જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનું મુખ્ય કાર્યક્ષેત્ર કૃષિ અને સંલગ્ન વિષયોમાં શિક્ષણ, સંશોધન અને વિસ્તરણનું છે. કૃષિ અને બાગાયત પાકોની વધુ ઉત્પાદન આપતી જુદી-જુદી જાતો, સુધારેલ ખેતી પદ્ધતિઓ, કૃષિ ઇજનેરીની ટેકનોલોજી તેમજ પશુપાલનની આધુનિક પદ્ધતિઓની માહિતી ખેડૂતો સુધી પહોચાડવાની કામગીરી વિસ્તરણ શિક્ષણ દ્વારા કરવામાં આવે છે.
ખેડૂતો અને અન્ય ઉપયોગકર્તાઓ આ માહિતીને પોતાના કાર્યક્ષેત્રને અનુરૂપ અપનાવે તો તેઓને વધુ આવક થાય અને આર્થિક અને સામાજિક વિકાસ થાય છે. વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી દ્વારા વ્યક્તિગત, જૂથ અને સામુહિક સંદેશાવહનની પદ્ધતિઓનો ઉપયોગ કરી સૌરાષ્ટ્રમાં આવેલા જુદા જુદા વિસ્તરણ શિક્ષણના કેન્દ્રો દ્વારા નવીનતમ માહિતીનો પ્રચાર અને પ્રસાર કરવામાં આવે છે.
તે માટે જુદા જુદા કેન્દ્રોમાં સરદાર સ્મૃતિ કેન્દ્ર, બેકરીશાળા, જુદા જુદા જીલ્લામાં આવેલા કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, બેકરીશાળા, રેડીયો અને દૂરદર્શન કાર્યક્રમો કૃષિ મહોત્સવો તેમજ તાલીમ કાર્યક્રમો દ્વારા સંશોધન કેન્દ્રોમાં વિકસાવેલી પદ્ધતિઓને ખેડૂતો સુધી પહોચાડવામાં આવે છે.