1 - પશુ સંવર્ધન એટલે શું ?
જવાબ:- પશુસંર્વઘન શબ્દને છુટો પાડીએ તો પશુ સમ્ + વર્ધન એટલે સરખા પશુનું વર્ધન કરવું અર્થાત એક પશુમાંથી તેના જેવું જ બીજા પશુનું જૈવિક વર્ધન કરવું.પશુ સુધારણાનુ મુખ્ય પાસુ યોગ્ય સંર્વઘન છે.
2 - પશુ સંવર્ધનના ફાયદાઓ કયા છે ?
જવાબ:
1. માદા પશુઓમાં ગર્ભપાતનું પ્રમાણ અટકે છે.
2. પશુઓમાં તંદુરસ્ત-વિકસિત બચ્ચાંનો જન્મ થાય છે જેને કારણે બચ્ચાંમાં મરણ પ્રમાણનો દર નોંધપાત્ર રીતે ધટે છે.
3. માદા પશુઓમાં મેલી સમયસર (૮ થી ૧૨ કલાકમાં) પડી જાય છે.
4. માદા પશુઓમાં દૂધાળા દિવસો લાંબા સમય સુધી જળવાઈ રહે છે.
5. માદા પશુઓ સમયસર (૯૦ દિવસે) વેતરે આવે છે અને ફળી જાય છે.
વિયાણ પછીના રોગો જેવા કે સુવા રોગ (મીલ્ક ફીવર), કિટોસીસ વિગેરે અને ચયાપચયના રોગો ઓછા પ્રમાણમાં જોવા મળે છે. પશુપાલકને પશુ સારવારનો ખર્ચ ધટે છે અને દૂધ ઉત્પાદન-ઉત્પાદકતા વધે છે.
3 - ગાયો અને ભેંસોના સંવર્ધન માટે આપણા રાજ્યમાં કઈ-કઈ સંસ્થાઓ કામ કરે છે?
જવાબ: ગાયો તેમજ ભેંસોના સંર્વધન માટે આપણા રાજયમાં અનેક સંસ્થાઓ જેવી કે,ગુજરાત લાઈવ સ્ટોક ડેવલોપમેન્ટ બોર્ડ,ભારતીય એગ્રો ઈન્ડસ્ટ્રીઝ ફાઉન્ડેશન(બાયફ),જે.કે.ટ્રસ્ટ,૧૩ જેટલા જુદા જુદા જિલ્લાના સહકારી ડેરી દ્વારા થીજવેલ બીજદાનથી ગાય–ભેંસમાં કુત્રિમ બીજદાનથી પશુ સંર્વઘન કાર્યક્રમ ચલાવવામાં આવે છે.જેની સામે આપણા રાજયમાં ૪ સરકારી અને ૩ બિન સરકારી થીજવેલ બીજદાન ના ઉત્પાદન માટેના કેન્દ્વો આવેલા છે.જે પોતાના કેન્દ્વમાં ઉચ્ચ આનુવંશીક ગુણો ધરાવતા જુદી જુદી જાતીના નર અને માદા પશુઓને રાખી સરકારશ્રીનામિનિમમ સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ તથા આઈ.એસ.ઓ.–૯૦૦રની માર્ગદર્શીકા પ્રમાણેના ધારા–ધોરણને અનુસરી વીર્ય ડોઝ બનાવતા હોય છે અને જુદી જુદી સંસ્થાઓને પશુ સંર્વધન માટે પહોંચાડતા હોય છે.
4 - આપણા દેશમાં સંપૂર્ણ સુધ્ધ દેશી ઓલાદના ગુણધર્મો ધરાવતી ગાયોની ટકાવારી કેટલી
જવાબ: આપણા દેશમાં કુલ ગાયોની સંખ્યામાં માત્ર ૧૮% ગાયો જ સંપુર્ણ શુધ્ધ દેશી ઓલાદના ગુણધર્મો ધરાવે છે.બાકીની નિમ્ન કક્ષાની અથવા કોઈ ચોકકસ ઓલાદના પુરેપુરા લક્ષણો ધરાવતા નથી અને આવી ગાયો દ્વારા જન્મેલ સાંઢ્નો વૈજ્ઞાનિક પશુ સંવર્ધનના જ્ઞાનને અભાવે પશુપાલકો પશુ સંર્વધન કાર્યક્રમમાં ઉપયોગ કરે છે.
5 - નિમ્ન કક્ષાની કોઈ ચોક્કસ ઓલાદના લક્ષણો ન ધરાવતા સાંઢ/પાડાના ઉપયોગથી જો પશુ સંવર્ધન કરાવવામાં આવે તો તેના પરિણામ શું આવે ?
જવાબ: જો આપણા ઉચ્ચ કક્ષાના પશુનું કોઈ ચોક્કસ ઓલાદના લક્ષણો ન ધરાવતા સાંઢ/પાડાની જોડે સંવર્ધન કરાવવામાં આવે તો આવા સંવર્ધનને પરિણામે જન્મતા પશુમાં રોજનો શારીરીક વિકાસ ૧પ૦ ગ્રામ/દિવસ,પ્રથમ વિયાણ ૬૦ મહિને અને કુલ દુધાળ દિવસોનું દુધ ઉત્પાદન પ૦૦ કિ.ગ્રા.જેટલુ ઓછુ જોવા મળે છે.જે પશુપાલકને આજના મોંદ્યવારીના સમયમાં આર્થીક રીતે સાચવવી ન પાલવતા તે રસ્તે રખડતા રેઢીયાર પશુ બને છે અને સમાજમાં અન્ય પ્રશ્નો ઉત્પન્ન કરે છે.
6 - સંવર્ધન માટેના સાંઢ/પાડા કયા કયા પ્રકારના લક્ષણો ધરાવતા હોવા જોઈએ ?
જવાબ: 1. તે શુદ્ધ ઓલાદના બધા ગુણ ધરાવતો હોવો જોઈએ.
2. તેનામાં દેખાતી કોઈ ખોડખાંપણ ન હોવી જોઈએ.
3. તેની ચામડી પાતળી, ખુંધ વિકસેલી ધેરા રંગની હોવી જોઈએ.
4. તેની વૃષણ કોથળી વધુ પડતી લટકતી ન હોવી જોઈએ.
5. તે બ્રુસેલોસીસ રોગમુક્ત હોવો જોઈએ.
6. તેના બંને વૃષણના કદમાં મોટો ફેરફાર ના હોવો જોઈએ.
7. પ્રવર્તમાન ચેપી રોગો સામે રસી મુકાવવામાં આવેલ હોવી જોઈએ.
