1 - આજે જમીનની ફળદ્રુપતા બાબતે કઈ કઈ સમસ્યાઓ ઉભી થઈ છે?
આપણાં ખેડૂતો પાકને જરૂરી નાઈટ્રોજન તત્વ પુરૂં પાડવામાં રાસાયણિક ખાતરનો આડેધડ ઉપયોગ કરે છે, તેના લીધે જમીન અને પાણીના પ્રદુષણના પ્રશ્નો, રાસાયણિક ખાતરના વધતાં જતાં ભાવ, કાચા માલની તંગી, નબળી સંગ્રહ શકિત તથા ઉર્જાની વધતી જતી માંગ જેવી સમસ્યાઓનો ઉભી થઈ છે. તદૃઉપરાંત બગડતાં જતાં જમીનના ભેોતિક, રાસાયણિક અને જૈવિક ગુણધર્મોને લીધે જમીન આરોગ્યનો પ્રશ્ન અને પોષક તત્વો પુરાં પાડવા જમીનમાં ઉમેરવામાં આવતાં રાસાયણિક ખાતરો સામે પાક ઉત્પાદનમાં નબળો પ્રતિભાવ પડકારરૂપ છે.
2 - જમીનની ફળદ્રુપતા જાળવવા માટે કોઈ સશકત ઉપાય ખરો ?
હા, આવી પરિસ્થિતિ રાસાયણિક ખાતરો આધારિત આધુનિક ખેતીને સંકલિત પોષણ વ્યવસ્થા, પાક અવશેષોનો ઉપયોગ, પાક ફેરબદલી અને આંતરપાક પધ્ધતિમાં કઠોળ પાકોનો ઉપયોગ જેવી પર્યાવરણ અનુકૂળ, સશકત અને ટકાઉ પધ્ધતિમાં ફેરવવાની તાતી જરૂરિયાત છે.
3 - છોડના પોષણ માટે નાઈટ્રોજન તત્વ શા માટે અગત્યતનું છે ?
દરેક છોડ માટે નાઈટ્રોજન એ આવશ્યક પોષક તત્વ છે. ન્યુકલીઓટાઈડ, આરએનએ, ડીએનએ, એમીનો એસીડ અને પ્રોટીનના બંધારણ માટે નાઈટ્રોજન જરૂરી છે. આપણાં વાતાવરણમાં ૭૮ ટકા નાઈટ્રોજન રહેલ છે, પરંતુ તે છોડ માટે સીધે સીધો ઉપયોગી નથી. આ નાઈટ્રોજનનું છોડ લઈ શકે તેવા સ્વરૂપમાં રૂપાંતર કરવુ પડે.
4 - નાઈટ્રોજનનું વ્યવસ્થાપન શા માટે જરૂરી છે ?
મોટા ભાગની જમીનોમાં નાઈટ્રોજનની ઓછી ઉપલબ્ધતાને કારણે પાક ઉત્પાદનનો પ્રશ્ન ઉભો થયો છે. વધતી જતી વસ્તી માટે પુરતુ અનાજ ઉત્પન્ન કરવા જમીનની ઉત્પાદકતા પર્યાપ્ત સ્તરે જાળવવી પડશે. જેથી વાતાવરણમાંના નાઈટ્રોજનનું અસરકારક વ્યવસ્થાપન ચાવીરૂપ છે. આ માટે જૈવિક નાઈટ્રોજન સ્થીરીકરણ એ અર્થક્ષમ અને પર્યાવરણને સાનુકૂળ અસરકારક ઈલાજ છે. કઠોળ પાકો જૈવિક નાઈટ્રોજન સ્થિરીકરણની ક્ષમતા ધરાવે છે.