પાક સંરક્ષણ

(અ) રોગો અને તેનું નિયંત્રણ :  

(૧) તુવેરનો સુકારો :

જમીનમાં રહેલી ફુગથી અને રોગિષ્ટ બીજના ચેપથી આ રોગ ફેલાય  છે. છોડના પાન પીળા પડી સુકાય જાય છે. છોડને ઉભો ચીરતાં તેમાં ઉભી કથ્થાઈ રંગની લીટીઓ જોવા મળે છે. રોગ આવતો અટકાવવા માટે રોગ પ્રતિકારક જાતો જેવી કે જી.જે.પી.-૧ અને જીટી-૧૧૧ નું વાવેતર કરવું. બિયારણને વાવતા પહેલાં ફુગનાશક દવાનો પટ આપવો.

(ર) વંધ્યત્વનો રોગ (સ્ટરીલીટી મોઝેક) :       

આ રોગ પાન કથીરી નામની જીવાતથી ફેલાય છે. આ રોગ વિષાણુથી થાય છે. રોગ લાગેલા છોડ પર પાંદડા આછા લીલા (પોપટી) રંગના થાય છે. છોડ પર ફુલો બેસતા નથી અને માત્ર વાનસ્પતિક વૃધ્ધિ થાય છે. ધણી વખત છોડની અમુક ડાળીમાં જ આ રોગ આવે છે. રોગિષ્ટ છોડને ઉપાડીને નાશ કરવો.

આ રોગના રસાયણિક નિયંત્રણ માટે શોષક પ્રકારની દવા પ્રોપરગાઈટ ૫૭% ઈ.સી. ૧૦ મિ.લી. અથવા ફેનાજાકવીન ૧૦% ઈ.સી. ૧૦ મિ.લિ. અથવા ફેનપાયરોક્સીમેટ ૫% ઈ.સી. ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

બ) જીવાત અને તેનું નિયંત્રણ  :

શીંગ કોરી ખાનાર ઈયળ (લીલી ઈયળ) : 

 આ ઈયળનો ઉપદ્રવ તુવેરમાં વધુ જોવા મળે છે. લીલી ઈયળ અતિશય ખાઉધરી અને બહુભોજી હોય બધા જ કઠોળ પાકમાં નુકશાન કરે છે. શીંગમાં કાણું પાડી શરીરનો અડધો ભાગ શીંગમાં દાખલ કરી ખોરાક લેતી હોય છે. આ જીવાત ઝુમખીયા પ્રકારની તુવેરની જાતોમાં ટુંકા સમયમાં ખુબજ નુકશાન કરે છે.

આ જીવાતનાં અસરકારક અને અર્થક્ષમ નિયંત્રણ માટે સ્પીનોસાડ (ર મિ.લિ./૧૦ લિટર પાણી) અથવા થાયોડીકાર્બ (૧૦ ગ્રામ/૧૦ લિટર પાણી) અથવા ફલુબેન્ડીયામાઈડ (ર મિ.લિ./૧૦ લિટર પાણી) દવાનો પ્રથમ છંટકાવ ફુલ અવસ્થાએ અને બીજો છંટકાવ ૧પ દિવસ બાદ કરવો. આ ઉપરાંત ફેરોમેન ટ્રેપ (૧૦ ટ્રેપ પ્રતિ હેકટરે) મુકવા. પક્ષીને બેસવાના સ્ટેન્ડ મુકવા.