8. પુખ્ત ઉંમર પહેલાં તેનો કુદરતી સેવામાં ઉપયોગ કરવામાં આવતો ના હોવો જોઈએ.
9. તેની પાસેથી વાર્ષિક ૧૦૦થી વધુ સેવાઓ લેવી જોઈએ નહી.
7 - કૃત્રિમ બીજદાનના ફાયદાઓ કયા કયા છે ?
જવાબ: 1. ઊંચી ગુણવત્તાવાળા તથા શુદ્ધ ઓલાદના પશુ મેળવી શકાય છે.
2. સારી ગુણવત્તાવાળા સાંઢ/પાડા દ્વારા એક કુદરતી સેવા મારફત એક ગાય/ ભેંસ ફાલુ થાય છે. જ્યારે કૃત્રિમ બીજદાનથી તેટલા જ વીર્યથી ૭૦ થી ૮૦
3. ગાય/ભેંસ ફાલુ કરી શકાય છે.
4. પશુઓના જાતીય રોગો ઉપર અંકુશ મેળવી શકાય છે.
5. સાંઢ-પાડાનું સંતતિ પરીક્ષણ કાર્ય સરળ બની શકે છે.
6. ઉત્તમ આનુવંશિક ગુણો ધરાવતા સાંઢ/પાડાની તંગી નિવારી શકાય છે.
7. ઓછા સાંઢ-પાડાની જરૂરિયાત રહેતી હોઈ નિભાવ ખર્ચ ઘટાડી શકાય છે.
8. બીજદાન સમયે માદા જનન અવયવોનું પરીક્ષણ થઈ શકે છે.
9. નર અને માદા પશુના કદની અસમાનતાનો પ્રશ્ન દૂર કરી શકાય છે.
10. ઊંચી ઓલાદના શારીરિક ખોડ ખાંપણવાળા અપંગ પશુઓનું પણ સંવર્ધન શક્ય બને છે.
11. ચંચળ પશુઓ કુદરતી સમાગમમાં સહકાર આપતા ન હોય, તેમનું સંવર્ધન શક્ય બને છે.
8 - આદર્શ પશુપાલન માટે દૂધ આપતી અને વસુકેલ ગાયો/ભેંસોનો રેસીયો કેટલો હોવો જોઈએ ?
જવાબ: નફાકારક પશુપાલન કરવા માટે જો ખેડૂત પાસે પુખ્ત ઉંમરની દશ ગાયો અથવા ભેંસો હોય તો ૭૦:૩૦ના રેસીય મુજબ સાત દૂધ આપતી અને ત્રણ વસુકેલ પણ સગર્ભા હોવી જોઈએ.
9 - ગાય / ભેંસ ગરમીમાં હોય ત્યારે કયા સમયે કૃત્રિમ બીજદાન કરાવવું જોઈએ ?
જવાબ: ગાય ઋતુમાં આવે ત્યારે ૮ થી ૧૦ કલાક પછી જ્યારે ભેંસને ૧૦ થી ૧૨ કલાક પછી કૃત્રિમ બીજદાન કરાવવું જોઈએ.
10 - ભેંસોમાં કૃત્રિમ બીજદાન ની સફળતા ઓછી શા માટે છે ?
જવાબ: ભેંસોમાં ઋતુકાળના લક્ષણો બહુ ઓછા હોય છે અને ખાસ કરીને તે વહેલી સવારે અને મોડી સાંજે લક્ષણો બતાવે છે માટે ઘણી વખત ખેડૂત તેને ઓળખી શકતો નથી. માટે કૃત્રિમ બીજદાન યોગ્ય સમયે થતું નથી. પશુ જ્યારે પ્રાસવો મુકે તેના ત્રણ દિવસ પછી ગરમીમાં આવતું હોય છે પણ ખેડૂત ઘણી વખત વહેલું બીજદાન કરાવે છે માટે પણ સફળતા ઓછી મળે છે. જ્યારે ભેંસોમાં લાળીનું પ્રમાણ ગાયો કરતા ઓછું હોય છે જેનાથી શુક્રાણું વાહન તથા સફળતામાં ઘટાડો થાય છે.
11 - પશુવ્યંધત્વ એટલે શું ?
જવાબ: પશુ વારંવાર ઉથલા મારે અથવા ગર્ભધારણ ન કરે તેને વ્યંધત્વ કહેવાય કોઈપણ ફાર્મમાં તેનું પ્રમાણ ૧૦% થી વધારે ન હોવું જોઈએ. જ્યારે કાયમી વ્યંધત્વ પશુઓ ખુબ જ ઓછા હોય છે. તેને વહેલી તકે ઓળખી નિકાલ કરવો ફાયદાકારક રહે છે.
12 - પશુના ઋતુકાળનું ક્યારે નિરીક્ષણ કરવું જોઈએ ?
જવાબ: ગાયો/ ભેંસોમાં વહેલી સવારે અને સાંજે જ્યારે પશુ આરામમાં હોય ત્યારે વધારે નિરીક્ષણ કરવું એ વધારે સ્પષ્ઠ હશે.
13 - ગાયો / ભેંસો ખરીદતા પહેલા કયા રોગોની તપાસ કરાવવી જોઈએ ?
જવાબ: બ્રુસેલોસીસ, જોહ્ન ડીસીસ (JD), ટ્યુબરકૂલોસીસ(TB) રોગોની તપાસ કરાવ્યા પછી જ પશુ ખરીદવું.
14 - ગાયો/ભેંસોમાં બે વિયાણ વચ્ચેનો સમયગાળો કેટલો હોવો જોઈએ ?
જવાબ: ગાયોમાં ૧૨ થી ૧૩ મહિના અને ભેંસોમાં ૧૪ થી ૧૫ મહિના હોવો જોઈએ. તે માટે ગાયને વિયાણ બાદ ૩ મહિના અને ભેંસને વિયાણ બાદ ચાર મહિના પહેલા ગર્ભધારણ થઇ જવું જોઈએ.
15 - પશુની વિયાણ પહેલા શું કાળજી રાખવી જોઈએ ?
જવાબ: પશુને વિયાણ પહેલા (છેલ્લાં ત્રણ મહિના) રોજ ૨ થી ૩ કિલો દાણ તથા રોજ ૩૦ ગ્રામ મિનરલ મિક્ષ્રર આપવું જોઈએ તથા પશુને અલગ ચોખ્ખી જગ્યાએ બાંધવું જોઈએ જેથી ઈજા થવાની શક્યતા ન રહે.
16 - મેલી (ઓર) કેટલા સમયમાં કુદરતી રીતે પડે છે ?
