસ્તારની દષ્ટિએ ગુજરાત રાજ્ય એ રાજસ્થાન અને મહારાષ્ટ્ર પછી ત્રીજા નંબરનું સ્થાન ઘરાવે છે.
2 - પ્રશ્ન-૨: બાજરાનું વાવેતર કઇ કઇ ઋતુમાં કરવામાં આવે છે. અને તેનો વાવેતર વિસ્તાર ગુજરાત રાજયમાં કેટલો છે ?
બાજરાનું વાવેતર ખાસ કરીને ચોમાસુ, ઉનાળુ અને સેમી-રબી એટલે કે પૂર્વ-શિયાળુ ઋતુમાં વાવેતર કરવામાં આવે છે. ગુજરાત રાજયમાં બાજરાનો કુલ વાવેતર વિસ્તાર આશરે ૪.૫ થી ૫ લાખ હેકટર જેટલો છે તેમાંથી ૯૯ ટકાથી વઘુ વિસ્તારમાં હાઇબ્રીડ બાજરાનું વાવેતર થાય છે. બાજરાનો પાક ચોમાસુ ઋતુમાં અંદાજે ૨.૦૦ થી ૨.૫ લાખ હેકટરમાં અને જ્યાં ઉનાળુ ઋતુમાં પિયતની પુરતી સુવિઘાઓ છે તેવા વિસ્તારમાં ઉનાળુ બાજરાનું વાવેતર અંદાજે ૨.૫ થી ૩.૦ લાખ હેકટરમાં કરવામાં આવે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના દરીયા કાંઠાના વિસ્તારમાં પૂર્વ-શિયાળુ ઋતુમાં બાજરાનું વાવેતર આશરે ૨૦ થી ૨૫ હજાર હેકટરમાં કરવામાં આવે છે.
3 - પ્રશ્ન-૩: બાજરા પાકનું મહત્વ/ ઉપયોગીતા શુ શુ છે તે જણાવશો ?
બાજરો એ ગુજરાત રાજ્યનો અગત્યનો ઘાન્ય પાક છે. લોકો બાજરાના રોટલા બનાવી ખાવામાં ઉપયોગ કરે છે. બાજરો એ પ્રોટીન અને ફાઈબરનો ઉત્તમ સ્રોત છે. તેમજ ગ્લુટેન મુક્ત હોવાથી, તે સેલિઆક રોગથી પીડિત લોકોને માટે ફાયદાકારક છે. બાજરાના દાણામાં રહેલ પોટેશિયમ અને મેગ્નેશિયમ બ્લડ પ્રેશર ઘટાડવામાં અને હૃદય અને રક્તવાહિનીના આરોગ્યને જાળવવામાં મદદ કરે છે. બાજરાના દાણામાં ફાયટીક એસિડ અને નિયાસિન પણ ભરપુર હોય છે જે કોલેસ્ટરોલનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે. બાજરામાં સારી ગુણવતા ધરાવતા રેષાનું પ્રમાણ વધારે અને ખાંડનું પ્રમાણ ઓછું હોવાથી ડાયાબિટીઝના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. બાજરાના દાણામાં કેલરી તેમજ વિટામિન્સ, ખનિજો અને એમિનો એસિડ ખૂબ સારા પ્રમાણમાં હોવાથી તે બાળકો અને સગર્ભા સ્ત્રીઓ માટે એક ‘અજાયબી’ જેવુ કામ કરે છે. વળી, બાજરાનું લીલુ તેમજ સુકું ડાંડર ઢોરના ચારા માટે પણ ઉપયોગી છે.
4 - પ્રશ્ન-૪: ગુજરાતમાં ક્યા વિસ્તારમાં ઉનાળુ ઋતુમાં બાજરાનું વાવેતર કરવામાં આવે છે ?
ઉનાળામાં અંદાજે ૨.૫ થી ૩ લાખ હેકટરમાં બાજરીનું વાવેતર મુખ્યત્વે ઉત્તર ગુજરાત, મઘ્ય ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્ર વિસ્તારમાં કરવામાં આવે છે.
5 - પ્રશ્ન-૫: બાજરામાં વાવેતર માટે જાતની પસંદગી માટે કઇ કઇ બાબતો ઘ્યાનમાં રાખવી જોઇએ?
બાજરામાં વાવેતર માટે જાતની પસંદગી કરતી વખતે ખાસ કરીને વઘુ ઉત્પાદન આપતી બાયોફોર્ટીફાઇડ જાત, કુતુલ રોગ સામે પ્રતિકારક શક્તિ ઘરાવતી અને ઋતુને અનુરૂપ હાઇબ્રીડ જાતની પસંદગી કરવી જોઇએ. ઉનાળામાં વાવેતર માટે ખાસ કરીને પાણીની ઉપલબ્ઘતા ઘ્યાને રાખી બાજરાની જાત પસંદ કરવી જોઇએ એટલે કે પાણીની પુરતી સગવડતા હોય તો મોડી પાકતી વઘુ ઉત્પાદન આપતી જાત જેવી કે જીએચબી-૭૩૨, જીએચબી ૧૨૨૫ કે જીએચબી ૧૨૩૧ જેવી જાત પસંદ કરવી જોઇએ અને જો પાણીની સગવડ મઘ્યમ કે ઓછી હોય તો મઘ્યમ પાકતી જાત જીએચબી ૧૧૨૯ કે વહેલી પાકતી જીએચબી ૫૩૮ (મરુ સોના EDV : DM) જેવી જાત પસંદ કરવી જોઇએ.
6 - પ્રશ્ન-૬: બાયોફોર્ટીફીકેશન એટલે શુ ? બાજરામાં કઇ કઇ બાયોફોર્ટીફાઇડ જાતો બહાર પાડવામાં આવેલ છે ?
ગ્રીક શબ્દ "બાયોસ" નો અર્થ થાય છે "જીવન" અને લેટિન શબ્દ "ફોર્ટિફેર" નો અર્થ છે "મજબૂત બનાવો." બાયોફોર્ટીફિકેશન એટલે ઉત્પાદનની સાથે પોષાત તત્વોનું પ્રમાણ પણ સારા એવા પ્રમાણમાં હોય તેવી જાતોને બાયોફોર્ટીફાઇડ જાતો કહે છે. બાજરાની બાયોફોર્ટીફાઇડ જાતના દાણામાં “લોહ” તત્વનું પ્રમાણ ૭૦ પીપીએમ કરતા વઘુ અને સાથોસાથ “જસત” તત્વનું પ્રમાણ ૪૦ પીપીએમ કરતાં વઘુ હોવાથી તેવી જાતને બાયોફોર્ટીફાઇડ જાત કહેવામાં આવે છે. બાજરામા અત્યાર સુઘીમાં જામનગર કેન્દ્ર ખાતેથી ત્રણ હાઇબ્રીડ જાતો જેવી કે જીએચબી ૧૧૨૯, જીએચબી ૧૨૨૫ અને જીએચબી ૧૨૩૧ નામની બાયોફોર્ટીફાઇડ જાતો બહાર પાડવામાં આવેલ છે.
7 - પ્રશ્ન-૭: ચોમાસુ ઋતુ માટે બાજરાની કઇ કઇ જાતો વાવેતર માટે કૃષિ યુનિવર્સીટી તરફથી ભલામણ કરવામાં આવેલ છે ?
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના જામનગર ખાતેના બાજરા સંશોઘન કેન્દ્ર પર સતત ચાલતા ઘનિષ્ઠ સંશોઘનના પરિણામે હાલમાં ચોમાસુ ઋતુ માટે ખાસ તૈયાર કરવામાં આવેલ હાઇબ્રીડ જાતો જેવી કે જીએચબી-૭૩૨, જીએચબી-૯૦૫, જીએચબી ૧૧૨૯, જીએચબી ૧૨૨૫, જીએચબી ૧૨૩૧ અને જીએચબી ૫૩૮ (મરુ સોના EDV-DM)નું વાવેતર કરવાની ભલામણ કરવામાં આવેલ છે. વાવેતરમાં આ જાતોના સર્ટીફાઇડ બિયારણોનો ઉપયોગ કરવો હિતાવહ છે.
8 - પ્રશ્ન-૮: કૃષિ યુનિવર્સીટી તરફથી ઉનાળુ બાજરાની કઇ કઇ જાતો વાવેતર માટે ભલામણ કરવામાં આવેલ છે ?
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના જામનગર ખાતેના બાજરા સંશોઘન કેન્દ્ર પર સતત ચાલતા ઘનિષ્ઠ સંશોઘનના પરિણામે હાલમાં ઉનાળુ ઋતુ માટે ખાસ તૈયાર કરવામાં આવેલ હાઇબ્રીડ જાતો જેવી કે જીએચબી-૭૩૨, જીએચબી ૧૧૨૯, જીએચબી ૧૨૩૧ અને જીએચબી ૫૩૮ (મરુ સોના EDV-DM)નું વાવેતર કરવાની ભલામણ કરવામાં આવેલ છે. વાવેતરમાં આ જાતોના સર્ટીફાઇડ બિયારણોનો ઉપયોગ કરવો હિતાવહ છે.
9 - પ્રશ્ન-૯: પૂર્વ શિયાળુ ઋતુ માટે બાજરાની કઇ કઇ જાતો વાવેતર માટે કૃષિ યુનિવર્સીટી તરફથી ભલામણ કરવામાં આવેલ છે ?
