ચણામા પાક સંરક્ષણ

(અ) રોગો અને તેનું નિયંત્રણ :

(૧) ચણાનો સૂકારો (વીલ્ટ) : જમીનમાં રહેલી ફૂગથી અને રોગિષ્ટ બીજના ચેપથી આ રોગ ફેલાય છે. પાકની શરૂઆતમાં કે પાછલી અવસ્થાએ છોડ ઉભા સુકાય છે. થડ ચીરતાં ઉભી કથ્થાઈ રંગની લીટીઓ જોવા મળે છે. 

રોગ આવતો અટકાવવા માટે રોગ પ્રતિકારક જાતો જેવી કે ગુજરાત ચણા-પ, ગુજરાત જૂનાગઢ ચણા-૬, ગુજરાત ચણા-૭ અને ગુજરાત ચણા-૮ નું બિયારણ વાવવું. વાવતા પહેલા ફુગનાશક દવાનો પટ આપવો. દર વખતે એક જ જગ્યાએ ચણા ન વાવવા. જૈવિક નિયંત્રણ માટે ટ્રાઇકોડર્મા હારજીયાનમ ૨.૫ કિ.ગ્રા. ૨૫૦ કિ.ગ્રા. એરંડીનો ખોળ અથવા છાણીયા ખાતરમાં ભેળવી વાવેતર વખતે ચાસમાં આપવાથી રોગ આવતો અટકે છે.

(ર) ચણાનો સ્ટન્ટ રોગ :   ગુજરાતમાં આ રોગનું પ્રમાણ વધતું જાય છે. ઠંડી ઓછી પડે તો આ રોગ જોર પકડે છે. પાન ભૂખરા ત્રાંબાવર્ણના અને જાડા થાય છે. ડાળીઓ અને છોડ ટૂંકા થઈ જાય છે. ફાલ બેસતો નથી કે ઓછો બેસે છે. પાન અને થડ બરડ થઈને જાડા થઇ જાય છે. છોડ નબળો પડવાથી સૂકારાનો ભોગ બની જાય છે.

સ્ટન્ટ વાયરસથી થતો અને મશીથી ફેલાતો રોગ છે. મશીના નિયંત્રણ માટે શોષક પ્રકારની દવા ઈમીડાક્લોપ્રીડ ૧૦ મિ.લિ. અથવા ડાયમિથિયોએટ ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છાંટવાથી સ્ટન્ટ રોગ ફેલાતો અટકે છે.

(બ) જીવાત અને તેનું નિયંત્રણ :

ચણાની હેલિયોથીસ (લીલી ઈયળ) નું સંકલીત નિંયત્રણ :   ચણામાં મુખ્યત્વે લીલી ઈયળનો ઉપદ્રવ જોવા મળે છે. જે પાન, કૂણી કૂપણો અને પોપટા કોરી ખાય છે. જેના અસરકારક અને અર્થક્ષમ નિયંત્રણ માટે પ્રોફેનોફોસ ર૦ મિ.લિ. અથવા કલોરાન્ટ્રાનીલીપ્રોલ ૧.પ મિ.લિ. અથવા ઈમામેકટીન બેન્ઝોએટ ર ગ્રામ દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. પ્રથમ છંટકાવ પાકની પ૦ ટકા ફુલ અવસ્થાએ અને બીજો છંટકાવ પ્રથમ છંટકાવના ૧પ દિવસ બાદ કરવો.

        આ ઉપરાંત હેકટરે ૬ ફેરોમોન ટ્રેપ મુકવાથી પણ આ જીવાતનું અસરકારક નિયંત્રણ થાય છે. તેમજ વારા ફરતી લીંબોળીના મીજના પાવડરનો પ ટકા અર્ક, બેસીલસ થુરેન્જીનેસીસ (બી.ટી.) ૧ કિ.ગ્રા./હે. અથવા હેકટરે એન.પી.વી. રપ૦ રોગિષ્ટ ઈયળોના દ્વાવણનો છંટકાવ કરવાથી પણ આ જીવાતનું અસરકારક નિયંત્રણ થાય છે.