જવાબ: ગાય / બહેનમાં મેલી વિયાણ બાદ ૬ થી ૮ કલાકમાં પડી જતી હોય અને જો તે ૧૬ કલાક થી રહે તો સારવાર કરાવવી પડે.
17 - વિયાણ પછી શું કાળજી રાખવી ?
જવાબ: વિયાણ ઘર ચોખ્ખું રાખી નીચે ઘાસની સુવાળી પથારી રાખવી અને વિયાણ ઘર અલાયદું રાખવું વિયાણ બાદ નીચેનું ઘાસ સળગાવી નાખવું. વિયાણ બાદ ગોળ, સુવા, અજમો વગેરે આપવું જેનાથી ગર્ભાશય ઝડપથી ચોખ્ખું થાય.
18 - આદર્શ ફાર્મમાં ગર્ભપાતનું પ્રમાણ કેટલું હોવું જોઈએ ?
જવાબ: નફાકારક પશુપાલન માટે ગર્ભપાતની ટકાવારી ૫% થી ઓછી હોવી જરૂરી છે.
19 - પશુનું ગર્ભનિરીક્ષણ ક્યારે કરાવવું જોઈએ ?
જવાબ: કૃત્રિમ બીજદાન કરાવ્યા પછી ત્રણ મહિના બાદ કરાવવું જોઈએ અને તેનો રેકોર્ડ રાખવો જોઈએ અને જો ગર્ભધારણ ન થયો હોય તો તેની સારવાર કરાવવાથી સમયસર ફરી ગર્ભધારણ કરાવી શકાય.૧૪)
20 - ગર્ભાશયનો ચેપ હોય તો પશુ શું લક્ષણો બતાવે ?
જવાબ: જો ગર્ભાશયનો ચેપ હોય તો બીજદાન કરાવવા છતાં પશુ વારંવાર ઋતુમાં આવે, સફેદ પરુ જેવો બગાડ યોનીમાર્ગ માંથી આવે જે ગર્ભાશયના ચેપના લક્ષણો છે, જો આવું જોવા મળે તે પશુ ચિકિત્સક પાસે ગર્ભાશયમાં દવા મુકવી બીજી સારવાર કરાવવી જોઈએ.
21 - જો પશુઓમાં સાત આઠ મહીને ગર્ભપાત થાય તો શું કરવું ?
જવાબ: જો ગર્ભપાત થાય તો તે પશુને બીજા પશુઓથી અલગ બાંધવું. તેની પશુ ચિકિત્સક પાસે યોગ્ય કરાવવી. જો બ્લડ સીરમમાં બ્રુસેલોસીસ આવેતો તે પશુને અલગ જ રાખવું અને બીજા પશુઓના પણ લોહીની તપાસ કરાવવી અને રોગી પશુનો નિકાલ કરવો.
22 - પશુઓની સગર્ભાવસ્થાના જુદા-જુદા તબક્કા, વિયાણ એ કષ્ટદાયક વિયાણ માટેના જવાબદાર કારણો અને તેના ઉપાયો.
જવાબ: સગર્ભાવસ્થા એટલે કે જીવાત્માની ગર્ભમાં રહેવાની પરિસ્થિતિ. આ એક એવી પરિસ્થિતિ છે જેનું નિર્માણ વેતરમાં આવેલ ગાય/ભેંસને યોગ્ય સમયે સાંઢ/પાડા જોડે ફળું કરાવવાની અથવા યોગ્ય સમયે બીજદાન કરાવવાથી – માદા પશુના ગર્ભાશયની અંદર સ્ત્રીબીજ તથા શુક્રાણુંના ફલીનીકરણને અંતે ઉત્પન્ન થયેલ ભૃણનું ગર્ભપ્રત્યારોપણ, સગર્ભાવસ્થા દરમ્યાન ગર્ભને પોષણ તથા રક્ષણ આપવાનું અને સગર્ભાવસ્થાના અંતે ગર્ભના પ્રસવ થવા સુધીના સમગ્ર તબક્કાને પશુની સગર્ભાવસ્થા કહે છે.
નફાકારક પશુપાલન તથા પશુનું દૂધ ઉત્પાદન સતત જળવાઈ રહે ટે માટે પશુનું દર વર્ષે વિયાણ થવું જરૂરી છે.
પશુ ગાભણ થયેલ છે આ સમાચાર સાંભળી દરેક પશુમાલિકના ચહેરા પર હર્ષની લાગણી ઉભરાઈ આવે છે. પરંતુ પશુમાલિક પોતાના પશુની સગર્ભાવસ્થા દરમ્યાન ગર્ભસ્થ પશુની યોગ્ય કાળજી ન રાખવામાં આવે તો સગર્ભાવસ્થા દરમ્યાન યોનીભ્રંશ, પ્રસવ પછીનો યોનીભ્રંશ, ગર્ભની વિકૃતિ, આસાન સને સ્થિતિની અસમાનતાઓને લીધે થયેલ કઠીન પ્રસવ, ગર્ભપાત, ઓર અવરોધન, ગર્ભાશયની આંટીના લીધે બચ્ચાના જન્મમાં અવરોધ, રાક્ષસી ગર્ભ જેવી પરિસ્થિતિઓનું નિર્માણ થતું હોય છે અને ઘણા કિસ્સાઓમાં બચ્ચું તથા માદા પશુ બંનેને ગુમાવવાનો વારો પશુમાલિકને આવે છે આમ, પશુ ગાભણ થવાથી જેના હર્ષની લાગણી પશુમાલિકના મનમાં ઉદભવી હતી તે કષ્ટદાયક વિયાણના કારણે દુઃખમાં પરિણમે છે માટે ગાભણ પશુની સગર્ભાવસ્થા દરમ્યાન ખુબ જ કાળજી લેવી જરૂરી છે. આ માટે દરેક પશુપાલક મિત્રોને સગર્ભાવસ્થાના જુદા-જુદા તબક્કા, વિયાણની પ્રક્રિયા, કષ્ટદાયક વિયાણ માટેના જવાબદાર કારણો અને તેના ઉપાયો વિશે આંશિક માહિતી હોવી જરૂરી છે.
23 - પશુમાં પ્રસવનો સમય નજીક આવી ગયો છે તેવી પશુપાલક મિત્રોને કઈ રીતે ખબર પડે ?
જવાબ: પશુની શરૂઆતમાં માદાને ખોરાક ઓછો કરે છે અને એકાંત વધુ પસંદ કરે છે, દુગ્ધગ્રંથીનો / બાવાલાનો પૂર્ણ રીતે થાય છે, નિતંબ પ્રદેશના સ્નાયુઓ અને સાંધાઓ શીથીલ થાય છે, માદા પશુ બેચેન રહે છે, ઉઠવા બેસવામાં ખુબ જ ધ્યાન રાખે છે, પશુ વારંવાર પાછળના ભાગે જોયા કરે છે આ લક્ષણો આધારે પ્રસવનો સમય નજીક આવી ગયો છે તેની પશુપાલક મિત્ર ને ખબર પડે છે.