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના જામનગર ખાતેના બાજરા સંશોઘન કેન્દ્ર પર સતત ચાલતા ઘનિષ્ઠ સંશોઘનના પરિણામે હાલમાં પૂર્વ શિયાળુ ઋતુ માટે ખાસ તૈયાર કરવામાં આવેલ હાઇબ્રીડ જાતો જેવી કે મોડી પાકતી જીએચબી ૧૨૩૧ અને વહેલી પાકતી જીએચબી ૫૩૮ (મરુ સોના EDV-DM)નું વાવેતર કરવાની ભલામણ કરવામાં આવેલ છે. વાવેતરમાં આ જાતોના સર્ટીફાઇડ બિયારણોનો ઉપયોગ કરવો હિતાવહ છે.
10 - પ્રશ્ન-૧૦: ચોમાસા કરતાં ઉનાળુ ઋતુમાં બાજરાના દાણાનું ઉત્પાદન વઘુ મળે છે તેના ક્યા ક્યા કારણો છે ?
સામાન્ય રીતે ચોમાસુ ઋતુની સરખામણીએ ઉનાળુ ઋતુમાં બાજરાના દાણાનું ઉત્પાદન લગભગ બે થી અઢી ગણુ વઘારે મળે છે. કારણ કે ઉનાળુ ઋતુમાં ખેતી કાર્યો જેવા કે ખેડ, ખાતર, વાવેતર સમય, નિંદામણ, પારવણી, આંતરખેડ, પિયત, કાપણી, થ્રેસીંગ વગેરે કાર્યો ઘાર્યા મુજબ સમયસર અને પૂરતા પ્રમાણમાં કરી શકાય છે. તેમજ ઉનાળામાં વાતાવરણના સાનુકૂળ પરિબળોને કારણે ખરીફ ઋતુના પ્રમાણમાં રોગ-જીવાતોનો ઉપદ્રવ પણ ઓછો/નહિવત રહેતો હોય છે વળી ઉનાળામાં વરસાદ ન આવતો હોવાથી ફુલકાળ સમયે ડૂંડામાંથી પરાગરજ ઘોવાઇ જતી નથી જેને કારણે ઉનાળુ ઋતુમાં બાજરીના દાણાનું ઉત્પાદન ચોમાસુ ઋતુ કરતાં વઘારે અને ગુણવત્તાયુક્ત મળે છે. આમ ઉનાળામાં બાજરાના દાણાનું ઉત્પાદન બે થી અઢી ગણુ વઘારે અને ગુણવત્તાયુક્ત મળે છે.
11 - પ્રશ્ન-૧૧: બાજરાના વાવેતર માટે જમીન કેવા પ્રકારની જોઇએ અને વાવેતર પહેલા જમીનની પ્રાથમિક તૈયારીઓમાં શુ શુ કરવી જોઇએ ?
બાજરી એ હલકી જમીનમાં લેવાતો પાક છે. પરંતુ તેને રેતાળ, ગોરાડુ, મઘ્યમ કાળી કે સારા નિતારવાળી જમીન વઘારે માફક આવે છે. આથી આ પ્રકારની જમીન પસંદ કરવી જોઇએ. અગાઉ લીઘેલ પાકને ઘ્યાનમાં લઇ, હળની એક યા બે ખેડ કરી, ૨-૩ વખત દાંતી-રાંપ ચલાવી, જમીનને સમતલ અને ભરભરી બનાવી અને જમીનમાં આગળના પાકનાં જડીયા-મૂળીયા વીણીને દૂર કરવા જોઇએ. બાજરાના બીજ ઝીણા હોવાથી જમીનમાં બિલકુલ ઢેફા ના રહે તે ખાસ ધ્યાન રાખવું નહીતર વધુ ઢેફાના કારણે બીજ દબાઈ જવાથી ઉગાવો ઓછો મળે છે. જમીન તૈયાર કરતી વખતે હેકટરે ૨૦ ગાડા જુનું ગળતિયું છાણિયું ખાતર પ્રાથમિક ખેડ પહેલાં છાંટો અને ખેડથી જમીનમાં ભેળવો અથવા ચાસે ખાતર ભરો. જેથી જમીનની ફળદ્રુપતા વઘવાની સાથે સાથે ભેજ સંગ્રહ શક્તિ વઘવાથી ઉત્પાદનમાં વઘારો થાય છે.
12 - પ્રશ્ન-૧૨: ચોમાસુ બાજરાનું વાવેતર ક્યારે કરવું જોઇએ ?
ચોમાસુ બાજરાનું વાવેતર વાવણી લાયક વરસાદ થયે એટલે કે ૧૫ જુન થી ૧૫ જુલાઇ સુઘીમાં વાવેતર કરવું. જો વાવણી લાયક વરસાદ મોડો થાય એટલે કે ૧૫ જુલાઇ પછી થાય તો વહેલી પાકતી જાત જેવી કે જીએચબી ૫૩૮ (મરુ સોના EDV-DM)ની પસંદગી વાવેતર માટે કરવી જોઇએ.
13 - પ્રશ્ન-૧૩: બાજરાના વાવેતરમાં બીજનો દર કેટલો રાખવો જોઇએ ?
બાજરાના પાકમાં હેકટર દીઠ ૪.૦ કિ.ગ્રા. બીજનો દર રાખી વાવેતર કરવાની ભલામણ કરવામાં આવેલ છે. જો ક્ષારીય કે ભાસ્મીક જમીન હોય તો તેના માટે ૬.૦ કિ.ગ્રા./હે. પ્રમાણે બિયારણનો દર રાખી બાજરાનું વાવેતર કરવું.
14 - પ્રશ્ન-૧૪: ઉનાળુ અને પૂર્વ-શિયાળુ ઋતુમાં બાજરાનું વાવેતર ક્યારે કરવું હિતાવહ છે?
ઉનાળુ ઋતુમાં બાજરાનું વાવેતર ઠંડી ઓછી થયે એટલે કે ૧૦ ફેબ્રુઆરીથી ૧૫ માર્ચ સુઘીમાં વાવેતર કરવું હિતાવહ છે. જ્યારે પૂર્વ-શિયાળુ ઋતુમાં બાજરાનું વાવેતર ૧૫ સપ્ટેમ્બર થી ૧૦ ઓક્ટોબર સુઘીમાં કરી દેવુ હિતાવહ છે. જો પૂર્વ-શિયાળુ ઋતુમાં બાજરાનું વાવેતર મોડુ કરવામાં આવે તો દાણા બેસવાના સમયે ઠંડીને કારણે ઉત્પાદન ઉપર માઠી અસર થાય છે. તેથી ભલામણ મુજબ સમયસર બાજરાનું વાવેતર કરવુ હિતાવહ છે.
15 - પ્રશ્ન-૧૫: બાજરાનું વાવેતર અંતર કેટલુ રાખવું જોઇએ ?
ચોમાસામાં બાજરાનું વાવેતર બે હાર વચ્ચે ૪૫ થી ૬૦ સે.મી. અંતર રાખી વાવેતર કરવું. જયારે ઉનાળુ અને પૂર્વ-શિયાળુ ઋતુમાં બાજરાનું વાવેતર બે હાર વચ્ચે ૪૫ સે.મી. અંતર રાખી, હારમાં બે છોડ વચ્ચે ૧૦ થી ૧૨ સે.મી. અંતર પારવણી કરી જાળવવું જેથી ઉત્પાદન પુરતું મળે છે.
16 - પ્રશ્ન-૧૬: બાજરાના પાકમાં પારવણી કયારે કરવી અને તેની અગત્યતા સમજાવો?
બાજરાનો પાક ૧૨ થી ૧૫ દિવસનો થાય ત્યારે હાથથી નિંદણ અને સાથોસાથ ચાસમાં બે છોડ વચ્ચે ૧૦ થી ૧૨ સે.મી. અંતર જળવાઇ રહે તેવી રીતે છોડની પારવણી કરવી એ ખુબજ અગત્યનું ખેત કાર્ય છે. બાજરાના પાકમાં પારવણી કરવાથી બે છોડ વચ્ચેનું અંતર એક સરખુ રહેવાથી છોડનો વિકાસ સારો થાય છે અને છોડમાં ફૂટની સંખ્યામાં વઘારો થાય છે જેને કારણે બાજરાના પાકમાં વઘુ ઉત્પાદન મળે છે. વળી,પારવણી કરેલ છોડનો ઉપયોગ ખાલા પુરવામાં કરવો હિતાવહ છે. ચોમાસામાં આ કામગીરી વરસાદ પછી તરત જ કરવાથી ખાલામાં રોપાણ કરેલ છોડનો ઉગાવો સારો થાય છે. આમ ખાલા પુરવાથી એકમ વિસ્તારમાં પુરતા અને સપ્રમાણ છોડની સંખ્યા જળવાઇ રહે છે.
17 - પ્રશ્ન-૧૭: બાજરાનું વાવેતર કઇ રીતે કરવામાં આવે છે અને વાવેતર વખતે શુ શુ કાળજી રાખવી જોઇએ ?
