1 - પાણીના પૃથક્કરણની ઉપયોગિતા શુ?

પાણીના પૃથક્કરણથી જમીનની વિદ્યુત વાહકતા,પી એચ વગેરે જાણી શકાય, પાણીમાં રહેલા ક્ષારોની માહિતી મળી શકે અને તેના આધારે પાણી કયા પાક માટે વધુ અનુકૂળ છે તે જાણી શકાય છે.


2 - સુક્ષ્મ પિયત પદ્ધતિમાં કઈ કઈ પદ્ધતિનો સમાવેશ થાય છે?

સુક્ષ્મ પિયત પદ્ધતિમાં નીચેની પિયત પદ્ધતિનો સમાવેશ થાય છે
• ટપક પિયત પધ્ધતિ
• મોટા ફુવારા પિયત પધ્ધતિ
• રેઈન ગન પિયત પધ્ધતિ
• ઝમણ પાઈપ પિયત પધ્ધતિ


3 - પિયત આપવા માટે શ્રેષ્ઠ પધ્ધતિ કઈ છે ?

પિયત આપવા માટેની શ્રેષ્ઠ પધ્ધતિ ટ્પક પિયત પધ્ધતિ છે. ટપક પિયત પધ્ધતિ વાપરવાથી ૨૯ થી ૫૯ ટકા જેટલા પાણીનો બચાવ થાય છે, જે તે પાક મુજબ ૨૦ થી ૫૦ ટકા જેટલુ ઉત્પાદન વધુ મળે છે. નીંદામણ ઓછું થતું હોવાથી મજૂરી ખર્ચમાં બચત થાય છે, પાણી સાથે ખાતર પણ આપી શકાય છે. આ પિયત પધ્ધતિ મોટા ભાગના પાકો માટે અનુકુળ છે. મર્યાદિત ક્ષારવાળું પાણી પણ આ પધ્ધતિ વડે પાકને આપી શકાય છે.


4 - ટપક સિંચાઈ પધ્ધતિની ઉપયોગીતા શું છે.

ટપક સિંચાઈ પધ્ધતિના અનેક લાભો છે.
1, તેના ઉપયોગથી પાક, જમીન અને વાતાવરણ પ્રમાણે ૪૦ થી ૭૦ ટકા પાણીની બચત થાય છે.
2, છોડનો વધુ ઝડપથી વિકાસ થાય છે અને પાક મુજબ વધુ ઉત્પાદન મળે છે.
3, મજૂરી/ખર્ચ અને શક્તિનો બચાવ થાય છે.
4, નીંદામણ ખર્ચ ઘટે છે.
5, ખાતરોનો અસરકારક ઉપયોગ થાય છે.
6, અનેક પાકમાં તેનો ઉપયોગ થઈ શકે છે
7, જમીનનું ધોવાણ થતું અટકે છે.
8, ટપક પદ્ધતિમાં પિયત માટે જમીનને સમતળ કરવી જરૂરી નથી. પરંપરાગત પિયત પદ્ધતિમાં નીક તથા પાળાઓ બનાવવામાં ૮થી ૧૦ ટકા જમીનનો વ્યય થાય છે. જયારે ટપક પદ્ધતિમાં નીક/પાળા બનાવવા જરૂર ન હોય તેટલી જમીન પાક હેઠળ વધુ મળે છે.
9, રોગ જીવાતનું પ્રમાણ ધટે છે તેને કારણે ગુણવતાવાળું ઉત્પાદન મળે છે.
10, પાક વહેલો થાય છે. તેથી બીજો પાક લેવા સમયસર વાવણી થઈ શકે છે.
11, જમીન નું બંધારણ અને ફળદ્રુપતા ટકી રહે છે.
12, પિયત પાણીના અસરગ્રસ્ત વિસ્તારમાં જમીનમાં ઊડે ઉતરી જતા ભૂગર્ભ જળ તેમજ વધુ પિયતના પાણીથી છીછરા થતા જતા ભૂગર્ભ જળ નિયંત્રણ કરી શકાય છે.


5 - ટપક સિંચાઈ પદ્ધતિ વાપરવાથી ઉત્પાદન કેવીરીતે વધે છે?

છોડની જરૂરિયાત મુજબ, ઓછા સમયાંતરે પિયત આપવામાં આવતું હોવાથી જમીનમાં ભેજ તથા હવાનું પ્રમાણ એકસરખું જળવાઈ રહે છે. જમીનમાં ઉપયોગી સૂક્ષ્મ જીવાણુઓની વૃદ્ધિ અને મૂળની વધુ સરળ કામગીરીને કારણે છોડને જરૂરી પાણી તથા પોષક તત્વો પૂરતા પ્રમાણમાં મળતા રહે છે આથી પાકનો વિકાસ ઝડપી અને સારો થાય છે. પરીણામે ઉત્પાદન વધુ મળે છે. જુદા જુદા પાક,જમીન અને વાતાવરણ પ્રમાણે ૧૦ થી ૯૮ ટકા વધુ ઉત્પાદન મળે છે.