24 - પ્રસવક્રિયાને કેટલા તબક્કામાં વિભાજીત કરી શકાય છે ?
જવાબ:પ્રસવક્રિયાને ત્રણ તબક્કામાં વિભાજીત કરી કરાય છે :
૧. ગર્ભાશયના સ્નાયુસ્ટારની ઉત્તેજના અને સંકોચનનો કમળનું મુખ વધારે પહોળું બને છે તથા જનનમાર્ગની રચના થાય છે અને પ્રથમ ગર્ભ કોથળી યોનીની બહાર લટકતી દેખાય છે, જે આપોઆપ ફૂટતા ચીકણું પ્રવાહી જનનમાર્ગની દીવાલને ચીકની અને લીસી બનાવે છે, અશું ઉઠ બેસ કરે છે, ટે દરમ્યાન બચ્ચું જન્મ માટેની યોગ્ય શારીરિક સ્થિતિ પ્રાપ્ત કરે છે.
૨. નવજાત બચ્ચાના જન્મનો તબક્કો
બીજા તબક્કામાં ગર્ભનું માથું અને આગળના પગ જનનમાર્ગમાં પ્રવેશે છે ત્યારબાદ સ્નાયુઓનું ઉગ્ર સંકોચન થવાથી તે સંપૂર્ણ રીતે બહાર ધકેલાય છે અને બચ્ચનો જન્મ નૈસર્ગિક રીતે થાય છે. ગાય/ભેંસમાં આ તબક્કો ૧ થી ૪ કલાકમાં પૂર્ણ થાય છે. ૩. બચ્ચાના જન્મ બાદ તૃજા તબક્કામાં ઓરનો નિકાલ થાય છે. ગાય/ભેંસમાં આ તબક્કો ૩ થી ૮ કલાક જેટલો રહે છે. આમ છતાં કેટલાક કિસ્સાઓમાં ૮ થી ૧૨ કલાક પણ જોવા મળે છે.
25 - પ્રસવ વિયાજણ એટલે શું ?
જવાબ: સગર્ભાવસ્થાના અંત સમયે માદા પ્રસવની ક્રિયા દ્વારા બચ્ચાને ગર્ભાશયમાંથી બહાર લાવે છે. આ વખતે બચ્ચું પણ બાહ્ય વાતાવરણમાં જીવી શકે તેટલું વિકસેલું હોય છે. બચ્ચાને જન્મ આપવાની આ ક્રિયાને પ્રસવ અથવા વિયાજણ કહેવાય છે.
26 - કઠીન પ્રસવ એટલે શું ?
પ્રસવની આ ક્રિયા એ સગર્ભાવસ્થાના અંતે કુદરતી છે. આ પ્રક્રિયામાં માદા પશુ બચ્ચાને ગર્ભાશયમાંથી બહાર કાઢે છે. જો બચ્ચું માતાના પ્રયાસો દ્વારા ન જન્મી શકે તો પરિસ્થિતિ કઠીન પ્રસવ કહેવાય.
27 - કઠીન પ્રસવ / વિયાણ માટે મુખ્યત્વે કયા કારણો જવાબદાર છે ?
મુખ્યત્વે કઠીન પ્રસવ / વિયાણ માટે બે કારણો જવાબદાર છે
૧. માતા સંબંધિત કઠીન પ્રસવના કારણો
૨. ગર્ભ સંબંધિત કઠીન પ્રસવના કારણો
પ્રથમ પ્રસવના કઠીન કિસ્સામાં કઠીન પ્રસવની પરિસ્થિતિ માતામાં રહેલ કોઈ દોષ જેવા કે શ્રોણીનો દોષયુક્ત આકાર, શ્રોણીના અસ્થીઓનો અસ્થિભંગ, એમાં રહેલ ફાઈબ્રોમા, મેલેનોમા અને કારસીનોમા જેવી ગાંઠો, ગર્ભાશય વિમોટન, માદા જનન અંગોની વિકૃતિઓ જેવી કે યોનીની સંકીર્ણતા, ગર્ભાશયગ્રીવાના વિસ્ફારણનો અભાવ, સ્નાયુઓના સંકોચનોનો અભાવ, ગર્ભાશયની આંટી, વગેરે..
ગર્ભ સંબંધિત કઠીન પ્રસવના કારણો, જેવા કે ગર્ભની પ્રસુતિ, આસળ અને સ્થિતિને લગતા કારણો ; ગર્ભનું માથું, ગરદન, પગની સ્થિતિના દોષો, રાક્ષસી ગર્ભ, જોડાયેલો ગર્ભ, વગેરે...
28 - વિયાણ બાદ ગાય/ભેંસને ફરી ક્યારે ફેળવવા ?
વિયાણ બાદ પ્રથમ બે મહિના(૬૦ દિવસ) ગાય/ભેંસ વેતરે આવે તો પણ ફેળવવી નહી બે મહિના પસી પ્રથમ કે બીજી વાર વેતરે આવે તત્યારબાદ ફેળવવાનું / બીજદાન કરાવવાનું રાખવું વિયાણ સમયે ગર્ભાશય મોટું થઇ ગયેલ હોઈ તેને મૂળ સ્થિતિમાં આવતાં સમય લાગે છે. આ ઉપરાંત ગર્ભાશયમાં કોઈપણ બગાડ કે સ્ત્રાવ થતો હોય તો ટે દુર થઇ જાય છે.
29 - સુવારોગ / દુધિયા તાવના લક્ષણો શું છે ?
આ રોગમાં તાવ રહેતો નથી પણ મોટે ભાગે તંદુરસ્ત પશુના તાપમાનથી રોગીષ્ટ પશુનું તાપમાન થોડુક ઓછુ થઇ જાય છે. પશુ ખાવા પીવાનું છોડી દે છે અને તેનું શરીર ખાસ કરીને કાન, પૂંછડી, બાવલાનો ભાગ અને પગ ઠંડા પડી જાય છે. પશુ લંગડાય છે, જમીન ઉપર બેસી જાય છે અને ગરદન ફેરવીને પાછલા પેટની બાજુએ કરી લે છે અથવા તો જમીન ઉપર સીધી ખેંચીને મૂકી દે છે. આ સમયે જો પશુની ગરદનને સીધી કરીએ તો છોડતાની સાથે જ પશુ એને પહેલાની જેમ કઈ લે છે. પશુ શ્વાસ લેવામાં તકલીફ થાય છે.