બાજરાના બીજનું વાવેતર સામાન્ય રીતે દંતાળથી કરવામાં આવે છે. બાજરાના બીજ ઝીણા હોવાથી, જો બીજનું વાવેતર વઘારે ઉંડાઈએ કરવામાં આવે તો બીજનો ઉગાવો ઓછો થાય છે. તેથી બીજનું વાવેતર ચાસમાં ૪ સે.મી.થી વઘારે ઉંડાઇએ કરવું નહિ, જેથી બીજનો ઉગાવો પૂરતો અને ઝડપી થાય છે. વળી, બાજરાના બીજ ઝીણા હોવાથી વાવેતર સમયે તેના બીજ સાથે ઝીણી રેતી ભેળવીને વાવેતર કરવામાં આવે તો એક્સરખા અંતરે વાવેતર કરી શકાય છે. મઘ્ય ગુજરાત ખેત આબોહવા વિભાગના ઉનાળુ બાજરા વાવતા ખેડૂતોએ ઘરુ ઉછેર કરી, ફેરરોપણી કરી વાવેતર કરવાથી બાજરાનું સારું ઉત્પાદન મેળવી શકે છે. ઘરુને ૨૦ થી ૨૫ દિવસે ફેર રોપણી કરવાની ભલામણ છે.
18 - પ્રશ્ન-૧૮: ચોમાસામાં બાજરાના પાકમાં કેટલુ અને કયારે રસાયણિક ખાતર આપવું તેની માહિતી આપશોજ ?
ચોમાસુ બાજરાના પાકને ૮૦ કિ.ગ્રા. નાઇટ્રોજન અને ૪૦ કિ.ગ્રા. ફોસ્ફરસ પ્રતિ હેકટરે આપવાની ભલામણ છે. જેમાંથી ૪૦ કિ.ગ્રા. નાઇટ્રોજન અને ૪૦ કિ.ગ્રા. ફોસ્ફરસ એટલે કે ૮૭ કિ.ગ્રા. ડી.એ.પી. અને ૫૩ કિ.ગ્રા. યુરીયા અથવા ૨૦૦ કિ.ગ્રા. નર્મદાફોસ પ્રતિ હેકટરે વાવેતર અગાઉ ચાસમાં દંતાળથી પાયાના ખાતર તરીકે આપવા. બાકીનો ૪૦ કિ.ગ્રા. નાઇટ્રોજન એટલે કે ૮૭ કિ.ગ્રા. યુરીયા પ્રતિ હેકટરે પાકમાં પારવણી અને નિંદામણ થઇ ગયા બાદ પાક એક માસનો થાય ત્યારે પૂર્તિ ખાતર તરીકે આપવું. પૂર્તિ ખાતર જમીનમાં પૂરતો ભેજ હોય ત્યારે જ દંતાળથી હારથી ૨૦-૨૫ સે.મી. દૂર અને ૭ થી ૮ સે.મી. ઉંડાઇએ આપવા.
19 - પ્રશ્ન-૧૯: ઉનાળુ અને પૂર્વ-શિયાળુ બાજરાના પાકમાં કેટલુ અને કયારે રસાયણિક ખાતર આપવું તે જણાવશો ?
ઉનાળુ અને પૂર્વ-શિયાળુ બાજરાના પાકને ૧૨૦ કિ.ગ્રા. નાઇટ્રોજન અને ૬૦ કિ.ગ્રા. ફોસ્ફરસ પ્રતિ હેકટરે આપવાની ભલામણ છે. જેમાંથી પાયાના ખાતર તરીકે ૪૦ કિ.ગ્રા. નાઇટ્રોજન અને ૬૦ કિ.ગ્રા. ફોસ્ફરસ એટલે કે ૧૩૦ કિ.ગ્રા. ડી.એ.પી. અને ૩૬ કિ.ગ્રા. યુરીયા પ્રતિ હેકટરે બીજ વાવતા પહેલા દંતાળથી ચાસમાં ૭ થી ૮ સે.મી. ઉંડે આપવા. બાકીનો ૮૦ કિ.ગ્રા. નાઇટ્રોજન પૈકી ૪૦ કી.ગ્રા. નાઇટ્રોજન (૮૭ કિ.ગ્રા. યુરીયા) પાકમાં પારવણી અને નિંદામણ થઇ ગયા બાદ પાક ૨૫-૩૦ દિવસનો થાય ત્યારે અને બાકીનો ૪૦ કી.ગ્રા. નાઇટ્રોજન (૮૭ કિ.ગ્રા. યુરીયા) પાક ૪૦-૪૫ દિવસનો થાય ત્યારે પૂર્તિ ખાતર તરીકે આપવો. ઉત્તર ગુજરાત વિસ્તારમાં બાજરાનું વઘારે ઉત્પાદન મેળવવા માટે હેકટરે ૧૨૦ ને બદલે ૧૬૦ કિ.ગ્રા. નાઇટ્રોજન બે સરખા હપ્તામાં આપવાની ભલામણ થયેલ છે. જે પૈકી ૮૦ કિ.ગ્રા. નાઇટ્રોજન/હે. પાયાના ખાતર તરીકે વાવેતર વખતે અને બાકી રહેતો ૮૦ કી.ગ્રા. નાઈટ્રોજન ૪૦ કિલોના સરખા બે ડોઝમા આપવો.
20 - પ્રશ્ન-૨૦: બાજરાના પાકમાં સુક્ષ્મ તત્વયુક્ત ખાતર આપવાની જરૂર પડે છે ?
જો જમીનમાં લોહ તથા જસત તત્વની ઉણપ જણાય તો તેવી જમીનમાં બાજરાના ઉભા પાકમાં ગર્વમેન્ટ નોટીફાઈડ ગ્રેડ-૪ નું ૧% પ્રમાણે (૧૫ લીટર ના પંપમાં ૧૫૦ મિલી પ્રવાહી) વાવેતર બાદ ૨૦, ૩૦ અને ૪૦ દિવસે છંટકાવ કરવાથી બાજરાનું વધુ ઉત્પાદન અને વધુ આવક મેળવી શકાય છે.
21 - પ્રશ્ન-૨૧: બાજરાના પાકમાં કયારે અને કેટલી આંતર ખેડ કરવી અને તેનું મહત્વ જણાવશો ?
બાજરાના પાકમાં, પાક ઉગ્યા બાદ દશેક દિવસથી પાક નિંઘલમાં આવે એટલે કે ૪૫ દિવસનો થાય ત્યાં સુઘીમાં બે થી ત્રણ આંતરખેડ કરવી. આંતર ખેડ કરવાથી બે હારના પાટલા વચ્ચેનું નિંદામણ દૂર થાય છે તેમજ જમીનની ભૌતિક પરિસ્થિતિ સારી રહે છે અને જમીન પોચી અને ભરભરી રહે છે. આંતર ખેડ કરવાથી છોડની બન્ને બાજુ માટી ચઢતી હોવાથી મૂળનો વિકાસ સારો થાય છે અને છોડને ઢળતા અટકાવી શકાય છે.
22 - પ્રશ્ન-૨૨: બાજરાના પાકમાં કઇ નિંદણ નાશક દવાનો છંટકાવ કરી શકાય?
બાજરાના પાકને નિંદણ મુકત રાખવા માટે એટ્રાઝીન ૦.૫ કિ.ગ્રા. સક્રિય તત્વ (૧.૦૦ કિ.ગ્રા.) પ્રતિ હેકટર દવાને ૫૦૦ લીટર પાણીમાં (૧૫ લીટર ના પંપમાં ૩૦ ગ્રામ દવા) ઓગાળી વાવણી બાદ પાક ઉગે તે પહેલા છંટકાવ કરવો ત્યારબાદ ૩૫ દિવસે એક હાથ નિંદામણ કરી બાજરા પાકને નિંદામણ રહિત રાખવાથી વઘુ ઉત્પાદન મેળવી શકાય છે.
23 - પ્રશ્ન-૨૩: બાજરાના પાકમાં પિયત કેટલા આપવા અને ક્યારે આપવા તે જણાવશોજી ?
ચોમાસુ બાજરામાં સામાન્ય રીતે પિયતની ભલામણ કરવામાં આવતી નથી કારણકે મુખ્યત્વે વરસાદ આઘારીત પાક છે. પરંતુ વરસાદની ખેંચ જણાય તો એક યા બે જરૂર મુજબ પિયત આપી, પાકનું વઘુ ઉત્પાદન મેળવી શકાય છે. ઉનાળામાં બાજરાના પાકને સામાન્ય રીતે કુલ ૮ થી ૧૦ પિયતની જરૂર પડે છે. દરેક પિયત ૮ થી ૧૦ દિવસનાં અંતરે જરૂર રહે છે. આમ છતાં પિયતની સંખ્યા અને બે પિયત વચ્ચેનો સમયગાળો એ જમીનના પ્રકાર અને સ્થાનીક ખેતી પઘ્ઘતી ઉપર આઘાર રાખે છે. બાજરાનાં પાકમાં અંકુર અવસ્થા, ફુટ અવસ્થા, ફુલકાળ અવસ્થા, થુલી અવસ્થા અને દાણા ભરાવાની અવસ્થા એ કટોકટીની અવસ્થાઓ છે. તે વખતે પાકને પાણીની ખેંચ ન પડે તેની ખાસ કાળજી રાખવી. જ્યારે સેમી-રબી ઋતુમાં બાજરામાં કુલ ૬ થી ૮ પિયત અને દરેક પિયત ૧૦ થી ૧૨ દિવસનાં અંતરે આપવાની ભલામણ કરવામાં આવેલ છે.