6 - પાક ઉત્પાદનમાં પિયતનું શું મહત્વ છે ?

પાક ઉત્પાદન માટે પાણી એ અગત્યનું પરિબળ છે. પાક ઉત્પાદનમાં પિયતનો ર૭ ટકા જેટલો ફાળો છે. શિયાળુ ઋતુમાં મોટાભાગના પાકો પિયત આપી લેવામાં આવે છે. ગુજરાત રાજયમાં કુલ ખેડાણ વિસ્તારનો અંદાજિત ૩૦ ટકા અને સેોરાષ્ટ્રનો ર૦ ટકા વિસ્તાર જ પિયત હેઠળ આવેલ છે. પિયત ખેતીના ૭૦ થી ૭પ ટકા વિસ્તારમાં કૂવાઓ અને પાતાળ કૂવાઓ દ્વારા પિયત થાય છે. અપૂરતો જળ સંચય, ભૂગર્ભ જળનું સ્તર ઉંડા જવા, ઘનિષ્ઠ ખેતી પધ્ધતિઓ, પાણીનો ખેતી સિવાય અન્ય હેતુઓ માટે વધતો જતો વપરાશ તેમજ ખેતીમાં પાણીના બિનકાર્યક્ષમ ઉપયોગને કારણે પિયત પાણીની ખેંચ દિન પ્રતિ દિન તીવ્ર બનતી જાય છે.


7 - પિયત પાણીનો કાર્યક્ષમ ઉપયોગ શા માટે કરવો જોઈએ ?

વધુ પડતાં ભૂગર્ભ જળના સિંચનને કારણે પાણીના તળ ખૂબજ ઉંડે ગયા છે. જેને લીધે પાણીની તંગીની સાથોસાથ દરિયાકાંઠા નજીકની જમીનો ક્ષાારીય બનતી જાય છે. સેોરાષ્ટ્ર વિસ્તારના કેટલાંય તાલુકાઓનો સમાવેશ રેડ ઝોનમાં કરવામાં આવેલ છે. એક અહેવાલ અનુસાર કચ્છ અને ઉત્તર ગુજરાત વિસ્તારમાં પાણીનો જે જથ્થો ઉપલબ્ધ છે તેનો અત્યારે જે રીતે આડેધડ ઉપયોગ થાય છે તે પ્રમાણે ચાલુ રહે તો અનુક્રમે ૧૦ અને ર૦ વર્ષ સુધી જ ચાલી શકે તેમ છે. કુલ ઉપલબ્ધ પાણી પૈકી ૭૩ ટકા પાણીનો વપરાશ કૃષિ ક્ષેત્રમાં થાય છે. પાણી એ કુદરતી સીમિત સંસાધન હોવાથી અમૂલ્ય છે. વળી સેોરાષ્ટ્ર વિસ્તારમાં નહેરની સગવડતા ન હોઈ, કૂવા અને બોર દ્વારા મેળવવામાં આવતું પાણી ખૂબજ મોંઘુ પણ છે. આવા માર્યાદિત પાણીનો કાર્યક્ષમ રીતે ઉપયોગ કરવો જ રહયો.


8 - રેઈનગન પધ્ધતિ એટલે શું ?

એક જ ગનથી વધારે વિસ્તારમાં પિયત કરવા માટે વપરાતું ફુવારા જેવું સાધન એટલે રેઈનગન અને આ પ્રક્રિયાથી સિંચાઈ આપવાની પધ્ધતિને રેઈનગન સિંચાઈ પધ્ધતિ રહેવામાં આવે છે. આ પધ્ધતિ ઘઉં, ચણા, રાઈ, લસણ, ડુંગળી જેવા પાકો માટે અસરકાર પુરવાર થયેલ છે


9 - પિયત પાણીની સગવડ ઓછી હોય ત્યારે કયા પાકો પસંદ કરવા જોઈએ ?

