ટમેટાની ખેતી

હવામાન સામાન્‍ય રીતે ૧૮૦ થી ર૫૦ સે. તા૫માન વધુ માફક આવે છે. આ પાકને ફૂલ અને ફળ આવવાના સમયે ઠંડુ અને સૂકું હવામાન અનુકૂળ રહે છે.
જમીન મઘ્‍યમ કાળી અથવા ભાઠાવાળી જમીન કે જેની નિતાર શકિત સારી હોય તેમજ સેન્દ્રીય તત્‍વ પૂરતા પ્રમાણમાં હોય તેવી ફળદ્રુપ જમીન વધુ માફક આવે છે.
જાતો નિયંત્રિત વૃધ્ધિવાળી જાતો (ડીટરમીનેટ ગ્રુપ):જૂનાગઢ ટમેટા-૩, ગુજરાત ટમેટા-ર, ગુજરાત આણંદ ટમેટા -૩, ગુજરાત આણંદ ટમેટા -૪, ગુજરાત ટમેટા-૬ અને ગુજરાત ટમેટા-૭
અનિયંત્રિત વૃઘ્‍ધિવાળી જાતો (ઇન ડીટરમીનેટ ગ્રુપ) :પુસા ગૌરવ, પુસા રૂબી, અરકા વિકાસ, અરકા આહુતિ, ગુજરાત ટમેટા-૧
હાઈબ્રીડ જાતો:એમ ટી એચ - ૬, એન એ - પ૦૧, એન એ - ૬૦૧, ભાગ્‍યા , ડી વી આર ટી-ર અને બી એસ એસ - ૪૮૮
ધરૂ ઉછેર : એક હેકટરના વાવેતર માટે ૧પ૦ ચો.મી.ના ધરૂવાડીયાની જરૂરીયાત રહે છે. આ માટે ધરૂવાડીયામાં ૧ ટન છાણીયુ ખાતર, પ કિલો દિવેલીનો ખોળ, પ કિલો ડીએપી તથા રપ૦ ગ્રામ ફોરેટ ૧૦ જી. દવા ધરૂવાડીયુ તૈયાર કરતી વખતે જમીનમાં ભેળવવું. ત્‍યારબાદ ૪ × ૧ મીટરના કયારા બનાવવા. હાઈબ્રીડ ટમેટા માટે હેકટરે ૧પ૦ થી ર૦૦ ગ્રામ તેમજ અન્‍ય જાતો માટે હેકટરે ૩૦૦ થી ૩પ૦ ગ્રામ બીજની જરૂરીયાત રહે છે. બીજ વાવેતર બાદ હળવું પિયત આપવું. ધરૂ ઉછેર દરમ્‍યાન પાક સંરક્ષણના પુરતા પગલાં લેવા. ધરૂ જયારે ૩૦ થી ૩પ દિવસના ૧પ થી રપ સે.મી. ઉંચાઈના થાય ત્‍યારે ફેરરોપણી કરવી.
વાવેતર સમય તથા ફેરરોપણી : ધરૂવાડીયામાં ધરૂનું વાવેતર ચોમાસુ પાક માટે જુન માસ, શિયાળુ પાક માટે ઓગસ્‍ટ-સપ્‍ટેમ્‍બર માસ માં વાવેતર કરવું. ઉનાળુ ઋતુમાં આ પાકનુ વાવેતર ન કરવું. ટમેટાના ધરૂ જયારે ૩૦ થી ૩પ દિવસના થાય ત્‍યારે ફેરરોપણી કરવી. ચોમાસુ પાક માટે જુલાઈમાં તથા શિયાળુ પાક માટે સપ્‍ટેમ્‍બર-ઓકટોબર માસમાં ફેરરોપણી કરવી.
વાવેતર અંતર : ડીટરમીનેટ (નિયંત્રિત વૃઘ્‍ધિવાળી) જાતો માટે ૭પ × ૬૦ અથવા તો ૭પ × ૪પ સે.મી. ના અંતરે ફેરરોપણી કરવી. જયારે ઈન ડીટરમીનેટ જોતો (અનિયંત્રિત વૃઘ્‍ધિવાળી) જાતો માટે ૯૦ × ૬૦ સે.મી. નાં અંતરે ફેરરોપણી કરવી.
ખાતર જમીન તૈયાર કરતી વખતે હેકટરે ર૦ ટન છાણીયું ખાતર આપવું. સુધારેલ જાતો માટે ૭પ : ૩૭.પ : ૬ર.પ ના.ફો.પો. તથા હાઈબ્રીડ જાતો માટે ૧ર૦ : ૬૦ : ૮૦ ના. ફો. પો. પ્રતિ હેકટરે આપવું. આમાથી બધો ફોસ્‍ફરસ તથા પોટાશ ફેરરોપણી સમયે પાયાના ખાતર તરીકે આપવો. નાઈટ્રોજન ખાતર બે સરખા હપ્‍તામાં વાવણી બાદ ૩૦ તથા પ૦ દિવસે આપવું. આ ઉપરાંત બોરીક એસીડ, ઝીંક સલ્‍ફેટ, કોપર સલ્‍ફેટ, ફેરસ સલ્‍ફેટ, મેન્‍ગેનીઝ સલ્‍ફેટ દરેકનું ૧૦૦ પી.પી.એમ. અને એમોનીયમ મોલીબ્‍લેડમ પ૦ પી.પી.એમ. નું માઈક્રો ન્‍યુટ્રીયન્‍ટ મીકચરનો ફેરરોપણી બાદ ૪૦, પ૦ અને ૬૦ દિવસે ભલામણ કરેલ રાસાયણીક ખાતર ઉપરાંત આપવાથી વધારે ઉત્પાદન મેળવી શકાય છે.
આંતરખેડ તથા નિંદામણ: પાકની શરૂઆતની અવસ્‍થાએ ૩ થી ૪ વખત આંતરખેડ કરવી તેમજ જરૂરીયાત મુજબ ૩ થી ૪ વખત નિંદામણ કરવું.
પિયત: પાકની ફેરરોપણી બાદ પ્રથમ પિયત ફેરરોપણીનાં દિવસે જ આપવું. ત્‍યારબાદ બીજુ પિયત ફેરરોપણી બાદ ચોથા દિવસે આપવું. ત્‍યારપછી જમીનની પ્રત મુજબ શિયાળામાં ૮ થી ૧૦ દિવસે અને ઉનાળામાં ૬ થી ૭ દિવસે પાણી આપવું.
વીણી તથા ઉત્પાદનઃ ટમેટાનાં પાકમાં પ્રથમ વીણી ૭૦ થી ૭પ દિવસે આવે છે. જયારે ટમેટાનો રંગ લીલામાથી રતાશ પડતો થાય ત્‍યારે વીણી કરવી. નિયંત્રિત વૃઘ્‍ધિના ગ્રુપમાં ૧૦ થી ૧ર વીણી આવે છે. જયારે અનિયંત્રિત વૃઘ્‍ધિના ગ્રુપમાં ૧પ થી ર૦ વીણી આવે છે. ટમેટાનું સરેરાશ ઉત્પાદન રપ થી ૩૦ હજાર કિલો પ્રતિ હેકટરે મળે.