વાવણી લાયક વરસાદ થયેથી જુનના બીજા અઠવાડીયાથી જૂલાઈના બીજા અઠવાડીયા સુધીમાં સામાન્ય રીતે વાવેતર કરી શકાય. જયાં પિયતની સગવડ હોય ત્યાં મેના છેલ્લા થી જુનના પ્રથમ અઠવાડીયામાં આગોતરુ વાવેતર કરી શકાય છે. તેમ છતાં તેનાથી વહેલુ વાવેતર કરવાથી પાકમાં રોગ જીવાત વધે છે, જેથી ઉત્પાદન ઓછું મળે છે.
કપાસના વાવેતરમાં જયાં પિયતની સગવડ હોય ત્યાં બે ચાસ વચ્ચે ૧ર૦ સે.મી. અને ચાસમાં બે છોડ વચ્ચે ૪૫ સે.મી. જેટલું અંતર રાખવું. જયારે બિનપિયત વિસ્તારમાં બે ચાસ વચ્ચે ૯૦ સે.મી. અને ચાસમાં બે છોડ વચ્ચે ૩૦ સે.મી.નું અંતર યોગ્ય માલુમ ૫ડયું છે. વાવેતર અંતર જમીનનો પ્રકાર, કપાસની જાત, પિયત, બીન પિયત કે આંશિક પિયત વગેરે ૫રિસ્થિતી ૫ર આધાર રાખે છે. તે મુજબ થોડો ઘણો ફેરફાર કરી શકાય છે. બાકી ભલામણ મુજબ વાવેતર કરવું હિતાવહ છે.
બીટી કપાસનો બીજ દર ર.૫ થી ૩.૦ કિગ્રા /હે રાખી જમીનમાંના ભેજને ઘ્યાનમાં રાખી ૪-૬ સે.મી.ની ઉંડાઈએ વાવણી કરવી હિતાવહ છે. જયારે દેશી જાતો ઓરીને વાવેતર કરવામાં આવે છે, ત્યારે બિયારણનો દર ૧૫ થી ર૦ કિલો ગ્રામ પ્રતિ હેકટરે રાખવો જોઈએ. બીટી કપાસનું બીજ મોંઘુ હોય ચાસમાં ઢોળાવમાં એક જ બીજ નાખવું.