પાણીની અછતની પરિસ્થિતિમાં ઘઉં, લસણ, ડુંગળી જેવા વધારે પાણીની જરૂરીયાતવાળા પાકોને બદલે ઓછી જરૂરીયાતવાળા પાકો જેવાકે જીરૂં, ધાણાં, ઈસબગુલ, દિવેલાં, તુવેર, બાજરી, સવા, ચણાં, રાયડો, જેવા પાકોની પસંદગી કરી પાક આયોજનમાં તેનો સમાવેશ કરવો. પાણીની અછત સામે પ્રતિકારક શકિત ધરાવતી જાતો પસંદ કરવી. ચોમાસું પાકોમાં આંતર-રીલે પાક પધ્ધતિ અપનાવવી જેથી ચોમાસુ પાકની કાપણી બાદ રીલે પાકને શિયાળામાં ઓછા પિયતની જરૂરિયાત રહે.


10 - પિયત પાણીના કાર્યક્ષામ ઉપયોગ માટે કઈ કઈ કાળજી રાખવી જોઈએ ?

ખેતીમાં પિયત પાણીના ઉપયોગમાં આ પ્રમાણેની કાળજી રાખવામાં આવે તો પિયત પાણીનો કાર્યક્ષમ રીતે ઉપયોગ કરી શકાય.
૧. જમીન સમતળ કરવી
ર. યોગ્ય માપના કયારા બનાવી પિયત આપવું
૩. પિયતનું કાળજી પૂર્વક નિયમન કરવું
૪. ફકત પાક માટે જ પાણીનો ઉપયોગ કરવો
પ. ઓછા પાણીની જરૂરીયાતવાળા પાકોની પસંદગી કરવી
૬. પાણીના વહન માટે પાઈપ લાઈનનો ઉપયોગ કરવો
૭. આવરણનો ઉપયોગ કરવો
૮. કાળી જમીનમાં તીરાડો અટકાવવી
૯. પાકની કટોકટીની અવસ્થાએ પિયત આપવું
૧૦. એકાંતરા ચાસે પિયત આપવું
૧૧. યોગ્ય પિયત પધ્ધતિની પસંદગી કરવી
૧ર. નીક પાળા પધ્ધતિ અપનાવવી
૧૩. પાકની જરૂરીયાત પ્રમાણે પિયત આપવું
૧૪. સમયસર નીંદણ નિયંત્રણ કરવું
૧પ. ખેત કાર્યો સમયસર કરવા
૧૬. વૃદ્ધિ નિયંત્રકો અને પ્રતિ ઉસ્વેદકોનો ઉપયોગ કરવો


11 - પિયત પાણીનો કાર્યક્ષામ ઉપયોગ કરવા માટે કઈ પિયત પધ્ધતિ અપનાવવી જોઈએ ?

ચીલાચાલુ રેલાવીને પિયત આપવાની પધ્ધતિમાં પાણીનો વ્યય વધારે થાય છે અને ફકત ૪૦ થી પ૦ % જ કાર્યક્ષમ ઉપયોગ થાય છે. જયારે ટપક પધ્ધતિ દ્વારા પિયત આપવામાં આવે તો ૯પ % સુધી કાર્યક્ષામતા વધારી શકાય છે. ફુવારા, લઘુ ફુવારા તથા છીદ્રાળું પાઈપ પધ્ધતિથી રપ થી ૩૦ % પાણીનો બચાવ થાય છે અને પિયત પાણીની કાર્યક્ષમતા વધે છે. બાગાયતી તેમજ પહોળા અંતરે વવાતા ખેતી પાકો તથા શાકભાજીના પાકોમાં ટપક પધ્ધતિ વધુ અનુકૂળ છે. આમ યોગ્ય પિયત પધ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. માર્યાદિત પિયતની પરિસ્થિતિમાં શેરડી, કપાસ, દિવેલાં, તુવેર, રીગણ, ટમેટી, બટાટા જેવા પાકોનું નીક પાળા અપનાવી વાવેતર કરવાથી ઓછા પાણીએ વધારે વિસ્તારમાં પાક લઈ શકાય છે તેમજ એકાંતરા ચાસે પિયત આપવાથી પણ પિયત પાણીનો બચાવ થઈ શકે.


12 - પિયત માટે કટોકટીની અવસ્થાઓ એટલે શું ?

દરેક પાકમાં વૃદ્ધિ અને વિકાસકાળ દરમ્યાન વિવિધ અવસ્થાએ પાણીની જરૂરીયાત અલગ અલગ હોય છે. અમુક અવસ્થાએ પિયત આપવામાં ન આવે તો ઉત્પાદનમાં ધરખમ ઘટાડો થાય છે. આવી અવસ્થાઓને પિયત માટેની કટોકટીની અવસ્થાઓ કહેવાય. દા.ત. ઘઉંના પાકમાં શિષ્ન મૂળ અવસ્થા, ફુટ અવસ્થા, ગાભે પોટેની અવસ્થા, ફૂલ અવસ્થા, દૂધીયા દાણાની અવસ્થા અને પોંક અવસ્થા કટોકટીની અવસ્થાઓ ગણાય છે. આ સમયે અવશ્ય પાણી આપવું જોઈએ. પિયત પાણીની અછત હોય ત્યારે આવી કટોકટીની અવસ્થાઓએ પિયત આપવાથી ઉત્પાદન મેળવી શકાય.