24 - પ્રશ્ન-૨૪: બાજરાના પાકની કાપણી ક્યારે કરવી અને કાપણી સમયે કઇ કઇ બાબતો ઘ્યાનમાં રાખવી જોઇએ ?
બાજરાનો પાક જયારે પરીપકવ થાય ત્યારે સમયસર કાપણી કરી લેવી જોઇએ. ડૂંડાને દબાવતાં જો દાણા છુટા પડે તો સમજવું કે બાજરો કાપણી લાયક થઇ ગયેલ છે. એટલે બાજરાની કાપણી કરી લેવી જોઇએ. બાજરાનાં ડૂંડાને લણીને ખળામાં પાથરી સૂર્યપ્રકાશમાં બરાબર તપાવવા અને ત્યાર બાદ થ્રેસરમાં નાખી થ્રેસીંગ કરવું. દાણાને સાફ કરી સૂર્યપ્રકાશમાં સુકવીને જ્યારે દાણામાં ૮ થી ૧૦ ટકા ભેજ રહે ત્યારબાદ ભેજ રહીત સુકી જગ્યામાં સંગ્રહ કરવો.
25 - પ્રશ્ન-૨૫: સંકર બાજરાનું સર્ટીફાઇડ બીજ ઉત્પાદન કાર્યક્રમ કોણ કોણ લઇ શકે? અને તેના બીજ ઉત્પાદન પ્લોટની નોંઘણી ક્યાં અને ક્યારે કરાવવાની હોય છે ?
સંકર બાજરાનું સર્ટીફાઇડ બીજ ઉત્પાદન કાર્યક્રમ કોઇપણ ખેડૂત, સરકારી કે સહકારી સંસ્થા કે કોઇપણ પ્રાઇવેટ રજીસ્ટર્ડ કંપનીઓ લઇ શકે છે. આપણા રાજ્યમાં ખેડૂતો ડાયરેક્ટ બીજ ઉત્પાદન પ્રોગ્રામ લેતાં નથી પરંતુ મોટા ભાગના ખેડૂતો, ગુજરાત રાજ્ય બીજ નિગમ, ગુજ્કોમાસોલ અગર તો પ્રાઇવેટ રજીસ્ટર્ડ સીડ કંપનીઓ મારફતે સંકર બાજરાની નોટીફાઇડ થયેલ જાતોનો સર્ટીફાઇડ બીજ ઉત્પાદન કાર્યક્રમ લે છે. આવો સર્ટીફાઇડ બીજ ઉત્પાદન કાર્યક્રમ લેવા માટે બીજ પ્લોટની નોંઘણી “ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સીની કચેરી” અમદાવાદ ખાતે કરાવવાની હોય છે. આ માટે બીજ પ્લોટની નોંઘણી બીજ પ્રમાણન માટે દર વર્ષે ચોમાસું ઋતુ માટે ૧૫મી જુલાઇ સુધીમાં અને ઉનાળુ ઋતુ માટે ૧૫મી ફેબ્રુઆરી સુધીમાં બીજ પ્લોટની નોંધણી કરાવવાની હોય છે. નોંઘણી સમયે તેના અઘિકારીઓ દ્રારા નર-માદાના બિયારણ ખરીદીનું અસલ બીલ, ટેગ્સ, ખાલી થેલીઓ વગેરેની ચકાસણી કર્યા પછી જ બીજ પ્લોટની નોંધણી કરે છે.
26 - પ્રશ્ન-૨૬: સંકર બાજરા બીજ ઉત્પાદન કાર્યક્રમ લેવા માટે કેવી અને કેવા પ્રકારની જમીનની પસંદગી કરવી જોઇએ અને તેમાં કેટલા મીટર એકલન અંતર જાળવવું જોઇએ ?
બાજરીનો પાક ગોરાડુ, મઘ્યમકાળી કે બેસર જમીનમાં સારો થાય છે. માટે આવી જમીન બીજ ઉત્પાદન પ્લોટ માટે પસંદ કરવી જોઇએ. વઘુમાં જણાવવાનું કે સંકર બાજરી બીજ ઉત્પાદન કાર્યક્રમ, જે જમીન પર લેવાનો હોય, તે જમીનમાં આગળની ઋતું/વર્ષમાં બાજરીનો પાક લીઘેલો ન હોવો જોઇએ એ બિયારણની શુધ્ધતાં જાળવવા માટે ખૂબ જ જરૂરી છે. એકલન અંતર એટલે કે આઇસોલેશન અંતરની વાત કરીએ તો જે બીજ ઉત્પાદન પ્લોટ વાવેલ હોય તેની ચારેય બાજુની સીમાઓની છેલ્લી લાઇનથી ઓછામાં ઓછુ ૨૦૦ મીટર સુઘીનું એકલન અંતર જાળવવું ફરજીયાત છે. એટલે કે ચારેય બાજુની સીમાઓની છેલ્લી લાઇનથી ૨૦૦ મીટર અંતર સુધીમાં બાજરાની અન્ય કોઇપણ જાતનું વાવેતર હોવુ ન જોઇએ. શકય હોય તો આ અંતર વધુ રાખવાથી બીજની જનિનીક શુધ્ધતાં વધે છે. જો ૨૦૦ મીટર એકલન અંતર ન જળવાઇ તો બીજ પ્લોટ પ્રમાણન માટે ગાહય રાખવામાં આવશે નહિ જે ખાસ ધ્યાન રાખવું જરુરી છે.
27 - પ્રશ્ન-૨૭:ચોમાસા કરતાં ઉનાળુ ઋતુમાં સંકર બાજરાના બીજનું ઉત્પાદન વઘુ અને ગુણવત્તાયુક્ત મળે છે તેના કારણો જણાવો ?
સામાન્ય રીતે ચોમાસુ ઋતુની સરખામણીએ ઉનાળુ ઋતુમાં સંકર બાજરા બીજનું ઉત્પાદન લગભગ બે ગણુ મળે છે એટલે કે ડબલ મળે છે. કારણ કે બીજ ઉત્પાદન પ્લોટમાં ઉનાળુ ઋતુમાં ખેતી કાર્યો જેવા કે ખેડ, ખાતર, નિંદામણ, છોડની પારવણી, આંતરખેડ, પિયત, રોગીંગની કામગીરી, કાપણી, થ્રેસીંગ વગેરે કાર્યો જરૂરીયાત મુજબ અને સમયસર કરી શકાય છે તેમજ ઉનાળામાં વાતાવરણના સાનુકુળ પરિબળોને કારણે ચોમાસા કરતાં પ્રમાણમાં રોગ-જીવાતોનો ઉપદ્રવ નહિવત/ઓછો રહેતો હોય છે. તેમજ ઉનાળામાં વરસાદ ન આવતો હોવાથી ફુલકાળ સમયે ડૂંડામાંથી પરાગરજ ઘોવાઇ ન જતી હોવાને કારણે ઉનાળુ ઋતુમાં સંકર બાજરાના બીજનું ઉત્પાદન વઘુ અને ગુણવત્તાયુક્ત મળે છે. તેથી મોટા ભાગના ખેડૂતો બાજરાનો બીજ ઉત્પાદન પ્રોગ્રામ ઉનાળુ ઋતુમાં લેતાં હોય છે.
28 - પ્રશ્ન-૨૮: ઉનાળામાં સંકર બાજરા બીજ ઉત્પાદન પ્લોટની વાવણી ક્યારે કરવી તેમજ પ્લોટમાં બે હાર વચ્ચે વાવેતર અંતર કેટલું રાખવું અને બીજનો દર કેટલો રાખવો જોઇએ ?
ઉનાળામાં સંકર બાજરા બીજ ઉત્પાદન પ્લોટની વાવણી ૧૦ ફેબ્રુઆરી થી ૧૫ માર્ચ સુઘીમાં ઠંડી ઓછી થયે તરત જ કરવાની ભલામણ કરવામાં આવે છે. ઉનાળુ બીજ પ્લોટનું વાવેતર ઠંડી ઓછી થયે તુરત જ ૧૫ ફેબ્રુઆરીની આસપાસ વહેલા કરવાથી, પાક સમયસર લઇ ચોમાસા માટે સંકર બીજ વહેલા તૈયાર કરી શકાય છે. તેમજ ઉનાળાનાં અંત ભાગની તીવ્ર ગરમી અને ગરમ પવનથી માદા લાઇનોમાં દાણા ઓછા બેસવાની વિપરીત અસરમાંથી પાક બચી જાય છે અને વઘુ ઉત્પાદન મેળવી શકાય છે. તેથી ઉનાળુ બીજ પ્લોટનું વાવેતર ઠંડી ઓછી થયે તુરત જ સમયસર કરવી હિતાવહ છે. સંકર બાજરા બીજ ઉત્પાદન પ્લોટમાં વાવેતર અંતરની વાત કરીએ તો બે હાર વચ્ચે ૬૦ સે.મી. અને બે છોડ વચ્ચે ૧૦-૧૫ સે.મી. અંતર પારવણીથી જાળવવું. બાજરાના પ્લોટમાં પારવણી પાક ૧૫-૨૦ દિવસનો થાય ત્યારે હાથ નિંદામણની સાથે સાથે પારવણી કરવી જરૂરી છે. બીજ ઉત્પાદન પ્લોટમાં માદા જાતનું પ્રતિ હેકટરે ૩.૦૦ કિ.ગ્રા.બીજની જરૂર રહે છે. જ્યારે નર જાતનું પ્રતિ હેકટરે ૧.૦૦ કિ.ગ્રા.બીજનો દર રાખી વાવેતરની ભલામણ કરવામાં આવેલ છે.
