કમલમ (ડ્રેગન ફ્રૂટ)એક ખુબ જ અગત્યનો ફળ પાક છે. આ એક બારમાસી, માવાદાર ફળ તથા વેલા પ્રકારનો કેક્ટસ પ્રજાતિનો પાક છે. જેણે વિશ્વમાં પ્રથમ એક સુશોભનીય છોડ તરીકે અને ત્યારબાદ એક ફળ પાક તરીકે ખ્યાતી પ્રાપ્ત કરેલ છે. અને હવે આ પાકને આપણે કમલમ તરીકે પણ ઓળખીએ છે. તેના ફળ ભીંગડા વાળા અને નાના કાળા બીજ સાથે સફેદ કે લાલ માવાવાળા થાય છે અને ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે. ફૂલ પણ સુંદર હોય છે. આ પાક ઓસ્ટ્રેલિયા, ચીન, ઇઝરાયેલ, તાઇવાન અને વિયેતનામમાં એક નવા પાક તરીકે સ્થાપિત થયેલ છે, જેનો હાલ ભારત અને ગુજરાતમાં પણ આ પાકનો વિસ્તાર ધીમે ધીમે વધતો જાય છે.
ભારતમાં કમલમ (ડ્રેગન ફ્રૂટ) ની ખેતી મુખ્યત્વે મહારાષ્ટ્ર, ગુજરાત, આંધ્ર પ્રદેશ, કર્નાટક અને તામિલનાડુમાં નાના પાયે થઈ રહી છે. ભારતમાં આ ફ્રૂટનો વિસ્તાર ખુબ જ ઓછો છે. આપણી જરૂરિયાતના ૯૫ ટકા ફળ આયાત થાય છે. જો આ ફળ પાકની ખેતી થવા માંડે તો તેની નિકાસ દ્વારા પણ સારું હુંડીયામણ મળવાની શક્યતાઓ છે.