30 - ફેળવેલ પશુઓની ગર્ભાવસ્થાની તપાસ ક્યારે કરાવવી ?
ગાય ભેંસને ફેળવ્યા બાદ દોઢ – બે મહીને પશુ ડોક્ટર પાસે ગાભણછે કે ખાલી તેની તપાસ કરાવવી જોઈએ. ગાભણ પશુઓ વેતરે આવતાં નથી પણ ઘણી વખત કોઈ બીમારીના કારણે પશુ વેતરમાં આવતા નથી. આથી વેતારમાં ન આવતાં ગાય/ભેંસ ગાભણ છે તેમ માની લેવું નહી તેની તપાસ અવશ્ય કરાવવી.
31 - ગાભણ ગાય/ભેંસની માવજતમાં શું ધ્યાન રાખવું ?
1. ગાભણ પશુને અલગ વાડામાં રાખવું.
2. ભોયતળિયું લપસી પડાય તેવું સપાટ રાખવું નહી.
3. બીમાર કે તરવાઈ ગયેલ પશુને અન્ય પશુઓથી અલગ રાખવા.
4. ગાભણ પશુઓને ચરવા માટે લાંબા અંતરે મોકલવા નહી.
5. ૨૪ કલાક પુરતું સ્વચ્છ પાણી મળી રહે એવી ગોઠવણ કરાવી.
6. તાપ – ઠંડી વરસાદ થી રક્ષણ મળી રહે તેવી કોઢમાં રાખવા.
7. વિયાણના બે મહિના પહેલા વસુકાવવા.
8. ઘઉં/ડાંગરના પરાળની સારી પથારી પૂરી પાડવી.
32 - વિયાણ બાદ ગાય/ભેંસને ફરી ક્યારે ફેળવવા ?
વિયાણ બાદ પ્રથમ બે મહિના(૬૦ દિવસ) ગાય/ભેંસ વેતરે આવે તો પણ ફેળવવી નહી બે મહિના પસી પ્રથમ કે બીજી વાર વેતરે આવે તત્યારબાદ ફેળવવાનું / બીજદાન કરાવવાનું રાખવું વિયાણ સમયે ગર્ભાશય મોટું થઇ ગયેલ હોઈ તેને મૂળ સ્થિતિમાં આવતાં સમય લાગે છે. આ ઉપરાંત ગર્ભાશયમાં કોઈપણ બગાડ કે સ્ત્રાવ થતો હોય તો ટે દુર થઇ જાય છે.
33 - માટી ખસી જવી એટલે શું ?
ગર્ભાશયનો આમુક ભાગ અથવા આખું ગર્ભ્શય શરીરની બહાર આવી જતું હોય છે તેને માટી ખસી કહેવામાં આવે છે. ઘણી વખતે યોનીનો ભાગ પણ બહાર આવે છે, વિયાણ બાદ આવી તકલીફો વધારે જોવા મળે છે.
34 - વિયાણ બાદ મેલી ક્યારે પડાવવી જોઈએ ?
વિયાણ બાદ મેલી (ઓર) બચ્ચાંના જાનમ સમયે જ પડી જાય છે. પણ ઘણા કેસમાં ૮-૧૦ કલાકે મેલી પડતી હોય છે. જો આથી મોડું થાય તો તેને રોગ ગણી પશુ ડોક્ટર પાસે સારવાર કરાવવી જોઈએ.
35 - મેલી ન પડવાના કારણો શું છે ?
અસમતોલ આહાર, કસરત નો અભાવ(પશુ એક જ જગ્યાએ બાંધી રાખવામાં આવતા હોય તેવા કિસ્સામાં), ભોયતળિયું સમતલ ન હોય તેવા કિસ્સામાં મેલી ન પડવાના કેસ વધુ જોવા મળતા હોય છે.
36 - વિયાણ પછી પશુઓમાં કેવા રોગો જોવા મળે છે ?
વિયાણ પછી પશુઓમાં મેલી ન પડવી, માટી ખસવી, બાવલાનો સોજો, સુવારોગ (દુધિયો તાવ), કીટોસીસ, ગર્ભાશયનો બગાડ જેવા અનેક રોગો થવાની શક્યતાઓ રહેલી છે.,
37 - કેવા પશુઓની તપાસ પશુ ડોક્ટર પાસે કરાવવી ?
1. ફેળવેલ પશુઓને દોઢ બે મહિને ગર્ભાવસ્થાની તપાસ માટે.
2. વિયાણ બાદ ૬૦-૭૦ દિવસે પણ વેતરે ન આવતી ગાય-ભેંસોની તપાસ માટે.
3. બિલકુલ વેતરે ન આવતી હોય તેવી ગાય/ભેંસો કે પુખ્ત વાછરડી/પાડીઑની તપસ માટે.
4. અનિયમિત વેતર દર્શાવતા પશુઓની તપાસ માટે.
5. વારંવાર (ત્રણ-ચાર વખત ) ફેળવવા છતાં ગાભણ ન થતાં પશુઓની તપાસ માટે.
6. ગર્ભપાત થઈ ગયેલ પશુઓની તપાસ માટે.
7. વિયાણ બાદ મેલી પડતી ન હોય કે માટી ખસી ગઈ હોય તેવા પશુઓની તપાસ પશુ ડોક્ટર પાસે આવશ્ય કરાવવી જોઈએ.
38 - ભેંસો માટે આદર્શ પ્રજનનક્ષમતા કયારે ગણાય ?
ભેંસોમાં આદર્શ પ્રજનનક્ષમતા માટેના માપદંડ નીચે મુજબ છે.
1. પ્રથમ વખત ગરમીમો આવવાની ઉંમરે : ૨૪ મહિના
2. પ્રથમ વખત ફેળવવાની ઉંમરે : ૩૦-૩૨ મહિના
3. પ્રથમ વખત ફેળવતી વખતે જરૂરી વજન : ૨૫૦-૨૭૫ કિલો
4. પ્રથમ વિયાણની ઉંમર : ૪૦-૪૨ મહિના
5. પ્રથમ વિયાણ વખતે વજન : ૩૫૦-૩૬૦ કિલો
6. વિયાણ પછી ફરી ગાભણ થવા માટે લાગતો સમય : ૧૦૦-૧૨૦ દિવસ
7. બે વિયાણ વચ્ચેનો ગાળો : ૧૪ મહિના
8. ગાભણ થવા માટે જરૂરી બીજદાનની સંખ્યા : ૧.૭૫ થી ૨.૦૦
9. વાર્ષિક વિયાણ દર : ૮૦ ટકા
10. ગર્ભાવસ્થા ગાળો : ૩૧૦ દિવસ
39 - ગાભણ પશુઓની તપાસ ક્યારે કરાવવી ?