13 - જીરૂંમાં કયારે પિયત આપવા જોઈએ ?

આપણે સેો જાણીએ છીએ કે જીરૂંનો પાક વાતાવરણના ભેજ સામે ખુબજ સંવેદનશીલ છે. પિયતમાં કાળજી ન રાખવામાં આવે તો સુકારો, ચરમી અને ભુકી છારા જેવા રોગ આવે અને પાક નિષ્ફળ જાય. જેથી જીરૂંનુ વાવેતર છાંટીને કે પુંખીને ન કરતાં બે હાર વચ્ચે ૩૦ સે.મી.નું અંતર રાખી વાવણી કરવી અને જીરૂંને વાવણી સમયે, વાવેતર બાદ ૮-૧૦, ૩૦, ૪પ-પ૦ અને ૬૦ દિવસે એમ કુલ પ પિયત આપવા. કયારામાં પાણી ભરાઈ ન રહે તેની કાળજી રાખવી. વાદળછાંયુ અને ભેજવાળુ વાતાવરણ હોય તો પિયત આપવુ નહીં.


14 - હમણાં સેોરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોનો વરિયાળીમાં રસ વધ્યો છે. તો વરિયાળીનું વાવેતર કઈ રીતે કરવું તેમજ કયારે અને કેટલાં પિયત આપવા જોઈએ ?

એકદમ સાચી વાત છે. હમણાં હમણાં ખેડૂતો વરીયાળીમાં ખુબજ રસ ધરાવતાં થયા છે. ગુજરાત વરિયાળી-૧, ર અને ૧૧ સુધારેલી જાતો છે. વરિયાળીનું વાવેતર બે હાર વચ્ચે ર ફુટના અંતરે વિઘે ૧.પ કિ.ગ્રા. બિયારણનો દર રાખીને કરવું. ઉગાવો બરાબર થાય ત્યારે હારમાં બે છોડ વચ્ચે ૧પ સે.મી.નું અંતર જાળવી પારવણી કરવી. ખાતરની વાત કરીએ તો વાવણી વખતે વીઘે ૧૦ કિ.ગ્રા. ડીએપી અને ૬ કિ.ગ્રા. યુરીયા આપવું તેમજ વાવણી બાદ ૩૦ અને ૬૦ દિવસે વિઘે ૮ કિ.ગ્રા. યુરીયા પૂર્તિ ખાતર તરીકે આપવું. વરિયાળીને કુલ ૧૦ પિયતની જરૂર રહે છે. પ્રથમ પિયત વાવેતર બાદ તરતજ, બીજું ત્યારબાદ પ દિવસે અને બાકીના ૮ પિયત ૮-૧૦ દિવસના ગાળે આપવા.


15 - લસણ અને ડુંગળીમાં કયારે અને કેટલાં પિયત આપવા જોઈએ ?

દક્ષિણ સેોરાષ્ટ્ર વિસ્તારમાં પાકને પ૦ મિ.મી. ઉંડાઈના કુલ ૧૪ પિયતની જરૂર પડે છે. જેમાં પ્રથમ પિયત વાવેતર બાદ તુરતજ, બીજું અને ત્રીજું પિયત પ દિવસના ગાળે, ૪ થી ૧૧ સુધીના દરેક પિયત ૧૦ થી ૧ર દિવસના ગાળે અને બાકીના ૩ પિયત ૭ થી ૮ દિવસના ગાળે આપવાં.
લઘુ ફુવારા પધ્ધતિ દ્વારા પિયત આપવાથી પાણીની બચતની સાથોસાથ ઉત્પાદન અને ગુણવતામાં વધારો કરી શકાય. આ પધ્ધતિમાં દર કલાકે ૩પ લિટર પાણી ઉડાડતા લઘુ ફુવારા ર.પ મીટર × ર.પ મીટરના અંતરે ગોઠવી ૧.ર કિલોગ્રામ/ચોરસ સે.મી. દબાણે એકાંતરે દિવસે ર કલાક અને ૪૩ મિનિટ સુધી પાણી આપવું.


16 - સુક્ષમ ફુવારા પધ્ધતિના કયા કયા ફાયદાઓ છે ?

