તુવેરમાં ભલામણો

(૧) તુવેરના બીજને રાયઝોબિયમ કલ્ચરની માવજત અને રાસાયણિક ખાતર :
દક્ષિણ સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિસ્તારના મગફળીમાં તુવેરને રીલે પાક તરીકે વાવતા ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે વધુ ઉત્પાદન અને ચોખ્ખો નફો મેળવવા માટે તુવેરના બીજને વાવણી પહેલા રાઈઝોબિયમ કલ્ચરની માવજત (રપ ગ્રામ/કિલો બીજ) અને ભલામણ કરેલ રાસાયણિક ખાતરનો ૭પ ટકા જથ્થો (ર૦-૩૭.પ કિ.ગ્રા ના.ફો./હે.) આપવો. આ જથ્થામાંનો નાઈટ્રોજન બે સરખા હપ્તામાં એટલે કે પહેલો હપ્તો વાવણી સમયે અને બીજો હપ્તો પાળા ચઢાવતી વખતે એટલે કે પ્રથમ પિયત સમયે આપવો. 

(૨) તુવેરના પાકમાં આંતર પાક પધ્ધતિ :
 દક્ષિણ સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિસ્તારમાં તુવેર અને અડદ (ખાતર વિના) પાકનું આંતર પાક પધ્ધતિથી વાવેતર કરતા ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે, તુવેર પાકનું ૧ર૦ સે.મી. X ૩૦ સે.મી. અંતરે વાવેતર કરી તુવેરની બે હાર વચ્ચે અડદની બે હાર લેવાથી વધુ ઉત્પાદન અને ચોખ્ખો નફો મેળવી શકાય છે.
 
(૩) તુવેરની શીંગો કોરીખાનારી ઈયળો માટે કિટકનાશક દવાઓની અસરકારકતાની તપાસ:
દક્ષિણ સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિસ્તારમાં તુવેરનો પાક ઉગાડતા ખેડૂતોને શિંગો કોરી ખાનારી ઈયળોનાં અસરકારક અને અર્થક્ષમ નિયંત્રણ માટે સ્પીનોસાડ ૪પ એસ.એલ ૦.૦૦૯% (ર  મિ.લિ./૧૦ લિટર પાણી; ૪પ ગ્રામ સ.ત./હે.) અથવા થાયોડીકાર્બ ૭પ ડબલ્યુપી ૦.૦૭પ % (૧૦ ગ્રામ/૧૦ લિટર પાણી; ૩૭પ ગ્રામ સ.ત./હે.) અથવા ફલુબેન્ડીયામાઈડ ૪૮ એસસી ૦.૦૦૯૬% (ર  મિ.લિ./૧૦ લિટર પાણી; ૪૮ ગ્રામ સ.ત./હે.) અથવા કલોરાન્ટ્રાનીલીપ્રોલ ર૦ એસસી ૦.૦૦૬% (૩ મિ.લિ./૧૦ લિટર પાણી; રર૦ ગ્રામ સ.ત./હે.)નાં બે છંટકાવ કરવાની ભલામણ છે. પ્રથમ છંટકાવ પ૦% ફૂલ અવસ્થાએ અને બીજો છંટકાવ ૧પ દિવસ બાદ કરવો. આ કીટનાશક દવાઓના છેલ્લા છંટકાવ અને કાપણી વચ્ચેનો સમય ગાળો ૩૦ દિવસનો જાળવવો.

(૪) મગફળી - તુવેર રીલે પાક પધ્ધતિ પર વિવિધ, અસેન્દ્રિય અને જૈવિક ખાતરોની અસર:
દક્ષિણ સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિસ્તારમાં મગફળી + તુવેર (ર:૧) રીલે પાક પધ્ધતિ અપનાવતા ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે વધુ ચોખ્ખો નફો મેળવવા માટે મગફળી અને તુવેર બંને પાકોમાં ભલામણ કરેલ રાસાયણિક ખાતરનો જથ્થો આપવો અથવા તો ફકત મગફળીને ભલામણ કરેલ રાસાયણિક ખાતરનો પ૦ ટકા જથ્થો + પ ટન/હે. છાણિયુ ખાતર અને મગફળીના બીજને વાવણી સમયે રાઈઝોબિયમ અને ફોસ્ફેટ સોલ્યુબીલાઝીંગ બેકટેરીયલ કલ્ચરની (દરેક રપ-૩૦ ગ્રામ/કિ.ગ્રા બીજ પ્રમાણે) માવજત આપવી.