• સામાન્ય રીતે ગાય/ભેંસ ગાભણ ન થાય ત્યાં સુધી દર ૨૦ થી ૨૧ દિવસ નિયમિતપણે વેતરે/ગરમીમાં આવે છે. ગાભણ પશુ વેતર/ગરમીમાં આવતું નથી તે ગાભણ થવાની પ્રથમ નિશાની છે. વેતરે આવેલ ગાય/ભેંસોને કુદરતી કે કૃત્રિમ બીજદાનથી ફેળવ્યા બાદ ૪૫ થી ૬૦ દિવસ બાદ પશુચિકિત્સકશ્રી પાસે તપાસ કરાવવી જોઈએ.પશુને ગાભણ કરવા માટે વેતર/ગરમીમાં આવે છે તેવી સચોટ તપાસ રાખવી, પૂરતો સમતોલ આહાર આપવો, આરામદાયક રહેઠાણ આપવું તથા વેતરે આવ્યાના ૧૦-૧૨ કલાક બાદ ફેળવવું.
40 - વિયાણ વખતે શું કાળજી લેવી?
1. વિયાણ વખતે ગાય/ભેંસ ચૂકાવાનું શરૂ કરે તેના ૨ કલાકમાં મૂત્રાશય પર મોટો પરપોટો બહાર દેખાય જે ફૂટી ગયા બાદ નવજાત બચ્ચાની ખરીઓ દેખાય છે. જો પરપોટો ફૂટી ગયા બાદ લાંબા સમય સુધી ખરીઓ બહાર ન આવે તો બચ્ચુ આડુ હોવાની શક્યતા હોય તાત્કાલિક પશુ ચિકિત્સકનો સંપર્ક કરવો.
2. વિયાણ પછી પશુઓમાં મેલી પડવી નહીં, માટી ખસી જવી, બાવલાનો સોજો, સુવારોગ, કીટોસીસ, ગર્ભાશયનો બગાડ વગેરે જેવા રોગો થવાની શક્યતા હોય છે. તેથી આવા રોગો ન થાય તે માટે નજીકમાં આવેલ પશુ દવાખાનાના પશુ દાક્તરની સલાહ લેવી.
41 - વિયાણ બાદ દુધાળ પશુને કયારે ફેળવવું તથા સગર્ભ બનેલ પશુને કયારે દોહવાનું બંધ કરવું જોઈએ?
દૂધાળ પશુ વિયાણના ૧.પ થી ર માસ બાદ ગરમી / વેતરમાં આવતા થાય છે ત્યારથી ગરમીના લક્ષાણો માટે દૈનિક બે વખત પશુનું નિરીક્ષાણ કરી તેમજ ૩ - ૪ માસના આરામ બાદ સંવર્ધન કરવું. ગાભણ ઢોરને (અગ્રવતી સગર્ભ ગાયો - ભેસોને ) ૭-૮ માસનો ગર્ભ (વિયાણના ર-૩માસ પહેલા) વસુકાવો જેથી બચ્ચનો પૂર્ણ વિકાસ થાય અને પછીના વેતરમાં દૂધ ઉત્પાદન જળવાઈ રહે.
42 - ગાયો - ભેસોમાં નિયમિત અને વહેલું વિયાણ મેળવવા શું કરવું જોઈએ?
1. દુધાળુ પશુ વિયાણના ૧.પ થી ર માસ બાદ ગરમી / વેતરમાં આવતા થાય છે ત્યારથી ગરમીના લક્ષાણો માટે દૈનિક બે વખત પશુનું નિરિક્ષાણ કરો તેમજ સંવર્ધન કરાવો. વિયાણ અને ગરમી / વેતરની તારીખોની નોંધ રાખો
2. વિયાણના પ-૬ માસના સમય સુધીમાં તે સગર્ભ બને તથા ૧૪ - ૧૬ માસના અંતરે નિયમિત વિયાણ થતાં જીવનકાળ દરમ્યાન વધુમાં વધુ બચ્ચા અને દૂધ ઉત્પાદન મેળવી શકાય.
43 - ચેપી ગર્ભપાન (બ્રુસેલ્લોસીસ) રોગને થતો અટકાવવા માટેની કોઈ રસી મળે છે ?
હા. આ રોગ થતો અટકાવવા માટે ૪ થી ૯ મહિનાની વાછરડી કે પાડીઓને બ્રુસેલ્લોસીસ રોગ થતો અટકાવવા માટેની રસી મૂકાવી દેવી જોઈએ. આ રસી જીવનમાં એક જ વખત મૂકાવવી પડે છે.
44 - દૂધાળા પશુઓના વિયાણ બાદ ઠંડી પડી જવાની બિમારી શેને લીધે થાય છે ? તેનો ઉપાય?
આ બિમારી શરીરમાં કેલ્શિયમના અભાવથી થાય છે. ડોક્ટરને બોલાવી સારવાર કરાવવાથી તુરંત પરિણામ મળે છે.
45 - આઉનો સોજો (મસ્ટાઈટીસ) શું છે? અને આજ કાલ કઈ રીતે પશુપાલકો માટે આ એક મોટી સમસ્યા થયો છે?
આઉનો સોજો કે જેને આજકાલ પશુપાલકો પણ તેના અંગ્રેજી નામ મસ્ટાઈટીસથી ઓળખે છે અને જે આજકાલ ખૂબ વધુ પ્રમાણમાં થતો રહેલો છે. આઉનો સોજો ખરેખર તો આઉની અંદર રહેલી દૂધ ગ્રંથિઓ કે જેની અંદર દૂધનો સ્ત્રાવ થાય છે અને દૂધ બને છે તેનો સોજો છે. ગાય-ભેંસમાં આઉના ચાર ભાગ હોય છે એટ્લે કે ચાર આંચળ, આ ચારેય ભાગમાથી કોઈ પણ એક આચળ અથવાતો બે, ત્રણ કે ચારેય ભાગમાં સોજો આવી શકે.
આજ-કાલ પશુપાલકો માટે આ એક મોટી સમસ્યા એટલા માટે બન્યો છે કારણકે દૂધાળા પશુઓના પશુપાલનનો મુખ્ય ઉદેશ્ય વધુમાં વધુ દૂધ ઉત્પાદન કરી અને નફાકારક પશુપાલન દ્વારા આર્થિક સદ્ધરતા મેળવવાનો હોય છે પરંતુ જ્યારે મસ્ટાઈટીસ થાય છે ત્યારે દૂધ ગ્રંથિઓના સોજાને કારણે દૂધ ઉત્પાદન ઓછું થઈ જાય છે અથવાતો સંપૂર્ણ બંધ થાય છે.