૧. ટપક પધ્ધતિમાં જે ડ્રીપર જામ થઈ જવાની સમસ્યા છે તે આમાં નડતી નથી.
ર. ટપક પધ્ધતિમાં ડ્રીપરથી ખુબજ ઓછી જગ્યામાં પાણી ફેલાવાની ક્ષમતા હોવાથી બે ડ્રીપર વચ્ચે તેમજ બે લેટરલ વચ્ચે ઓછું અંતર રાખવું પડતું હોવાથી ખૂબ જ ખર્ચ આવે છે. જયારે આમાં ખર્ચ ખૂબ જ ઘટાડી શકાય છે.
૩. ફુવારા પધ્ધતિમાં જે મોટા સાઈઝની લેટરલ તેમજ વધુ દબાણની જરૂર પડે છે તે આમાં પડતી નથી


17 - ટપક પિયત પધ્ધતિના કયા કયા ફાયદાઓ છે ?

બાષ્પીભવન તથા નિતારથી થતાં પાણીના વ્યયને નિવારી શકવાથી આ પધ્ધતિથી સિંચાઈ કરતા પાણીનો ૬૦-૮૦ ટકા જેટલો પાણીનો બચાવ થાય છે.
ર. ટીપે-ટીપે પાકની જરુરીયાત મુજબ પાણી અપાતું હોવાથી સારી ગુણવતા તથા વધુ ઉત્પાદન મળે છે.
૩. પાક વહેલો પાકે છે. આથી શરુઆતની અછતમાં વધુ ભાવો મેળવીને માલ વેચી શકાય છે.
૪. ક્ષારીય ભાસ્મિક જમીનમાં વધુ ઉત્પાદન લેવાનું શકય બને છે.
પ. પાકની જરુરીયાતના સમયે રાસાયણિક ખાતરો તથા જંતુનાશક દવાઓ જમીનમાં ટપક સિંચાઈ દ્વારા સહેલાઈથી આપી શકાય છે. પાણી સાથે ઓગાળીને ખાતર આપવાથીતે જમીનમાં છોડના મૂળ વિસ્તારથી બહાર જતું નથી.
૬. ક્ષારયુકત (ખારા) પાણીનો પણ કાર્યક્ષમ ઉપયોગ કરી સારુ ઉત્પાદન મેળવી શકાય છે.
૮. ખાડા ટેકરાવાળી જમીનને સમતળ કર્યા સિવાય સહેલાઈથી સિંચાઈ કરી શકાય છે. આમ જમીન સમતળ કરવાનો ખર્ચ પણ બચે છે.
૯. જમીનનું ધોવાણ અટકાવી શકાય છે. અન્ય પધ્ધતિઓમાં ધોરીયા કે નીકપાળા કરવામાં પણ પાંચ ટકા જમીનનો વ્યય થાય છે. તે આ પધ્ધતિમાં નિવારી શકાય છે.
૧૦. ખૂબ જ ઓછું નીંદણ થવાથી નીંદણ ખર્ચ ઘટે છે. ઉપરાંત નીંદણથી જે રોગ-જીવાતનો ફેલાવો થાય છે તે સદંતર નિવારી શકાય છે.


18 - ટપક સિંચાઈ પધ્ધતિના મુખ્ય ક્યાં-ક્યાં ભાગો હોય છે?

ટપક સિંચાઈ પધ્ધતિના મુખ્ય ભાગોમાં એક તો હેડ યુનિટ અને બીજું ફિલ્ડ યુનીટનો સમાવેશ થાય છે.


19 - હેડ યુનિટમાં ક્યાક્યા ભાગોનો સમાવેશ થાય છે?

