1 - આંબાના પાકમાં આદુનું વાવેતર કરી શકાય કે નહી ?

આ પાકો (આદુ તથા હળદર) વાર્ષિક મસાલાના પાકો હોવાથી ૮ થી રપ વર્ષની નાળિયેરી, ૧ થી પ વર્ષના આંબા તથા કેળની અંદર આંતરપાક તરીકે લેવાની પ્રથા પ્રચલિત છે. ખાસ કરીને આંબાવાડીયામાં શરૂઆતના તબક્કામાં કે જયારે આપણે કેરીનું ઉત્પાદન ન લેતા હોઈએ તે અવસ્‍થાએ આ પાકને આંતરપાક તરીકે લઈ શકાય છે. છાંયડાવાળી માવજત આ પાકને ખૂબ જ માફક આવે છે.


2 - આદુના વાવેતરનો યોગ્‍ય સમય કયો ?

આદુના વાવેતર માટે ખાસ કરીને એપ્રિલથી ૧પ મે સુધીનો સમયગાળો યોગ્‍ય ગણાય છે.


3 - આદુ તથા હળદરની રોપણીની પઘ્‍ધતિઓ કઈ છે ?

આ બંને પાકોમાં ખાસ કરીને સપાટ કયારા, ગાદીકયારા કે નીકપાળા પઘ્‍ધતિથી ૩૦ સેમી બે હાર વચ્‍ચે તથા ૧પ સેમી બે છોડ વચ્‍ચે અંતર રાખીને રોપવા જોઈએ. કયારાઓની લંબાઈ જમીનના ઢાળ પ્રમાણે રાખવી જેથી પિયત યોગ્‍ય રીતે આપી શકાય. વધારે ઢાળવાળી જમીનમાં કયારાની લંબાઈ વધારે રાખવી. (અંદાજે ૩૦ થી ૩પ મી)


4 - આદુ તથા હળદરના પાકમાં બીજદર કેટલો રાખવો તથા બીજ માવજત કઈ કઈ લેવી ?

આદુના પાકનો બીજદર ૧ર૦૦ કિગ્રા હેકટરદીઠ અંગુલી ગાંઠો તથા હળદરમાં ર૮૦૦ થી ૩૦૦૦ કિગ્રા હેકટરદીઠ માતૃગાંઠોનો ઉપયોગ કરવો જોઈએ.
બીજ માવજતમાં ખાસ કરીને ગાંઠોને રોપતા પહેલા મેન્‍કોઝેબ ૦.૩% તથા કિવનાલફોસ ૦.ર% ના દ્રાવણમાં ૩૦ મિનીટ બોળી પછી છાંયડામાં સુકાવીને વાવેતરમાં ઉપયોગ કરવો જોઈએ.
કેટલીક વખત ગાંઠોનું અંકુરણ જલ્‍દી થાય તે માટે બીજ માવજત બાદ તાજા છાણના પાતળા રગડામાં બોળીને વાવેતર કરવાની પ્રથા પણ પ્રચલિત છે.


5 - આદુ તથા હળદરમાં ખાતરો કઈ રીતે તથા કેટલા આપવા જોઈએ ?

આદુ તથા હળદરના પાકમાં પાયામાં રપ ટન હેકટરદીઠ સેન્‍દ્રિય ખાતર, ર૦ કિગ્રા નાઈટ્રોજન, ૬૦ કિગ્રા ફોસ્‍ફરસ તથા ૬૦ કિગ્રા પોટાશ આપવો જોઈએ અને પૂર્તિ ખાતર તરીકે બાકી રહેલ નાઈટ્રોજન ર૦ કિગ્રા રોપણીના ૩૦ દિવસ બાદ તથા ર૦ કિગ્રા રોપણીના ૬૦ દિવસ બાદ આપવો જોઈએ તથા સલ્‍ફર તત્‍વ આ પાકને લાભદાય હોઈ નાઈટ્રોજનયુક્‍ત ખાતરમાં ૧૦ કિગ્રા દીઠ એક કિગ્રા સલ્‍ફર ભેળવીને આપવું જોઈએ.


6 - આદુ તથા હળદરમાં પિયત કઈ રીતે અને કેટલા આપવા જોઈએ ?

આ પાકો ૮ થી ૧૦ મહિના સુધી ઉભા રહેતા હોય પાણી ભરાઈ ન રહે તે પ્રમાણે પ્રથમ પિયત રોપણી બાદ તુરંત, બીજુ પિયત રોપણી બાદ ૪ થી પ દિવસે તથા બાકીના પિયત ૮ થી ૧૦ દિવસના અંતરે જરૂરીયાત મુજબ આપવા જોઈએ. આ રીતે કુલ રપ થી ૩૦ પિયતની જરૂરીયાત રહે છે.


