દિવેલા ઓગષ્ટ મહિનામાં તથા પહોળા અંતરે વવાતો પાક હોવાથી તેમાં ટુંકાગાળાના ચોમાસુ પાકો લઈ વધારે આવક મેળવી શકાય છે. મગ, સૂર્યમુખી, સોયાબીન, અડદ, તલ, મગફળી તથા બીટી કપાસ સાથે દિવેલાનો આંતરપાક અથવા રીલે પાક ખૂબ જ સરળતાથી લઈ શકાય છે.
ચોમાસામાં વવાતા પાકોને ભલામણ કરેલા સમયે પ થી ૬ ફુટના અંતરે એક લાઈન દિવેલાની વાવણી માટે બાકી રાખીને વાવણી કરવામાં આવે છે. ત્યાર બાદ ઓગષ્ટ માસના બીજા પખવાડિયા દરમ્યાન ખાલી રાખેલ લાઈનમાં દિવેલાની વાવણી બે છોડ વચ્ચે ૬૦ થી ૭પ સે.મી. અંતર રાખીને કરવામાં આવે છે. ચોમાસાના પાકની કાપણી પછી દિવેલાના પાકનો વિકાસ સારો થાય છે અને દિવેલાનું પુરેપુરું ઉત્પાદન મળે છે. આ પઘ્ધતિમાં ચોમાસુ પાકોનું ઉત્પાદન વધારાનું મળે છે. ઉત્તર સૌરાષ્ટ્ર વિસ્તારમાં દિવેલા + મગફળી (૧:૩) ના પ્રમાણમાં વાવણી કરી મગફળીને તેની ભલામણના પ૦% તથા દિવેલાને ૧૦૦% મુજબ ખાતર આપવું.