29 - પ્રશ્ન-૨૯: સંકર બાજરા બીજ ઉત્પાદન પ્લોટમાં માદા અને નર લાઇનોના વાવેતરનું પ્રમાણ કેટલુ રાખવું જોઇએ અને જુદી જુદી સંકર જાતોના નર અને માદા લાઇનો પ્લોટમાં એકી સમયે વાવેતર કરવું કે આગળ-પાછળ વાવેતર કરવુ તે જણાવશો ?
સંકર બાજરા બીજ ઉત્પાદન પ્લોટમાં માદા અને નર જાતોની વાવણી જુદી જુદી લાઇનોમાં કરવામાં આવે છે જેમાં માદા અને નર લાઇનનું ૬:૨ ના પ્રમાણમાં વાવેતર કરવુ એટલે કે છ લાઇન માદાની જયારે બે લાઇન નરની એમ વારાફરતી ૬:૨ ના પ્રમાણમાં લાઇનો વાવવામાં આવે છે. તેમજ બીજ પ્લોટની ફરતે નરની ૨ થી ૩ બોર્ડર લાઇનો વાવવામાં આવે છે. જેથી બોર્ડર પરના માદાના છોડને સતત પરાગરજ પુરતા પ્રમાણમાં મળતી રહે અને તેથી ઉત્પાદન વઘુ મેળવી શકાય છે. બીજ ઉત્પાદન પ્લોટમાં ઉત્પાદનનો આધાર નર અને માદામાં એકી સાથે ફુલો બેસવા પર રહેલો છે, પરંતુ કેટલીક હાઇબ્રીડોના નર અને માદાનો ફુલકાળ સમય જુદો જુદો હોય છે, એટલે કે તેમની નર અને માદા લાઇનોમાં એકી સાથે ફુલો બેસતા નથી. આવી હાઇબ્રીડોના નર અને માદા જાતોમાં ફુલો આવવાનો સમય ધ્યાને રાખી, બીજ ઉત્પાદન પ્લોટમાં નર અને માદાની વાવણી જુદા જુદા સમયે કરવી, જેથી નર અને માદા લાઇનોનો ફુલો કાળ સમય એકીસાથે જળવાઇ રહે અને ઉત્પાદન પૂરતું મળે. જીએચબી-૭૩૨, જીએચબી-૯૦૫, જીએચબી ૧૧૨૯, જીએચબી ૧૨૨૫ અને જીએચબી ૧૨૩૧ના નર અને માદા લાઇનોનો ફુલકાળ સમય એકી સાથે આવે છે તેથી સદરહું હાઇબ્રીડોના બીજ ઉત્પાદન પ્લોટમાં નર અને માદાનું વાવેતર એક જ સમયે કરવુ. જ્યારે જીએચબી ૫૩૮ (મરુ સોના EDV-DM)માં માદા કરતાં નર જાતોમાં ૫ થી ૬ દિવસ ફુલ મોડા આવતાં હોય, તેથી બીજ ઉત્પાદન પ્લોટમાં નરની વાવણી માદા કરતાં ૫ થી ૬ દિવસ વહેલી કરવી. આમ કરવાથી માદા અને નર બન્નેનો ફુલકાળ સમય એકીસાથે જળવાઇ રહે છે. અને તેથી બીજ ઉત્પાદન પુરતું મળે છે.
30 - પ્રશ્ન-૩૦: સંકર બાજરા બીજ ઉત્પાદન પ્લોટમાં કેટલુ અને ક્યારે છાણીયું અને રાસાયણિક ખાતર આપવું તેની માહિતી આપશો ?
સંકર બાજરા બીજ ઉત્પાદન પ્લોટમાં છાણીયુ ગળતીયું-કંમ્પોસ્ટ ખાતર હેકટર દીઠ ૨૫ થી ૩૦ ગાડા જમીન તૈયાર કરતી વખતે નાખવું. જ્યારે રાસાયણિક ખાતરોની વાત કરીએ તો બીજ ઉત્પાદન પ્લોટમાં હેકટર દીઠ કુલ ૧૨૦ કિ.ગ્રા. નાઇટ્રોજન અને ૬૦ કિ.ગ્રા. ફોસ્ફરસ તત્વો આપવાની ભલામણ થયેલ છે. તેમાંથી ૬૦ કિ.ગ્રા. નાઇટ્રોજન અને ૬૦ કિ.ગ્રા. ફોસ્ફરસ (૧૩૦ કિ.ગ્રા. ડી.એ.પી. અને ૮૦ કિ.ગ્રા. યુરીયા) પાયાના ખાતર તરીકે બીજ વાવતા પહેલા દંતાળથી ચાસમાં ૭ થી ૮ સે.મી. ઉંડે આપવા. બાકીનો ૬૦ કિ.ગ્રા. નાઇટ્રોજન પૈકી ૪૦ કિ.ગ્રા. નાઇટ્રોજન (૮૭ કિ.ગ્રા. યુરીયા પ્રતિ હેકટર) પારવણી અને નિંદામણ થયા બાદ ૨૦ થી ૨૫ દિવસે જમીનમાં પૂરતો ભેજ હોય ત્યારે આપવું અને બાકીનો ૨૦ કિ.ગ્રા. નાઇટ્રોજન (૪૩ કિ.ગ્રા. યુરીયા પ્રતિ હેકટર) પાકની નિંઘલ અવસ્થાએ જમીનમાં પૂરતો ભેજ હોય ત્યારે છોડની બાજુમાં આપવું.
31 - પ્રશ્ન-૩૧: સંકર બાજરા બીજ ઉત્પાદન પ્લોટમાં રોગીંગનું મહત્વ જણાવશોજી અને પ્લોટમાં રોગીંગ કોણ કોણ કરી શકે અને કેવા પ્રકારના છોડ રોગીંગ દરમ્યાન ઉપાડી દૂર કરવાના હોય છે તે જણાવશો ?
સંકર બીજ ઉત્પાદન કાર્યક્રમમાં સૌથી અગત્યની કામગીરી રોગીંગની છે. ધારા ધોરણો મુજબનું જનિનીક શુધ્ધતાં ધરાવતું સંકર બીજ પેદા કરવા સમયસર રોગીંગ કરવું અત્યંત જરૂરી છે. બાજરીમાં માદા (નરવંધ્ય) જાતમાં ફકત સ્ત્રીકેસર કાર્યશીલ હોય છે. જયારે નર જાતમાં પુંકેસર અને સ્ત્રીકેસર એમ બન્ને કાર્યશીલ હોય છે. બીજ ઉત્પાદન પ્લોટમાં માદા જાત, ઇચ્છિત (વાવેલ) નર જાતનાં પરાગ સિવાય અન્ય કોઇ બાજરીની જાતનાં પરાગથી ફલીનીકરણ ન થાય તે રોગીંગનો મુખ્ય આશય છે. રોગીંગનું કાર્ય પ્લોટમાં કુશળ મજુરો દ્રારા, ખેડૂતે જાતે, બીજ પ્લોટ લેનાર સહકારી કે પ્રાઇવેટ સંસ્થાએ પોતાના ખર્ચે બાજરીના પાકમાં ફુલ અવસ્થા શરુ થાય તે પહેલા શરુ કરી, ત્રણ થી ચાર વખત રોગીંગની કામગીરી પ્લોટમાં ધનિષ્ઠ રીતે કરવી. રોગીંગમાં જો પુરેપુરી કાળજી લેવામાં ન આવે તો ઘણીવાર બીજ પ્લોટ નાપાસ થવાની શક્યતા રહે છે. તેથી બીજ ઉત્પાદન પ્લોટમાં જુદા જુદા તબ્બકે કાળજી રાખી રોગીંગનું કાર્ય કરવું. માદા લાઇનમાંથી નરના છોડ અને નર લાઇનમાંથી માદાના છોડ, જો હોય તો ફુલ અવસ્થા પહેલા આવા છોડ ઉપાડી દૂર કરવા. નર અને માદા જાતોનાં વિશિષ્ટ ગુણધર્મો જેવા કે છોડનો ઘેરાવો, થડની જાડાઇ, થડના મૂળ પાસેનો રંગ, પાંદડાની લંબાઇ, પહોળાઇ, પાનનો રંગ અને પાન ઉપર રૂંવાટી, થડ ઉપરની ગાંઠોનો રંગ અને તેના ઉપર રૂંવાટીની રીંગ, પુંકેસરનો રંગ વગેરેનો અગાઉથી અભ્યાસ કરી તેને મળતાં આવે તે છોડ રાખી, તે સિવાયનાં વિજાતીય કે શંકાશીલ લાગતા તમામ છોડ ફુલ અવસ્થા પહેલા ઉપાડી દૂર કરવા. વધુ પડતી વાનસ્પતિક વ્રૃધ્ધિ કે વિકાસમાં નબળા (ઉંચા-નીચા છોડ) દેખાય તેવા વિજાતીય કે શંકાશીલ લાગતા તમામ છોડ ફુલ અવસ્થા પહેલા પ્લોટમાંથી દૂર કરવા. માદા લાઇનમાં ફુલકાળ સમયે, જો તેની લાઇનોમાં પોલન શેડર (કાર્યશીલ પરાગરજવાળા) છોડ જોવા મળે તો તુરત જ ઉપાડી દૂર કરવા. આ રીતે ફુલકાળ સમય દરમ્યાન પ્લોટમાં બે-ત્રણ વખત એકાંતરે ઘનિષ્ટ રોગીંગ કરવું. ફુલો આવ્યા બાદથી કાપણી સુઘીમાં ડૂંડાનો આકાર, લંબાઇ, જાડાઇ અને ડૂંડા ઉપર મૂંછ તેમજ દાણાનો રંગ, આકાર અને કદ વગેરે લક્ષણોને આઘારે પ્લોટમાં રોગીંગ કરવું. બાજરી સિવાયના અન્ય પાકોનાં છોડ, નિંદામણના છોડ, રોગીસ્ટ (રોગવાળા) છોડ વગેરે રોગીંગ દરમ્યાન ઉપાડી દૂર કરવા. પ્લોટની ચારેય બાજુ ૨૦૦ મીટર અંતર સુધીમાં જો કોઇ બાજરીના છોડ ઉગેલા દેખાય તો તેને શરુઆતથી જ ઉપાડી દૂર કરવા. આ ઉપરાંત નર અને માદા લાઇનોમાં રોગીંગ દરમ્યાન જ્યારે જ્યારે વિજાતિય કે શંકાશીલ છોડ દેખાય તો તેવા છોડ તુરંત જ ઉખાડીને દૂર નિકાલ કરવો.