હેડ યુનિટમાં નોન રિટર્ન વાલ્વ, બાયપાસ એસેમ્બલી, પ્રેસર ગેજ, કન્ટ્રોલ વાલ્વ, ખાતર આપવાનું સાધન, પ્રાથમિક ફિલ્ટર માધ્યમિક ફિલ્ટર તથા એર રીલીઝ વાલ્વનો સમાવેશ થાય છે.
નોન રિટર્ન વાલ્વ: જેમ આપણે સૌ જાણીએ છીએ તેમ નોન રિટર્ન મતલબ પાણીને એક તરફથી બીજી તરફ જવા દે પંરતુ તેને પાછુન આવવા દે તેવો થાય છે. જ્યારે આપણા પાણીનો સ્ત્રોત નીચાણ વાળા વિસ્તારમાં હોય અને ખેતર ઉંચાણ વાળા વિસ્તારમાં હોય ત્યારે આ પ્રકારના વાલ્વ ખુબજ ઉપયોગી સાબિત થાય છે.
બાય પાસ એસેમ્બ્લી: જ્યારે આપણો પમ્પ ચાલુ કરીએ ત્યારે તેમાંથી આવતો સંપૂર્ણ પ્રવાહ જરૂર ન હોય તેવા કિસ્સામાં વધારાના પાણીને સિસ્ટમની બહાર કાઢી ફેંકવાની જરૂરિયાત રહે છે. આ વધારાના પ્રવાહના વ્યવસ્થાપન માટે બાય પાસ એસેમ્બલીનો ઉપયોગ થાય છે.
પ્રેસર ગેજ: મુખ્યત્વે પ્રેસર ગેજનો ઉપયોગ સીસ્ટમમાં જતાં પાણીના પ્રવાહના દબાણને માપવા માટે થાય છે. જો પાણીના પ્રવાહનું દબાણ ખુબ જ વધી જાય તો સીસ્ટમમાં અમુક જગ્યાએ પાઈપ ફાટી જવાની શક્યતા રહે છે.
કન્ટ્રોલ વાલ્વ: સમગ્ર સિસ્ટમના થતા પાણીના પ્રવાહના વ્યવસ્થાપન માટે કન્ટ્રોલ વાલ્વનો ઉપયોગ થાય છે. કન્ટ્રોલ વાલ્વ મુખ્યત્વે ચાર પ્રકારના હોય છે. જેમાં બટર ફ્લાય વાલ્વ, PVC બોલ વાલ્વ, પોલી પ્રોપીલીન બોલ વાલ્વ, અને ગન મેટલ વાલ્વનો સમાવેશ થાય છે.
એર રીલીઝ વાલ્વ: ઘણી વખત પિયત પમ્પ ચાલુ કરીએ ત્યારે પાણીની સાથે સાથે હવા પણ આપતી હોય છે. આ હવાના નિકાલ માટે એર રીલીઝ વાલ્વનો ઉપયોગ થાય છે. જે મુખ્યત્વે બે પ્રકારના હોય છે.(૧) ફ્લોટિંગ બોલ ટાઇપ અને (૨) ડાયાફ્રામ ટાઇપ
ફિલ્ટર: ફિલ્ટર મુખ્યત્વે બે પ્રકારના હોય છે એક તો પ્રાથમિક અને બીજું માધ્યમિક ફિલ્ટર જેનો ઉપયોગ પિયત પાણીમાં રહેલી અશુધ્ધિઓ દુર કરવા માટે થાય છે.


20 - પ્રાથમિક અને માધ્યમિક ફિલ્ટર ક્યાં વપરાય અને તેનો ઉપયોગ શું છે?

પ્રાથમિક ફિલ્ટરમાં મોટી અશુધ્ધિઓ દુર કરાય છે. જ્યારે માધ્યમિક ફિલ્ટરમાં બારીક અશુદ્ધિ પણ દુર થાય છે.પ્રાથમિક ફિલ્ટર તરીકે મુખ્યત્વે હાઇડ્રો સાઈક્લોન ફિલ્ટર તથા ગ્રાવેલ ફિલ્ટરનો ઉપયોગ થાય છે.જ્યારે માધ્યમિક ફિલ્ટરમાં મુખ્યત્વે ડિસ્ક ફિલ્ટર તથા સ્ક્રીન ફિલ્ટરનો ઉપયોગ થાય છે. ટપક સિંચાઈ પદ્ધતિમાં એક પ્રાથમિક તથા એક માધ્યમિક ફિલ્ટર ફરજીયાતપણે ગોઠવવાની જરૂરિયાત રહેલ છે.


21 - ક્યાં ફિલ્ટરનો ઉપયોગ કેવી પરિસ્થિતિમાં કરી શકાય છે?

હાઇડ્રો સાઈક્લોનફિલ્ટર: જ્યારે આપણે પાણીના સ્ત્રોતમાંથી પાણીની સાથે રેતીના કણો આવતા હોય તેવા કિસ્સામાં હાઇડ્રો સાઈક્લોનફિલ્ટર વપરાય છે.

ગ્રાવેલ ફિલ્ટર: જ્યારે આપણા પાણીનો સ્ત્રોત છીછરો હોય તેવા કિસ્સામાં પાણીમાં લીલ થવાની શક્યતા રહે છે. તદઉપરાંત તેમાં ઝાડના પાન તથા અન્ય અશુધ્ધિઓ પણભળવાની શક્યતા રહેલ હોય છે. જે ટપક સિંચાઈ પદ્ધતિના ડ્રીપરને જામ કરી શકે છે. તેવા કિસ્સામાં ગ્રાવેલ ફિલ્ટરનો ઉપયોગ થાય છે.