દૂધ એક એવો પોષક આહાર છે કે જેમાં જીવાણુઓનો ચેપ લાગવાની ખૂબ વધુ પ્રમાણમાં શક્યતાઓ રહેલી છે, એટલા માટે દૂધ દોહયા પછી પણ જો ઉકાળવામાં અથવા તો ફ્રીજમાં ન રાખવામા આવે તો પણ થોડા સમયમાં બગડી જાય છે અને મસ્ટાઈટીસ મોટાભાગે ચેપ લાગવાથીજ થાય છે. અને જ્યારે મસ્ટાઈટીસ થાય છે ત્યારે પશુના ખોરાકનો ખર્ચ તો એ જ રહે છે અને વધુમાં દૂધ ઉત્પાદન ઘટવાથી અથવાતો બંધ થવાથી આર્થિક નુકશાન થાય અને આ ઉપરાંત મસ્ટાઈટીસની સારવાર પાછળ દવાઓનો ખર્ચ થાય તે અલગ આમ આ રોગ પશુપાલકોને આર્થિક રીતે ખૂબ નુકશાન પહોંચાડે છે.
46 - આઉનો સોજો કેવી રીતે થાય અને તેના લક્ષણો કયા છે?
મસ્ટાઈટીસ જીવાણુ, વિષાણુ અથવાતો ફૂગથી થઈ શકે પરંતુ મોટાભાગે જીવાણુથી થતો હોય છે. જીવાણુમાં ખાસ કરીને સ્ટેફાઈલોકોકસ, સ્ટ્રેપ્ટોકોકસ, કોરીનીબેકટેરિયમથી આ રોગ થાય છે.
આ સિવાય અન્ય કારણોને લીધે રોગ થવાની શકયતા વધી જાય છે જેમકે આંચળ પરની ઈજા ,રહેઠાણની ગંદકી, આંચળના સંકોચક સ્નાયુની શિથિલતા, લાંબા અને લટકતા આંચળ, અંગૂઠા વડે આંચળને દબાવીને દૂધ દોહવાની રીત, દુધ દોહનારના હાથની અસ્વચ્છતા, જમીન પર દૂધ દોહતા પહેલાં દૂધની ધાર નાંખવાથી તથા પશુની નબળી રોગપ્રતિકારક શકિત.
લક્ષણોમાં મુખ્યત્વે દૂધગ્રંથી ઉપર એકાએક સોજો આવે, દૂધમાં ધટાડો, દૂધમાં ફોદીઓ વધારે પ્રમાણમાં જણાય, દૂધને બદલે પાણી જેવું ચીકણું અથવા પરૂ નીકળે. કોઈવાર લોહી પણ હોય, સોજાને લીધે પશુને દર્દ થાય, દૂધ દોહવામાં તકલીફ પડે અને પશુ દોહવા માટે સરખુ ઉભુ રહે નહીં. ખોરાક ઓછો લે, શરીર ગરમ જણાય, આંચળ અને આઉ કઠણ થઈ જાય. કોઈવાર આંચળ અને આઉ ઠંડા જણાય.આઉની ત્વચાનો રંગ ભૂરો વાદળી હોય અને ત્વચામાં કાપા જોવામાં આવે અને દૂધને બદલે પ્રવાહી નીકળે (ગેન્ગ્રીન) વગેરે ચિન્હો જોવા મળે છે.
આ ઉપરાંત ઘણી વાર મસ્ટાઈટીસ તેના પ્રાથમિક તબક્કામાં હોય અને ચેપની શરૂઆત જ થતી હોય ત્યારે આઉ પર સોજો દેખાતો નથી પણ દૂધ ઓછું થઈ જાય અને પશુપાલક દૂધમાં પી.એચ. પેપર કે જેને તેઓ દૂધમાં બોળવાની પટ્ટી તરીકે ઓળખે છે તેપટ્ટીના ઉપયોગ બાદ તેનો રંગ બદલાય તો તેનાથી પણ મસ્ટાઈટીસ થયાની જાણ થઈ શકે. પરંતુ વપરાશમાં લેવાતી પટ્ટી નવી હોવી જોઈએ અને તેનો એક જ વાર ઉપયોગ કરવો તથા દરેક આંચળ માટે અલગ પટ્ટીનો ઉપયોગ કરવો.
47 - મસ્ટાઈટીસની નિદાન અને સારવાર કઈ રીતે કરી શકાય?
મસ્ટાઈટીસ થાય તો અગાવ જણાવેલ ચિન્હો પરથી પશુપાલકને પણ ખ્યાલ આવી જાય અને જેમ આપણે વાત કરી કે મોટાભાગે આ રોગ અનેક પ્રકારના જીવાણુઓ (બેક્ટેરિયા)ના ચેપથી થાય છે, તો ડોક્ટરની સલાહ મુજબ યોગ્ય એંટીબાયોટીક અને સોજો ઉતારવાની દવાઓથી સારવાર કરી શકાય પરંતુ કેટલીક વાર અમુક એંટીબાયોટીક અમુક પ્રકારના જીવાણુઓ પર અસર નથી કરતી અને જો આવી એંટીબાયોટીકથી સારવાર કરવામાં આવે તો તેનું યોગ્ય પરિણામ મળતું નથી આથી આવા કિસ્સાઓ માં દૂધનું પ્રયોગશાળામાં પરીક્ષણ (લેબોરેટરી ટેસ્ટિંગ) કરાવવું આવશ્યક બને છે. જેનાથી ક્યાં બેક્ટેરિયા છે અને તેની સારવાર કઈ એંટીબાયોટીકથી કરી શકાય તે જાની શકાય. આવા લેબોરેટરી પરીક્ષણ માટે ત્રણ દિવસ લાગતાં હોય છે તો પશુપાલકોએ પશુમાં મસ્ટાઈટીસની જાણ થાય કે તુરંત જ ડોક્ટરની સલાહ મુજબ સારવાર શરૂ કરવી જોઇએ તથા જરૂર જણાયે પ્રયોગશાળામાં દૂધનો નમૂનો મોકલવો અને તેનું પરિણામ આવે ત્યાં સુધી ડોક્ટરની સલાહ મુજબ સારવાર ચાલુ રાખવી.