32 - પ્રશ્ન-૩૨: સંકર બાજરાના પ્રમાણિત બીજ ઉત્પાદન પ્લોટમાં ક્ષેત્રીય નિરીક્ષણ કરવા કોણ આવે છે. અને કયા કયા સ્ટેજે ક્ષેત્રીય નિરીક્ષણ કરવામાં આવે છે ?
સંકર બાજરાના પ્રમાણિત બીજ ઉત્પાદન પ્લોટમાં ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સીના તાંત્રિક કર્મચારીઓ ઉભા પાકમાં ચાર વખત ક્ષેત્રીય નિરીક્ષણ કરવા આવે છે. પ્રથમ ફુલકાળ અવસ્થા પહેલા, બીજુ અને ત્રીજુ ફુલકાળ અવસ્થાએ અને ચોથું ક્ષેત્રીય નિરીક્ષણ કાપણી પહેલા કરે છે. આ ક્ષેત્રીય નિરીક્ષણ દરમ્યાન પ્લોટમાં બોર્ડર લાઇનોનું વાવેતર, માદા અને નર લાઇનોનું વાવેતરનું પ્રમાણ, એકલન અંતર, વિજાતીય છોડ, પોલન શેડર છોડ, રોગ યુક્ત છોડ અને નિંદામણના છોડના પ્રમાણની ચકાસણી કરવામાં આવે છે. જો બીજ પ્લોટ ક્ષેત્રીય નિરીક્ષણ દરમ્યાન તેના લઘુત્તમ ઘોરણો અનુસાર ન જણાય તો તેવા બીજ પ્લોટ પ્રમાણન માટે ગ્રાહય રાખવામાં આવતા નથી.
33 - પ્રશ્ન-૩૩: સંકર બાજરા બીજ ઉત્પાદન પ્લોટની કાપણી કઇ એજન્સીના અઘિકારીની હાજરીમાં કરવામાં આવે છે. અને કાપણી તેમજ થ્રેસીંગ વખતે કઇ કઇ બાબતો ઘ્યાનમાં રાખવી જોઇએ ?
સંકર બાજરા બીજ પ્લોટની કાપણી ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સીના અધિકૃત અધિકારીની હાજરીમાં તેમની સુચના મુજબ કરવામાં આવે છે. માદા લાઇનોમાંથી મળેલ ઉત્પાદનનાં જથ્થાને સંકર બાજરી બીજ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે નર લાઇનોના ઉત્પાદનને જનરલ બાજરી તરીકે બજારમાં વેચાણ કરવાનું હોય છે. તેથી નર અને માદા લાઇનોની કાપણી અલગ-અલગ કરી, તેને જુદા-જુદા ખળામાં રાખી થ્રેસીંગ કરવું. બીજ ઉત્પાદન પ્લોટમાં સૌ પ્રથમ નરની બઘી લાઇનો નીચેથી કાપી પ્લોટમાંથી દૂર કરવી. ત્યાર બાદ માદા લાઇનોના ડૂંડાની લણણી કરવી. માદા લાઇનોના ડૂંડા સાફ કરેલ ખળામાં નાખી, સુર્ય પ્રકાશમાં તપાવી, થ્રેસરને અગાઉથી સાફ સુફી કરી, થ્રેસર વડે ડૂંડામાંથી દાણા છૂટા પાડવામાં આવે છે. આ બીજના જથ્થાને સંકર બીજ કહેવામાં આવે છે. બીજનું ગ્રેંડીંગ કરી, બીજમાં ૧૦ ટકાથી વધુ ભેજ ન રહે તેની કાળજી રાખી, શણનાં નવા કોથળામાં ભરી, ગોડાઉનમાં બીજના જથ્થાનો સંગ્રહ કરવો. બિયારણ લાયક જથ્થો તૈયાર થયે બીજ પ્રમાણન કચેરીને જાણ કરી બીજનાં નમુનાઓ લેવા અંગેની કાર્યવાહી કરવી.
34 - પ્રશ્ન -૩૪: બાજરામાં ક્યા ક્યા પ્રકારના રોગો આવે છે તે વિષે જણાવો.
બાજરા પાકમાં રોગોની વાત કરીએ તો મુખ્યત્વે બાજરાનો બાવો અથવા કુતુલ (ડાઉન મીલ્ડ્યુ), ગુંદરિયો એટલે કે અરગટ, અંગારીયો સ્મટ, ગેરુ અને પાનના ટપકા એટલે કે બ્લાસ્ટ જેવા રોગો આવે છે. આ રોગોનું પ્રમાણ ઉનાળા કરતાં ચોમાસુ ઋતુમાં વઘુ જોવા મળે છે.
35 - પ્રશ્ન-૩૫: બાજરાનો કુતુલ (ડાઉની મીલ્ડ્યું) રોગ કઈ રીતે ફેલાય છે ?
ફુગથી થતો આ રોગ પાકની કોઈપણ અવસ્થા દરમ્યાન જોવા મળે છે. રોગ જમીન જન્ય છે હવા મારફતે ફેલાય છે. ગરમ તેમજ ભેજવાળું હવામાન અને ચોમાસામાં સતત ધીમો ઝરમર વરસાદ રોગકારક ફૂગની ઝડપી વૃધ્ધિ કરવામાં મદદરૂપ બને છે. જેમાં પાનની નીચેની સપાટીએ રહેલ રોગકારક બીજ (સ્પોરેન્જીયા)નો ફેલાવો પવન અને વરસાદ દ્વારા થાય છે.
36 - પ્રશ્ન-૩૬: કુતુલ રોગના લક્ષણો વિષે માહિતી જણાવશોજ ?
આ રોગ નાં લક્ષણો મુખ્યત્વે બે તબક્કામાં જોવા મળે છે. (ક) ધરૂ અવસ્થા: પાન જયાથી જોડાયેલ હોય તે ભાગથી પીળાશ પાનમાં આગળ વધે છે. ભેજવાળા વાતાવરણમાં પાનની નીચેની સપાટીએ સફેદ પાવડર જેવા બીજ (સ્પોરેન્જીયા) બને છે. વધુમાં પાનની ઉપરની સપાટી પર પણ સફેદ પાઉડર બને છે. ઘણી વાર છોડની ફૂટ વધે છે. જેનાથી છોડ સાવરણી જેવો લાગે છે. છોડ દૂરથી પીળો અને કદમાં નાનો રહે છે. રોગનો ઉપદ્રવ વધતા છેવટે પાન સુકાય જાય છે. ઘણી વખત છોડ મરી પણ જાય છે. (ખ) ડુંડા અવસ્થા : બાજરામાં ડુંડા આવે ત્યારે દાણા ન બેસતા, નાના વાંકડિયા તેમજ સહેજ લાંબા ગોળ લીલા પાન જેવી ફૂટ નીકળે છે. આવી ફૂટને કારણે ડુંડાનો આકાર સાવરણી જેવો દેખાય છે. આમ ડુંડાનાં સંપૂર્ણ અથવા અડધા ભાગમાં દાણા બેસતા નથી અને ગોળ વાંકડિયા પાન જેવી લીલી ફૂટ જોવા મળે છે. જેથી રોગીષ્ટ ખેતરમાં દાણાનું ઉત્પાદન ઘટે છે.
37 - પ્રશ્ન-૩૭: કુતુલ રોગનું નિયંત્રણ કઈ કઇ રીતે કરી શકાય તે વિષે માહીતી આપશો ?
