મગમાં કાપણી અને સંગ્રહ

મગની શીંગો પાકીને તૈયાર થાય કે તરતજ પાકની કાપણી કરી લેવી. ત્યારબાદ શીંગોને ખળામાં સુકવવી. શીંગો બરાબર સુકાયજાય ત્યારે ટ્રેકટર કે બળદથી મસળી અથવા થ્રેશરથી દાણા છુટા પાડવા.

જો મગનો સંગ્રહ લાંબા સમય માટે કરવાનો હોય તો નીચે દર્શાવ્યા પ્રમાણેની પધ્ધતિ અપનાવી.

  1. મગનો સંગ્રહ જે જગ્યાએ કરવાનો હોય ત્યાં દિવાલ, છત અને ભોયતળીયાની સફાઈ બરાબર કરવી.
  2. મગનો હેરફેર માટે ઉપયોગમાં લેવાનાર બળદગાડુ, ટ્રેકટરની ટ્રોલીમાં ભરાઈ રહેલ કઠોળને સાફ કરવું.
  3. મગ ભરવાના પીપ, કોઠીઓ કે કોથળાની પણ બરાબર સાફ સફાઈ કરવી.
  4. મગને બે-ત્રણ દિવસ તાપમાં તપાવ્યા બાદ તેનો ભેજ ૧૦ ટકા કરતા ઓછો થાય ત્યારબાદ સંગ્રહ કરવો.
  5. મગના દાણા છુટા પાડયા બાદ તેમાં રહેલ કચરો વગેરે દૂર કરી દાણાને સાફ કરી ગ્રેડીંગ કરી જંતુરહીત કોથળા અથવા કોઠીઓમાં ભરવા.
  6. ભોંટવાના ઉપદ્રવથી કાબૂ મેળવવા મગનો સંગ્રહ પીપમાં કર્યા બાદ તેના ઉપર ચાળેલ બારીક રેતીનો ૩ ઈંચનો થર કરવો.
  7. જાળવણી માટે મગ ભરેલ કોઠીમાં એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ નામની ટીકડીનો ઉપયોગ કરવાથી તે હવામાના ભેજના સંપર્કમાં આવતા ઝેરીવાયુ (ફોસ્ફીન) છુટો પાડે છે અને તે કીટકોની જુદી જુદી અવસ્થાનો નાશ કરે છે. એલ્યુમિનિયમ ફોસ્ફાઈડનું એક પાઉચ ૧૦૦ કિલો દાણા પ્રમાણે વાપરવું.
  8. આ ઉપરાંત મગ ભરેલ કોઠીમાં ઈ.ડી.બી. (ઈથીલીન ડાય બ્રોમાઈડ) નામની ટયૂબ (એમ્પ્યુલ) નો ઉપયોગ કરવામાં આવે છે. આ ટયૂબને વચ્ચેના ભાગમાંથી તોડીને કોઠીમાં નાખી ઢાકણું બંધ કરવુ. ૧ કવીન્ટલ દાણા માટે ૩ મિલિની એક થી બે ટયુબનો ઉપયોગ કરવો.