જમીન :
સારી ભેજ સંગ્રહ શકિત ધરાવતી, કાળી અથવા મધ્યમ કાળી કાંપવાળી જમીનમાં ચણા ખૂબજ સારા થાય છે. આમ છતાં ગોરાડુ અને રેતાળ જમીનમાં પણ આ પાક વાવી શકાય છે. જયાં ખારા ભૂગર્ભજળનું સ્તર બહુ ઊંચું ન હોય અને જમીન ખારી ન હોય ત્યાં ચણા સારા થાય છે.
આબોહવા :
ચણા એ ઠંડી અને સૂકી પરિસ્થિતીમાં થતો પાક છે, જે પાણીની ખેંચ અને ઓછી માવજત સામે પણ ટકી શકે છે. દિવસની લંબાઈ અને ઉષ્ણતામાનની સ્થિતી પરથી આ પાકની અવધિ નકકી થાય છે. જેની ઉત્પાદન પર પ્રબળ અસર પડે છે. ગુજરાત જેવા પ્રદેશો કે જયાં ઠંડીનું પ્રમાણ અને ઠંડીના દિવસો ઓછા છે, ત્યાં સાડા ત્રણ થી ચાર મહિનામાં પાકી જતો આ પાક ઉતરપ્રદેશ, પંજાબ અને હરિયાણા જેવાં રાજયોમાં વધારે સમય લે છે. પાક ઉત્પાદનનો આધાર પાકવાના દિવસો પર અવલંબે છે. સુકી અને ઠંડી આબોહવામાં થતા ચણા હિમ સહન કરી શકતા નથી. વાવણી વખતે ર૫૦ થી ૩૦૦ સેન્ટીગ્રેડ ઉષ્ણતામાન અનુકુળ છે. જો માવઠું કે વાદળવાળું હવામાન હોય તો નુકશાન થાય છે. મોસમ દરમ્યાન પુરતી ઠંડી ન પડે કે ગરમી વધી જાય તો ઉત્પાદન પર અવળી અસર પડે છે.