7 - હળદર તથા આદુ પાકની કાપણી કયારે કરવી જોઈએ ?

આ પાકોની કાપણી સમયે સુકું હવામાન જરૂરી છે. હળદર તૈયાર થાય ત્‍યારે પાનની ટોચનો ભાગ સુકાવા લાગે અને પાન પીળા પડી ઢળવા લાગે છે. આ સમયે આ પાકને ખોદી કાઢી લેવો જોઈએ. લીલી હળદરની માંગ પ્રમાણે ૧ થી ૧.પ માસ પહેલા પણ ખોદી શકાય છે.
આદુ પાક લીલા આદુના ઉત્પાદન માટે કરવાના હેતુ માટે હોય તો ૧૮૦ દિવસે (૬ માસ) લણણી કરવી જોઈએ. આદુના પાકના પાન પીળા પડવા લાગે ત્‍યારે આ પાકની કાપણી / લણણી કરી લેવી જોઈએ.


8 - આદુ તથા હળદરના પાકોનું હેકટરદીઠ કેટલું ઉત્પાદન મળી શકે ?

આદુ પાકનું હેકટરદીઠ ર૦૦૦૦ થી રપ૦૦૦ કિગ્રા તથા હળદર (લીલી) રપ૦૦૦ થી ૩૦૦૦૦ કિગ્રા/હેકટર ઉત્પાદન મળે છે.


9 - આદુ તથા હળદરના પાકના ગાંઠના કોહવારાનું કઈ રીતે નિયંત્રણ કરી શકાય ?

પાણી ભરાઈ રહે તેવી જમીનમાં ગાંઠના કોહવારાના રોગનો ઉપદ્રવ જણાય છે. આના નિયંત્રણ માટે તંદુરસ્‍ત ગાંઠોની રોપણી કરવી જોઈએ તથા મેટાલેક્ષીલ-૦રપ% નું દ્રાવણ એટલે (ર૦ ગ્રામ) ૧૦ લીટર પાણીમાં ઓગાળીને રોપણી બાદ ૪-પ દિવસ પછી પંપની નોઝલ કાઢી હારો ઉપર ડ્રેન્‍ચીગ/નિતાર કરવું જોઈએ.


10 - આદુના પાકનું મૂલ્‍યવર્ધન કઈ રીતે કરી શકાય ?

આદુ એક મસાલા પાક સાથે ઔષધિય પાક હોવાથી આદુનું મૂલ્‍યવર્ધન ઘણી રીતે કરી શકાય છે.


11 - આદુનો મુખ્‍ય ઉપયોગ તથા વેચાણ વ્‍યવસ્‍થા અંગે માહિતી આપશો.

તાજા ખોદેલા લીલા આદુનો મુખ્‍ય ઉપયોગ ઘરગથ્‍થું વાનગીઓમાં થાય છે તથા બીજો ઉપયોગ હળવા પીણાઓમાં પણ થાય છે. આ પાકની ઔષધિય મૂલ્‍ય વધારે હોઈ લીલા તેમજ સૂકા આદુનો ઉપયોગ કફસિરપ અને શ્વાસને લગતા રોગોની દવાની બનાવટમાં થાય છે. ભારત, જાપાન, ચીન તથા ઘણા બીજા દેશોની અંદર આદુનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે.
બજાર વ્‍યવસ્‍થાની વાત કરીએ તો આપણે લીલા આદુનું સીધું વેચાણ લોકલ બજારમાં કરવું પડતું હોય છે તથા માર્કેટીંગ યાર્ડ ઉપરથી પણ આપણે વેચાણ કરી શકીએ છીએ તથા નિકાસ સાથે સંકળાયેલી સંસ્‍થાઓ જે આદુ તથા હળદરની નિકાસ બીજા દેશોમાં કરતી હોય તે નીચે મુજબ છે :
- નીલ એગ્રોટેક પ્રાઈવેટ લિ., અમદાવાદ
- વિકાસ એગ્રો એકઝીમ, લખનઉ (ઉતરપ્રદેશ)
- એસ.પી. માર્કેટીંગ, ગુવાહાટી (આસામ)
જે સારા તેમજ ઉચ્‍ચ ગુણવતાવાળા ઉત્પાદન જેમાં આદુ, હળદર તથા અન્‍ય મસાલા પાકોની નિકાસની કામગીરી સાથે સંકળાયેલ છે.