સરદાર સ્મૃતિ કેન્દ્ર

           શ્રી વલ્લભભાઇ પટેલ, સરદારશ્રીની સ્મૃતિ ગુજરાતના ખેડૂત વર્ગમાં જીવંત રહે તેવા શુભ આશયથી સરદાર સ્મૃતિ કેન્દ્રની સ્થાપના સને ૧૯૭૫નાં વર્ષમાં કરવામાં આવેલ.

      સરદાર સ્મૃતિ કેન્દ્રની મુખ્ય પ્રવૃતિઓ જોઈએતો ખેડૂતો, મહિલાઓ અને યુવાનોને અદ્યતન ખેતી, પશુપાલન, કૃષિ ઇજનેરી અને અન્ય સંલગ્ન વિષયોનું જ્ઞાન મળી રહે તે માટે તાલીમ કાર્યક્રમો, કૃષિ સાહિત્ય,કૃષિ દર્શનાલય મ્યુઝીયમ દ્વારા તેમજ માહિતી કેન્દ્ર ઉપર રૂબરૂ અને ટેલીફોનીક માહિતી આપવામાં આવે છે.

       આ કેન્દ્ર ઉપર ખેડૂતમિત્રો અને મહિલાઓ માટે એક થી ત્રણ દિવસની જુદા જુદા વિષય ઉપર તાલીમ ગોઠવવામાં આવે છે. તાલીમ દરમ્યાન કૃષિકાર અતિથી ભવનમાં વિના મુલ્યે રહેવા તથા ભોજનની સગવડતા આપવામાં આવે છે. આ ઉપરાંત જુદા જુદા ગામોમાં પણ ગૃહ વિજ્ઞાન અને બેકરી વાનગીઓ વિષય ઉપર તાલીમ ગોઠવવામાં આવે છે.

        સરદાર સ્મૃતિ કેન્દ્ર ઉપર મ્યુઝીયમ તથા કૃષિ દર્શનાલયમાં કૃષિ, પશુ પાલન, કૃષિ ઇજનેરી તથા સંલગ્ન વિષયો ઉપર ચાર્ટ, ગ્રાફ, મોડેલ, જીવંત નમૂનાઓ, સફળ વાર્તાઓ વગેરે દ્વારા નવીન માહિતી પ્રદર્શિત કરવામાં આવેલ છે, જેથી તાલીમમાં આવતા તાલીમાર્થીઓ, કૃષિ પ્રવાસમાં આવતા મુલાકાતીઓ અને વિદ્યાર્થીઓ મ્યુઝીયમ અને કૃષિ દર્શનાલયની રૂબરૂ મુલાકાત લઈને માહિતી મેળવી શકે છે.

     કેન્દ્ર ઉપર જુદા જુદા વિષયો ઉપર કૃષિ સાહિત્ય, પુસ્તક અને ફોલ્ડર રૂપે પ્રકાશિત કરવામાં આવે છે. આ પુસ્તકો મુલાકાતીઓ ખરીદીને પોતાના અનુકુળ સમયે વાંચીને માહિતી મેળવી શકે છે.

     આ ઉપરાંત માહિતી કેન્દ્ર ઉપરથી રૂબરૂ, ટપાલ તથા ટેલીફોન દ્વારા તમામને કૃષિ વિષયક માહિતી આપવામાં આવે છે.

    જે ખેડૂત મિત્રો કે મહિલાઓએ કોઈ આગવું કાર્ય કરેલ હોય અને વિશાળ ખેડૂત સમુદાયને તેનો લાભ મળેલ હોય તેવી કૃષિ વિષયક કામગીરીને બિરદાવવા તેવા ખેડૂતોની કે મહિલાઓની પસંદગી કરી સરદાર સ્મૃતિ કેન્દ્ર રજત જયંતી એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવે છે