સ્ક્રીન ફિલ્ટર:- સ્ક્રીન ફિલ્ટર માધ્યમિક ફિલ્ટર છે. જેનું જોડાણ ખાતર આપવાના સાધન પછી થાય છે. જેમાં એક કાણાવાળા પાઈપની ફરતે બારીક છિદ્રો વાળી સ્ટેઇનલેન સ્ટીલ અથવા ફાઈબરની જાળી લગાવેલ હોય છે. આ પ્રકારના ફિલ્ટરમાં પાણી એક તરફથી બીજી તરફ પસાર થાય ત્યારે તેનું માત્ર સપાટી પરથી જ ગાલણ થાય છે.

ડિસ્ક ફિલ્ટર: ડિસ્ક ફિલ્ટર હાલમાં સૌથી વધારે વપરાતું અને પ્રચલિત માધ્યમિક ફિલ્ટર છે પોલી પ્રોપીલીન મટીરીયલમાંથી બનાવેલ હોય છે. જેમાં બંને બાજુ ખાંચાવાળી ડિસ્ક હોય છે. અને ડિસ્કની બંને બાજુના ખાંચાની દિશા વિરૂધ્ધ હોય છે. તેથી એક ડીસ્ક ઉપર બીજી ડિસ્ક મૂકી આખો એલીમેન્ટ તૈયાર કરવામાં આવે તો ડિસ્કના ખાંચોઓની વચ્ચે બારીક છિદ્રો જેવી રચના થાય છે. આ પ્રકારના ફિલ્ટરમાં પાણી એક તરફથી બીજી તરફ જાય ત્યારે તે ૨૮ જેટલા બારીક છિદ્રોમાંથી પસાર થાય છે. જેથી આવા ફિલ્ટરમાં સપાટી પરથી ફિલ્ટ્રેશન અને ઉંડાઈ ફિલ્ટ્રેશન આવા બે પ્રકારના ફિલ્ટ્રેશન થતા હોય બારીકથી બારીક કણ પણ ત્યાંથી આગળ જઈ શકતો નથી. વધુમાં આવા ફિલ્ટરમાં કંટાઈ જવાની પણ શક્યતા રહેતી નથી.


22 - ટપક સિચાંઈ પધ્ધતિમાં વપરાતા ખાતર આપવાના સાધનો ક્યાં ક્યાં હોય છે?

ટપક સિંચાઈ પધ્ધતિમાં ના મુખ્યત્વે ત્રણ પ્રકારના સાધનો વપરાય છે. પ્રથમ તો વેન્ચ્યુરી બીજું ફર્ટિલાઝર ટેંક અને ત્રીજું ફર્ટિલાઇઝર પમ્પ

વેન્ચ્યુરી: વેન્ચ્યુરી બર્નાલીસ થીઓરમના સિધ્ધાંત પર કાર્ય કરે છે. વેન્ચ્યુરી આવક અને જાવકના પાણીના પ્રવાહના દબાણના તફાવતના આધારે કાર્ય કરે છે. વેન્ચ્યુરીમાં પ્રવેશતા પાણીનું દબાણ વધારે રાખવામાં આવે અને જાવકના પાણીનું દબાણ ઓછું રાખવામાં આવે તો તેવા કિસ્સામાં વચ્ચેના ભાગમાં ખેંચાણ બળ પ્રવર્તે છે. એક પાત્રમાં પાણીમાં દ્રાવ્ય ખાતરોને ઓગાળી વેચ્યુરીમાં ખેંચાણ બળ દર્શાવતી જગ્યાએ એક નળીને તે પાત્રમાં રાખવામાં આવે તો ખાતર સ્વયં કોઇપણ જાતની ઊર્જા આપ્યા વગર તેમાંથી ખેચાય છે. અને પાણીના પ્રવાહ સાથે મિશ્રિત થઇ તે ટપકિયા સુધી પહોચી બહાર નીકળે છે.

ફર્ટિલાઇઝર ટેન્ક:- આ પ્રકારની ટાંકી મુખ્યત્વે કાસ્ટ આયનર્ની બનેલ હોય છે. જેમાં આવકની નવી નળિ તળિયા સુધી લાંબી કરેલ હોય છે.ફર્ટિલાઇઝર ટેન્કમાં ખાતર નાખતા આવકની નળીમાથી આવતું દબાણ યુક્ત પાણી ખાતર સાથે વ્યવસ્થિત રીતે વલોવાઈ જાય છે. અને ટાંકીમાં ધીમે ધીમે ખાતર અને પાણીના મિશ્રણનું સ્તર ઊચું આવતું જાય છે. બીજી બાજુ ટાંકીમાં ઉંચાઈ ઉપર આ દ્રાવણને બહાર કાઢવાની નળીની ગોઠવણ હોય છે. આ દ્રાવણ આ નળી વાટે પાણીના પ્રવાહ સાથે મિશ્રિત થઇ ટપકિયા સુધી પહોંચે છે.

