(અ) રોગો અને તેનું નિયંત્રણ :
(૧) પીળો પંચરંગીયો :
આ રોગની શરૂઆતમાં નવા પાન પર પીળા રંગના ટપકાં જોવા મળે છે. ત્યારબાદ જેમ જેમ નવા પાન આવે તેમ તેના ઉપર લીલા-પીળા રંગના ધાબા બનતા જાય છે.
આ રોગ સફેદ માખીથી ફેલાય છે. આ રોગના નિયંત્રણ માટે મગની રોગપ્રતિકારક જાતો જેવી કે ગુજરાત મગ-૧૦, ગુજરાત મગ-૭ અને ગુજરાત મગ-૬ નું વાવેતર કરવું.
આ રોગના રસાયણિક નિયંત્રણ માટે શોષક પ્રકારની દવા ઈમીડાકલોપ્રીડ ૧૭.૮ એસ.એલ. ૩ મિ.લિ. અથવા ડાયમીથોએટ ૩૦ ઈ.સી. ૧૦ મિ.લિ. અથવા મિથાઈલ-ઓ-ડીમેટોન રપ ઈ.સી. ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો. આ ઉપરાંત લીંબોળીના મીંજના ૩ ટકાના દ્રાવણનો છંટકાવ કરવાથી રોગ આવતો અટકે છે.

(ર) ભુકીછારો : આ રોગ પાકની ગમે તે અવસ્થાએ આવી શકે છે. પરંતુ ફુલ બેસવાની અવસ્થાએ આ રોગની તીવ્રતા વધુ હોય છે. આ રોગમાં પાન ઉપર સફેદ પાઉડર જેવા ધાબા જોવા મળે છે. ત્યાર બાદ રોગ આગળ વધી પાંદડાની દાંડલી, શીંગો અને થડ ઉપર ફેલાય છે. અતિ તીવ્ર પ્રમાણમાં આવે તો આખો છોડ સુકાય જાય છે.
રોગની શરૂઆત થાય કે તરત જ સલ્ફર વેટેબલ પાવડર ૧૦ લિટર પાણીમાં ૩૦ ગ્રામ પ્રમાણે અથવા કાર્બેન્ડાઝીમ ૦.૦રપ% ૧૦ લિટર પાણીમાં ૧૦ ગ્રામ પ્રમાણે અથવા હેકઝાકોનાઝોલ ૦.૦રપ% ૧૦ લિટર પાણીમાં ૧૦ મિ.લિ. ઓગાળી રોગની શરૂઆત થયે છંટકાવ કરવો. જરૂર જણાય તો બીજો છંટકાવ ૧૦ દિવસ બાદ કરવો.

(૩) કાલવ્રણ : આ રોગમાં પાન, ડાળી અને શીંગો પર પાણી પોચા ચાઠા પડે છે. જે મોટા થતાં બદામી રંગના થાય છે. રોગની તીવ્રતા વધુ હોય તો પાન ખરી પડે છે અને શીંગોમાં દાણા હલકી ગુણવત્તાવાળા થાય છે.
આ રોગના રસાયણિક નિયંત્રણ માટે કાર્બેન્ડાઝીમ ૦.૦રપ% ૧૦ ગ્રામ અથવા મેન્કોઝેબ ૦.ર% રપ ગ્રામ અથવા હેકઝાકોનાઝોલ ૦.૦રપ% ૧૦ મિ.લી. ૧૦ લિટર પાણીમાં ઓગાળી રોગની શરૂઆત થયે છંટકાવ કરવો. જરૂર જણાય તો બીજો છંટકાવ ૧પ દિવસ બાદ કરવો.

(બ) જીવાતો અને તેનું નિયંત્રણ :
મગ અને અડદમાં ચુસિયા પ્રકારની જીવાતો જેવી કે થ્રીપ્સ, સફેદમાખી, મોલોમશી, તડતડીયા વગેરે છોડના પાન, ડાળી તથા શિંગોના કુમળા ભાગોમાંથી રસ ચુસી નુકસાન કરે છે.
(૧) થ્રીપ્સ : આ જીવાતનો ઉપદ્રવ મગ અને અડદ માં જોવા મળે છે. આ જીવાતના બચ્ચાં અને પુખ્ત મોટે ભાગે ફુલો અને નાજુક પાનમાંથી રસ ચુસે છે જેથી પાન પીળા પડી જાય છે અને અંતે સુકાઈને ખરી પડે છે. આ જીવાતનો ઉપદ્રવ ઉનાળામાં પાકની શરૂઆતમાં ખૂબજ જોવા મળે છે.
આ જીવાતના રસાયણિક નિયંત્રણ માટે ડાયમીથોએટ ૩૦ ઈ.સી. ૧૦ મિ.લિ અથવા સ્પીનોસાડ ૪૫ એસ.સી. ૩ મિ.લિ દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

(૨) શીંગ કોરી ખાનાર લીલી ઈયળ : આ જીવાત મગ અને અડદમાં મોટા પ્રમાણમાં જોવા મળે છે. લીલી ઈયળ શીંગમાં કાણું પાડી શરીરનો અડધો ભાગ શીંગમાં દાખલ કરી ખોરાક લેતી હોય છે. ઈયળ અવસ્થા લગભગ ૧ર થી ર૦ દિવસની હોય છે.
આ જીવાતના રાસાયણિક નિયંત્રણ માટે ફલુબેન્ડીયામાઈડ ૪૮ એસ.સી. ૦.૦૦૯૬% ર મિ.લિ. અથવા કલોરાન્ટ્રાનીલીપ્રોલ ર૦ એસ.સી. ૦.૦૦૩% ૧.પ મિ.લિ. દવા ૧૦ લિટર પાણીમાં ઓગાળીને છાંટકાવ કરવો. દવાનો પ્રથમ છંટકાવ ફુલ અવસ્થાએ અને બીજો છંટકાવ ૧પ દિવસ બાદ કરવો. આ ઉપરાંત જૈવિક નિયંત્રણ માટે ફેરોમેન ટ્રેપ હેકટરે ૮ થી ૧૦ સંખ્યામાં મુકવાથી જીવાતના નર ફુદા પકડાય છે જેનાથી જીવાતનું નિયંત્રણ થાય છે. પક્ષીઓનાં આશ્રય માટેના ટેકા/ સ્ટેન્ડ ગોઠવવા. કાળીયો કોશી, કાબર, બગલા વગેરે પક્ષીઓ લીલી ઈયળને ખાઈ જાય છે.