આ રોગના અસરકારક નિયંત્રણ માટે (૧) રોગ પ્રતિકારક જાતો જેવી કે જીએચબી ૭૩૨, જીએચબી ૯૦૫, જીએચબી ૧૧૨૯, જીએચબી ૧૨૨૫ અને જીએચબી ૧૨૩૧ અને જીએચબી ૫૩૮ (મરુ સોના EDV-DM) જેવી જાતોનું વાવેતર કરવું જોઈએ. (૨) બીજ ને વાવતા પહેલા મેટાલેક્ષીલ દવાનો ૮ ગ્રામ પ્રતિ કિગ્રા પ્રમાણે પટ આપવો, જેથી છોડને વાવણીના પ્રથમ ૨૦-૨૫ દિવસ સુધી કુતુલ રોગથી રક્ષણ મળી રહે. (૩) બીજ ઉત્પાદન પ્લોટમાં રોગ જણાય તો મેટાલેક્ષિલ ૨ ગ્રામ/લિટર પાણીમાં ઓગાળી વાવેતર બાદ ૨૦ અને ૩૫ દિવસે છંટકાવ કરવાથી કુતુલ રોગને વધતો અટકાવી શકાય છે.
38 - પ્રશ્ન-૩૮: બાજરામાં આવતો ગુંદરીયા રોગ વિષે સમજ આપો.
આ રોગ પણ ફુગથી થાય છે. આ રોગપ્રેરક જમીનમાં અરગટની પેશી (સ્કેરોશિયા) રૂપમાં રહે છે. અથવા બીજ સાથે વાવેતર સમયે જમીનમાં ભળે છે. ભેજવાળા વાતાવરણમાં સુષુપ્ત અવસ્થામાં રહેલી પેશીઓ ઉગી નીકેળ છે. તેમાંથી નીકળતા બીજકણો પવન મારફતે ફેલાઈ ડુંડા સુધી પહોચી ફૂલ અવસ્થાએ રોગ પેદા કરે છે. આ ઉપરાંત રોગીષ્ટ ડુંડામાં રસ ચૂસતા કીટકો દ્વારા આ રોગનો ફેલાવો થાય છે.
39 - પ્રશ્ન-૩૯: બાજરાના ગુંદરીયા રોગનાં લક્ષણો વિષે જણાવો.
આ રોગ ડુંડા અવસ્થાએ જ જોવા મળે છે. ડુંડામાં ફૂલ આવવાની શરૂઆત થાય ત્યારે ડુંડા માંથી મધ જેવો ચીકણો પ્રવાહી પદાર્થ ઝરે છે. જે ડુંડા પર રેલાઈ, પાન અને જમીન પર પડે છે. તે ભાગ થોડો સફેદ ભૂખરા ડાઘા પડ્યા હોય તેવો લાગે છે. આમાં ફૂગનાં અસંખ્ય બીજાણુંઓ હોય છે. ડુંડામાનું ચીકણો પ્રવાહી સુકાતા દાણાની જગ્યાએ કાળાથી ભૂખરા રંગની, કદમાં દાણાથી થોડી મોટી અને લાંબી કઠણ પેશીઓ બને છે. આવી પેશીઓ તથા મધ જેવા પદાર્થમાં આલ્કોહોલાઈડસ જેવો ઝેરી પદાર્થ રહેલો હોય છે. જેથી આવા રોગિષ્ટ ડુંડા, દાણ તથા છોડના ભાગ પશુ તેમજ મનુષ્યના ખોરાકમાં આવે નહિ તેની તકેદારી રાખવી જોઈએ. આ રોગના લીધે પાકના ઉત્પાદન પર માઠી અસર પડે છે.
40 - પ્રશ્ન-૪૦: બાજરાના ગુંદરીયા રોગનું નિયંત્રણ કઈ રીતે કરી શકાય?
જો બિયારણમાં પેશીઓ જોવા મળે તો વાવતા પહેલા ૧૫ ટકા મીઠાનાં દ્રાવણમાં બોળી, ઉપર તરતી ફૂગની પેશીઓ અલગ તારવી બિયારણને સ્વસ્થ પાણીથી ૨ થી ૩ વખત ધોઈ, સુકવી, વાવેતરના ઉપયોગમાં લેવું. થાયરમ દવાનો ૩ ગ્રામ/કિગ્રા બીજ પ્રમાણે પટ આપવો. ડુંડા અવસ્થાએ ફૂલ સમયે (પ્રોટોગાયની સ્ટેજ) ફૂગનાશક દવા ઝાયરમ ૦.૨ ટકા (૨ ગ્રામ/લિટર)નો છંટકાવ કરવો.
41 - પ્રશ્ન-૪૧: બાજરામાં આવતા અંગારીયો (સ્મટ) રોગ વિષે માહિતગાર કરશો.
બાજરાનો આ રોગ ફૂગથી થાય છે. ફૂગના બીજકણો જમીનમાં તેમજ બીજાણું બહારની સપાટી પર જોવા મળે છે. ભેજવાળું અને ઝરમર ઝરમર વરસાદવાળું વાતાવરણ મળતા જમીનમાં રહેલા ફૂગના બિજકણો ઉગી નીકળે છે. જે હવા મારફત ફેલાય છે. અને ડુંડા અવસ્થાએ રોગ પેદા કરે છે.
42 - પ્રશ્ન-૪૨: બાજરામાં આવતા અંગારીયો (સ્મટ) રોગ થી ઉત્પાદન પર કેવી અસર પડે છે.
બાજરામાં આ રોગ આવતાં ડુંડામાં દાણાની જગ્યાએ કાળી ભૂકીથી ભરેલા દાણા જોવા મળે છે. ડુંડામાં દાણાની જગ્યાએ સામાન્ય દાણાથી થોડા મોટા કદના શરૂઆતમાં ચળકતા લીલા રંગના અને છેવટે ભૂખરા, કથ્થાઈથી કાળા રંગના દાણા થઇ જાય છે. આવા દાણા સહેલાઈથી તુટતા અંદરથી કાલી ભૂકી (બીજાણુંનો સમુહ) હવામાં પ્રસરી જઈ ડુંડામાં ફૂલ અવસ્થાએ ફરી રોગ કરે છે. રોગની તીવ્રતા વધારે હોય તો ડુંડામાં રોગીસ્ટ દાણાનું પ્રમાણ વધતા ઉત્પાદનમાં ઘટાડો થાય છે. આ રોગ પણ ડુંડા અવસ્થાએ જ જોવા મળે છે.
43 - પ્રશ્ન-૪૩: બાજરાના અંગારીયો (સ્મટ) રોગનું નિયંત્રણ કઈ રીતે કરી શકાય?
ઉપરોક્ત ત્રણેય રોગો (કુતુલ, ગુંદરીયો અને અંગારીઓ) માટે નીચે મુજબના પગલા લેવા ખાસ જરૂરી છે. જેથી રોગના બીજાણું ઓછા થઈ શકે અને રોગને ઓછો કરી શકાય. વાવણી લાયક વરસાદ થતા સમયસર વાવેતર કરવાથી ઉપરોક્ત રોગોનું પ્રમાણ ઓછું રહે છે. વહેલા વાવેતરમાં રોગ ઓછો આવે છે. ચોમાસામાં ૧૫ જૂલાઈ બાદ બાજરીનું વાવેતર કરવું હિતાવહ નથી. મોડું વાવેતર કરવાથી ઉપરોક્ત રોગોનું પ્રમાણ વધે છે. ખેતરમાં રોગકારક છોડ કે છોડનાં ભાગ જોવા મળે તો ઉપાડી અથવા તોડી, ભેગા કરી નાશ કરવો. પાક ફેરબદલી કરવી. ઉનાળામાં ઊંડી ખેડ કરી જમીન તપવા દેવી.
44 - પ્રશ્ન-૪૪: ગેરૂ (રસ્ટ) રોગ વિષે ટુકમાં જણાવશો? અને તેના નિયંત્રણ વિષે સમજાવો.
ફૂગથી થતા આ રોગમાં સામાન્ય રીતે શરૂઆતમાં પાન પર નાના કથ્થાઈ રંગના ટાંચણીનાં માથા જેવડા, કાટ જેવા ગોળ, અસંખ્ય ટપકા જોવા મળે છે. સામાન્ય ગરમ અને ભેજવાળું અને રાતનું સામન્ય ઠંડું વાતાવરણ મળતા રોગનો ઉપદ્રવ વધે છે. ટપકા કદમાં વધી છેવટે ફાટી તેમાંથી રોગકારકનાં બીજાણુંઓની ભૂકી નીકળે છે. જે હવા મારફતે ફેલાઈ છોડમાં રોગ ફેલાવે છે. સામાન્ય રીતે ચોમાસામાં પાકની પાછલી અવસ્થામાં રોગ વહેલો જોવા મળે છે. પરંતુ ઋતુ પ્રમાણે જો રોગ વહેલો અને ઉગ્ર સ્વરૂપમાં જોવા મળે તો પાન કથ્થાઈ થઈ સુકાવા લાગે છે. દાણા કદમાં નાના રહે છે. જેથી ઉત્પાદનમાં ઘટ આવે છે. તેમજ ચારાની ગુણવત્તા ઘટે છે. નિયંત્રણ: રોગ પ્રતિકારક જાતોનું વાવેતર કરવું. રોગની શરૂઆત થાય કે તરત જ મેન્કોઝેબ અથવા ઝાયનેબ ૦.૨ ટકાનો છંટકાવ કરવો અને ત્યારબાદ ૧૫ દિવસે જરૂરીઆત મુજબ બીજો છંટકાવ કરવો.