જો સારવારમાં મોડુ થાય તો ઘણા કિસ્સાઓમાં એવું પણ થાય કે દુશગ્રંથિઓમાં વધુ પડતાં સોજાને કારણે આઉ કઠણ થાય અને કાયમી ધોરણે એ આંચળમાથી દુધ આવતું બંધ થઈ જાય. આ ઉપરાંત જેમ અગાવ ચર્ચા કરી તે મુજબ જો આંચળ ઠંડા જણાય અને આઉની ચામડી પર કાપા જણાય એટલેક કે ગેન્ગ્રીન થયેલું જણાય તો શસ્ત્રક્રિયા એટલેકે સર્જરિ પણ કરાવવી પડે અને આવું ના કરીયે તો ઝેર શરીરમાં ફેલાય જવાથી પશુનું મૃત્યુ પણ થઈ શકે.
48 - 4. મસ્ટાઈટીસના પ્રયોગશાળા નિદાન માટે દૂધના નમુનાઓ લેવા માટે શું કાળજી રાખવી જોઈએ?
આ એક ખૂબ અગત્યનો મુદ્દો છે કારણકે જો પ્રયોગશાળા નિદાન માટે દૂધના નમુનાઓ યોગ્ય રીતે લેવામાં ન આવે તો પરિણામ ખોટું આવે અને સારવાર પણ ખોટી થાય અને અંતે મસ્ટાઈટીસને મટાડી શકાતો નથી. પ્રયોગશાળા નિદાન માટે દૂધના નમુનાઓ યોગ્ય રીતે લેવા માટે કેટલાક મુદ્દાઓમાં ખૂબ ધ્યાન આપવું જરૂરી છે જેવાકે,
1. આઉને વ્યવસ્થિત સાબુથી ધોવું
2. સૂકા અને સ્વચ્છ કપડાથી સાફ કરવું
3. દૂધની શરૂઆતની બે-ત્રણ ધાર નમુનાના ઉપયોગ માં ન લેવી
4. ત્યારબાદ નું પાંચ એમએલ જેટલું દૂધ એક જીવાણુરહિત શીશી (સ્ટરીલાઈજ્ડ કન્ટેનર) માં લેવું, આવી જીવાણુરહિત શીશી મેડિકલ સ્ટોર પર પણ મળી શકે અથવાતો આપના ઘરે કોઈ કાચ ની નાની શીશી હોય તો શીશી અને તેના ઢાંકણ બંને ને સાબુથી વ્યવસ્થિત ધોઈ અને ગરમ પાણી માં ઉકાળવી અને ત્યારબાદ સૂકવી અને આગાવ જણાવ્યા મુજબ દૂધનો નમૂનો લેવો
5. નમૂનો લીધા બાદ શીશીને ખોલવી નહીં અને શીશીમાથી દૂધ લીક ન થવું જોઈએ તથા શીશીનું ઢાંકણ ઢીલું હોયતો તેને પેક કરવા માટે પ્લાસ્ટિક કે આની વસ્તુનો ક્યારેય ઉપયોગ કરવો નહીં પરંતુ બીજી શીશી નો ઉપયોગ કરવો
6. જેટલા આંચળમાં તકલીફ હોય તે દરેક આંચળનું દૂધ અલગ અલગ શીશીમાં એકત્રિત કરવું
7. શીશીના અંદરના ભાગમાં કોઈ કચરો આવવો ન જોઈએ તથા શીશીના અંદરના ભાગમાં આંગળી કે અન્ય કોઈ વસ્તુ નો સ્પર્શ થવો જોઈએ નહીં
8. દૂધના નમુનાઓ બને તેટલા જડપથી લબોરેટરીમાં મોકલવા અને જો લેબોરેટરી દૂર હોય તો નમુનાઓને બરફમાં રાખી ને લઈ જવા
9. દૂધના આવા નમૂનાઓના પરીક્ષણ દરેક જીલ્લામાં આવેલી પશુપાલન ખાતાની પ્રયોગશાળામાં અને પશુચિકિત્સા મહાવિધ્યાલયમાં પણ કરાવી શકાય. જેની માહિતી આપના વિસ્તારના પશુ ચિકિત્સક પાસેથી મળી રહે
49 - આઉનો સોજો રોગને કેવી રીતે આટકાવી શકાય?
આ રોગ થતાં પહેલા રોગ ઉપર અંકુશ રાખવો ખૂબ જ જરૂરી છે અને તે માટે નીચેના સૂચનોનો અમલ કરવો જરૂર છે.
1. આઉ ને આંચળને કોઈ રીતે જખમ ઈજા ન થાય તેની કાળજી લેવી.
2. પશુઓને બાંધવાનીજગ્યા સાફ રાખવી.
3. આંચળને દોહતા પહેલા તેના પર ચોટેલ છાણ, માટી ધોઈ નાંખવા
4. આંચળ અને આઉને મંદ જંતુનાશક રસાયણવાળા પાણીથી સાફ કરી સ્વચ્ચ્છ કપડાં વડે કોરા કરી દૂધ દોહવું
5. દરેક વખતે જંતુનાશક રસાયણવાળા પાણીથી હાથ સાફ કરી કોરા કરવા જરૂરી છે. આ સાફસૂફી માટે પોટેશ્યિમ પરમેગેનેટ દવાનું આછું ગુલાબી પાણી, સેવલોન (૧ ભાગ સેવલોન પ૦૦ ભાગ પાણી) વાપરવા.
6. ખરાબ દૂધ ભોયતળિયા પર ન નાખતા તેનો યોગ્ય નિકાલ કરવો.
7. રોગવાળા જાનવરને છેલ્લે દોહવું અને દૂધને વપરાશમાં લેવું નહિ.
8. નિયમિત રીતે દરેક પશુના દૂધની તપાસ અને પરીક્ષણ કરતંા રહેવું હિતાવહ છે
9. દૂધ દોહવામાં નિપુણતા કેળવવી જરૂરી છે.
10. દૂધ દોહયા બાદ આંચળને મંદ જંતુનાશક દવાવાળા પાણીમાં ડુબાડવા.
11. જયાં મશીનથી જાનવરો દોહવામાં અવો છે ત્યાં દૂધ દોહવાના મશીનનો યોગ્ય રીતે ઉપયોગ કરવો અને મશીનને વ્યવસ્થિત સાફ કરવું
12. આંચળમાં વસુકાતા પહેલા દવા ચઢાવવી જેથી કરીને વસુકાયેલા કાળ દરમ્યાન ચેપ લાગતો નથી. આમ, આ રોગમંા થોડી વિશેષ કાળજી લેવાથી રોગને અટકાવી શકાય છે. અને દૂધ ઉત્પાદનની ખોટ નિવારી શકાય છે અને પશુપાલકોને થતું આર્થિક નુકશાન ધટાડી શકાય છે.