સામાન્ય રીતે ઉનાળામા મોટા ભાગના પાકો ર૩°થી રપ°સેન્ટીગ્રેડ ઉષ્ણતામાનમાં સારી રીતે ઉગી શકે છે. ઉનાળામાં વહેલી પાકતી જાતો જ વાવી શકાય નહીંતર કાપણી વખતે ચોમાસુ વરસાદ નડવાની શકયતા રહે છે. જાન્યુઆરી માસમાં ઠંડી ઓછી થાય કે તુરત મગફળીનું વાવેતર કરી દેવુ જોઈએ જેથી કાપણી, ખળુ વિગેરે કામગીરી ચોમાસુ વરસાદ થાય તે પહેલા પૂર્ણ થઈ શકે એટલું જ નહીં પરંતુ, વહેલી પાકની જાતો ફકત ઉભડી પ્રકારની હોય છે અને આ પ્રકારમાં બીજ બીન સુષુપ્ત હોવાથી મોડુ થાય તો ચોમાસાનો પ્રથમ વરસાદ થતાં મગફળી ઉગી જવાની બીક રહે છે એટલે કે, ઠંડી ઓછી થયે વાવેતર કરી દેવાની ભલામણ કરવામાં આવે છે. તે મુજબ સૌરાષ્ટ્ર વિસ્તારમાં જાન્યુઆરીના બીજા પખવાડીયામાં, મઘ્ય ગુજરાતમાં જાન્યુઆરીના ત્રીજા અઠવાડીયામાં, જયારે દક્ષિણ ગુજરાતમાં વધુ ડંડી લંબાતી હોય ડીસેમ્બર થી માંડી જાન્યુઆરી ના બીજા અઠવાડીયા સુધીમાં મગફળીનું વાવેતર કરી દેવુ.