45 - પ્રશ્ન-૪૫: બાજરાના પાનાના ટપકા (બ્લાસ્ટ)રોગની ઓળખ તથા તેના નિયંત્રણ વિષે માહિતી આપશો ?
શરૂઆત નાં સમયમાં આ રોગ ગૌણ હતો. પણ બદલાતા વાતાવરણના કારણે આ રોગની શરૂઆત થઇ હોય તેવુ અનુમાન છે અને સમય સાથે રોગની તીવ્રતા પણ વધતી જાય છે. ગરમ તેમજ વધુ પડતા ભેજ અને સતત વરસાદવાળા વાતાવરણમાં રોગનો ઉપદ્રવ વધે છે. શરૂઆતમાં છોડનાં પાનના છેડે પાણી જેવા પોચા ટપકા જોવા મળે છે. ધીમે ધીમે પાના પર ભૂરા, કથ્થાઈ, કાળા લંબગોળથી ગોળ ત્રાક આકારના ટપકા બને છે. વચ્ચેનાં ભાગે ઓછા સફેદ રાખોડી જેવો ભાગ દેખાય છે. જેમાં ફૂગનો ઉગાવો અને બીજકણો હોય છે. તેમના ફરતે કાળાશથી કથ્થાઈ રંગની કિનારી ફરતે રતાશથી પીળી થઈએ આગળ વધી છેડેથી સુકાવા લાગે છે. આ રોગ ઉગ્ર સ્વરૂપમાં આવે તો છોડ નો અન્ય ભાગો પર પણ ચિન્હો જોવા મળે છે જેને લીધે છેવટે દાણાનું ઉત્પાદન તથા ચારાની ગુંણવતા ઘટે છે. જેના નિયંત્રણ માટે પાનના તાપકાના રોગ સામે પ્રતિકારક જાતોનું વાવેતર કરવું. રોગની શરૂઆત થાય કે તરત જ કાર્બેન્ડાઝીમ ૫૦ ટકા વે.પા. ૧ ગ્રામ/લિટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો.
46 - પ્રશ્ન-૪૬: બાજરાના પાકને સાંઠાની માખી તેમજ ગાભમારાની ઇયળ કેવી રીતે નુકશાન કરે છે ?
સાંઠાની માખી સામાન્ય રીતે ઘરમાં જોવા મળતી માખી કરતા અડધા કદની હોય છે. બાજરાનો પાક જયારે બે-ત્રણ પાનની અવસ્થાએ પહોંચે ત્યારે માદા પાનની નીચે ઘોરી નસને સમાંતર સફેદ હોડી આકારનાં ઈંડા મુકે છે. ઈંડા સેવાતાં તેમાંથી પગ વીનાના સફેદ રંગની ઈયળ બહાર આવે છે. જે પાનની ઉપરની બાજુએ આવી પહોચી ત્યાંથી વચલી ડુંખમાં દાખલ થઇ ત્યાં કોંચીને ડુંખ કાપી નાખે છે. તેથી વચલી ડુંખ સુકાઈ જાય છે, જેને ડેડ હાર્ટ કહેવામાં આવે છે. ગાભમારાની ઈયળ મેલા સફેદ રંગની અને શરીર પર છુટા છવાયા કાળા ટપકાં જોવા માળે છે. ઈંડા સેવાતા તેમાંથી સફેદ રંગની ઈયળ નીકળે છે. જે પાન ઉપરથી ભૂંગળીમાં દાખલ થાય છે. જેના નુકશાનને લીધે પાનમાં સમાંતર કાંણા જોવા મળે છે. ઉપરાંત ડુંડા અવસ્થાએ ગાભમારાની ઈયળ છોડની છેલ્લી આંતરગાંઠ અને ડુંડા વચ્ચે દાખલ થઇ અંદરથી કોરી ખાય છે. જેથી ડુંડામાં દાણા બેસતા નથી.
47 - પ્રશ્ન-૪૭: બાજરાના પાકમાં નુકશાન કરતી સાંઠાની માખી તેમજ ગાભમારાની ઇયળને કાબુમાં રાખવા માટેના રાસાયણિક તેમજ જૈવિક નિયંત્રણનાં ઉપાયો જણાવો ?
સાંઠાની માખી તેમજ ગાભમારાની ઈયળના નિયંત્રણ માટે પાકના ઉગાવા પછી ૩૦ દિવસે પ્રોફેનોફોસ ૪૦% + સાયપરમેથ્રિન ૪% ૪૪ ઈસી ૦.૦૪૪% નું તૈયાર મિશ્રણ (૧૦ મિલી/૧૦ લિટર પાણી) અથવા કારટેપ હાઈડ્રોક્લોરિઈડ ૫૦ એસ પી ૦.૦૫ % (૧૦ ગ્રામ/૧૦ લિટર પાણી) અથવા થાયોડીકાર્બ ૭૫ ડ્બ્લયુ પી ૦.૧૫% (૨ ગ્રામ/૧૦ લિટર પાણી)નો છંટકાવ કરવો. જે વિસ્તારમાં સાંઠાની માખી તેમજ ગાભમારાની ઈયળ નો ઉપદ્રવ વધુ જોવા મળતો હોય ત્યાં ફેનાબુકાર્બ ૫૦ ઈ. સી., ૦.૧% (૨૦ મિ.લી/ ૧૦ લિટર પાણી) અથવા પ્રોફેનોફોસ ૫૦ ઈ. સી., ૦.૦૫% (૧૦ મિ.લી/૧૦ લિટર પાણી) નો પાકના ઉગાવા બાદ ૨૦ અને ૪૦ દિવસે છંટકાવ કરવો. સાંઠાની માખીના જૈવિક નિયંત્રણ માટે બ્યુવેરીયા બાસિયાના નામની ફૂગનો પાઉડર ૫૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ભેળવી છોડ બરોબર ભીંજાય તે રીતે ૧૦-૧૦ દિવસને અંતરે બે છંટકાવ કરવા જોઈએ. લીમડાની લીંબોળીનાં મીંજનો ભુક્કો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીંબોળીનું તેલ ૩૦ મિલી ૧૦ લીટર પાણીમાં ભેળવી જીવાતનો ઉપદ્રવ જણાયેથી ૧૦-૧૦ દિવસને અંતરે ત્રણ છંટકાવ કરવાથી સાંઠાની માખીનું નિયંત્રણ થાય છે.
48 - પ્રશ્ન-૪૮: લીલી ઈયળ બાજરાને ડુંડા અવસ્થાએ કેવી રીતે નુકશાન કરે છે ?
બાજરાના પાકને ડુંડા અવસ્થાએ નુકશાન કરતી જુદી જુદી ત્રણ જાતની ઈયળો જોવા માળે છે. જે પૈકી લીલી ઈયળનું પ્રમાણ અને નુકશાનની માત્રા વધુ જોવા મળે છે. લીલી ઈયળના ઉપદ્રવની શરૂઆત ડુંડા અવસ્થાએ થાય છે. ઇયળ શરૂઆતમાં ડુંડાનાં રેશમી તંતુઓ ખાઈ છે. ઈયળો થુલી નીચે રહી દુધિયા દાણા ખાઈને નુકશાન કરે છે, જેથી ઉત્પાદન ઘટે છે.
49 - પ્રશ્ન-૪૯: બાજરાના પાકમાં ડુંડા અવસ્થાએ નુકશાન કરતી લીલી ઈયળ ને કાબુમાં રાખવા માટેના રાસાયણિક તેમજ જૈવિક નિયંત્રણનાં ઉપાયો જણાવો ?
રાસાયણિક નિયંત્રણનાં ઉપાયો જણાવો બાજરાના પાકમાં લીલી ઈયળના નિયંત્રણ માટે બેસીલસ થુરીનજાયેન્સીસ નામના જીવાણુંનો પાવડર ૨૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો જોઈએ. લીલી ઇયળનું NPV 450 LE/hacter (૧૦ મિલી ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવાથી લીલી ઈયળનુ નિયંત્રણ થાય છે. લીલી ઈયળના નિયંત્રણ માટે બ્યુવેરીયા બાસયાના ફૂગનો પાવડર ૫૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ભેળવી છોડ બરોબર ભીંજાય તે રીને ૧૦-૧૦ દિવસને અંતરે બે છંટકાવ કરવા જોઈએ લીલી ઈયળના પતંગીયા આકર્ષવા તેમજ નિયંત્રણ હેતુ માટે ૫ ફેરોમોન ટ્રેપ પ્રતિ હેક્ટર ડુંડા અવસ્થાએ છોડથી ૧ ફુટ ઉંચે રાખવા
50 - પ્રશ્ન-૫૦: બાજરાના પાકમાં સાંઠાની માખી અને ગાભમારાની ઈયળ કાબુમાં લેવા પંચગવ્યનો ઉપયોગ જણાવો ?
સાંઠાની માખી તેમજ ગાભમારાની ઈયળના નિયંત્રણ માટે બીજને વાવેતર વખતે ઈમિડાક્લોપ્રિડ ૬૦૦ એફ.એસ.(૮.૭૫ મિલી/કિ.ગ્રા.) નો પટ આપવો તેમજ પાકના ઉગાવા પછી ૨૦ અને ૪૦ દિવસે પંચગવ્ય 3% (૩૦૦ મીલી/૧૦ લીટર પાણીમાં) ના બે છંટકાવ કરવા.