જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના નેજા હેઠળ કુલ ૭ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર આવેલ છે. આ કેન્દ્ર પર વિસ્તારને અનુરૂપ જરૂરીયાત મુજબના જુદા જુદા વિષયના વિષય નિષ્ણાંતોની નિમણુક કરવામાં આવે છે. જેમાં કૃષિ વિજ્ઞાન, બાગાયત, પાક સંરક્ષણ, જમીન વિજ્ઞાન, કૃષિ ઇજનેરી, મત્સ્ય વિજ્ઞાન, ગૃહ વિજ્ઞાન, વિસ્ર્તરણ શિક્ષણ અને પશુ પાલન વગેરેના ટીમનો સમાવેશ કરવામાં આવે છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્રો દ્વારા કેન્દ્ર ઉપર તથા ગામોમાં કૃષિ અને સંલગ્ન વિષયો ઉપર તાલીમ ગોઠવવામાં આવે છે.આ ઉપરાંત ખેડૂતો, ખેડૂત મહિલાઓ અને ગ્રામીણ યુવાનો/યુવતીઓ માટે "કરીને શીખવું" અને "જોઇને માનવું" ઉપર ભાર મૂકીને ટૂંકા તેમજ લાંબા ગાળાની કૃષિ અને તેને સંલગ્ન વિષયો ઉપર વ્યવસાયિક તાલીમોનું આયોજન કરવામાં આવે છે, જેથી ખેત ઉત્પાદનમાં વૃદ્ધિ સાથે સ્વરોજગારીને વેગ આપી શકાય.
કૃષિ વિજ્ઞાન કેન્દ્રો દ્વારા સ્થાનિક પરિસ્થિતિને અનુરૂપ ટકાઉ ખેત પદ્ધતિઓ વિકસાવવા નવીન તજજ્ઞતાઓને ખેડૂતોના ખેતર ઉપર ચકાસવામાં આવે છે જે “ઓન ફાર્મ ટેસ્ટીંગ” તરીકે ઓળખવામાં આવે છે.
આ ઉપરાંત વધુ ઉત્પાદન અને આવક આપતી ખેતી, પશુપાલન, કૃષિ ઇજનેરી અને સંલગ્ન વિષયોની ટેકનોલોજી અને પદ્ધતિઓ ઉપર ખેડૂતોના ખેતર પર પ્રથમ હરોળના નિદર્શનો ગોઠવવામાં આવે છે, જેથી ખેડૂત મિત્રો પોતાની ખેતી પદ્ધતિને નવીન પધ્ધતિ સાથે સરખાવીને, પોતાની રીતે જોઇને, અનુભવીને વધુ ઉત્પાદન-આવક આપતી નવીન પદ્ધતિઓ અપનાવે છે. આ ઉપરાંત કૌતુકાલયનાં માધ્યમથી દરેક ઋતુના પાકની જુદી-જુદી નવીન જાતોનું વાવેતર કરી ખેડૂતોને બતાવવામાં આવે છે.આ કેન્દ્રના વૈજ્ઞાનિકો દ્વારા જરૂરીયાત મુજબ ખેડૂતોના ખેતરની મુલાકાત લઇને કૃષિ અને પશુપાલનને લગતા પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે.
ખેડૂતોને મોબાઈલમાં એસ.એમ.એસ. દ્વારા હવામાન આગાહી, જુદા જુદા પાકોની માહિતી, રોગ જીવાત નિયંત્રણ, શુક્ષ્મ પોષક તત્વો વગેરેની માહિતી આપવામાં આવે છે.
કૃષિ વિજ્ઞાન કેન્દ્રો દ્વારા સારી ગુણવતાવાળા બિયારણ અને પ્લાન્ટિંગ મટિરિયલનું ઉત્પાદન કરવામાં આવે છે. આ ઉપરાંત ખેડૂતોમાં જાગૃતિ લાવવા તેઓના જ્ઞાનમાં વધારો કરવા તેમજ સંશોધનોના પરિણામો સંપૂર્ણરીતે અપનાવતા થાય તે માટે ખેડૂતદિન, નિદર્શન સ્થળે ફિલ્ડ ડે, કૃષિ અંગે વિચાર ગોષ્ઠી, કૃષિ મેળા, કૃષિ તજજ્ઞતા સપ્તાહ, કૃષિ પ્રદર્શન, ખેડૂત શિબિર, ખેડૂત વૈજ્ઞાનિક ચર્ચા સભા, કૃષિ પરિસંવાદ, વિડીયો/સ્લાઈડ શો અને રાત્રી સભા જેવા કાર્યક્રમો યોજવામાં આવે છે.