ફર્ટિલાઇઝર પમ્પ: આવા પમ્પને ઈન્જેકશન પમ્પ પણ કહેવામાં આવે છે. જેમ આપણી નસમા ડોક્ટર અમુક રોગના નિવારણ માટે દવાનું ઈન્જેકશન મારે છે અને લોહીમાં આ દવા વ્યવસ્થિત રીતે ભળી જઈ સમગ્ર શરીરમાં પ્રવાહિત થાય છે. તેવી રીતે ફર્ટિલાઇઝર પમ્પની મદદથી ટપક સિંચાઈ પધ્ધતિમાં જતાં મુખ્ય પાણીના પ્રવાહના દબાણ કરતા વધારે દબાણથી ઇલેક્ટ્રોનિક પમ્પ દ્રારા પાણીમાં દ્રાવ્ય હોય તેવા ખાતરને બળપૂર્વક પાણીના પ્રવાહમાં દાખલ કરવામાં આવે છે. જે પાણીમાં સંપૂર્ણ મિશ્રિતથી ટપકિયા સુધી પહોંચે છે. આવા પમ્પમાં વધારાની વીજળીની જરૂરિયાત રહે છે.


23 - હેડ યુનિટમાંથી પસાર થયેલા પાણીમાં કોઈ અશુધ્ધિઓ રહેવાની શક્યતા ખરી ?

આનો જવાબ હા અને ના એમ બે પ્રકારનો છે. જો હેડ યુનિટમાં વપરાતા બંને પ્રકારના ફિલ્ટરને સમયાંતરે સાફ ન કરવામાં આવે તો અશુધ્ધિ રહેવાની શક્યતા છે. પંરતુ જો બને પ્રકારના ફિલ્ટરને વ્યવસ્થિત રીતે સાફ કરવામાં આવે તો પાણીની સાથે કોઇપણ જાતની અશુદ્ધિ જવાની શક્યતા નહિવત છે.


24 - ટપક સિચાઈ પધ્ધતિના ફિલ્ડ યુનિટના ભાગો ક્યા ક્યા હોય છે ?

ફિલ્ડ યુનિટમાં મેઈન લાઈન, સબમેઈન લાઈન, ફિલ્ડ વાલ્વ, ફલશ વાલ્વ, લેટરલ/ ડ્રીપલાઈન, ડ્રીપર, ટેકઓફ, ગ્રોમેટ, કનેકટર, એન્ડ પ્લગ જેવા ભાગોનો સમાવેશ થાય છે.


25 - ટપક સિંચાઈ પદ્ધતિની જાળવણી માટે મુખ્યત્વે ક્યારે ક્યારે કાળજી લેવાની જરૂર પડે છે?

આપણે ટપક સિંચાઈ પદ્ધતિની સમયાંતરે કાળજી લેવાની થતી હોયછે.ટપક પદ્ધતિનો મહતમ લાભ મળી શકે તે માટે તેની વ્યવસ્થિત રીતે અને નિયમિતપણે કાળજી લેવામાં આવે તે અત્યંત જરૂરી છે. ટપક પદ્ધતિની કાળજીમુખ્યત્વે, મોસમની શરૂઆત કરતા પહેલા, દર મહીને, દર અઠવાડિયે, દર રોજ તથા મોસમ પૂરી થયા બાદ કાળજી લેવાની જરૂરિયાત પડતી હોય છે.


26 - ટપક સિંચાઈ પદ્ધતિની મોસમ પહેલા કઈ કઈ કાળજી લેવાની જરૂર પડે છે?

મોસમની શરૂઆત કરતા પહેલા, ટપકસિંચાઈપદ્ધતિને નવી મોસમ માટે તૈયાર કરવામાં આવે છે. મોસમ પહેલાની તપાસ માટે નીચેની વસ્તુઓ આવશ્યક છે.

  • પમ્પીંગ એકમ ની વ્યવસ્થિત સફાઈ કરવી જોઈએ.
  • પંપનુંદબાણ અને નિકાલ દરનીવ્યવસ્થિત તપાસ કરવી જોઈએ.
  • હેડ યુનિટ તથા ફિલ્ડ યુનિટ માંલગાવેલ તમામ વાલ્વ તપાસવા જોઈએ.
  • ફિલ્ટરોને તેમના કાર્ય માટે તપાસવા જોઈએ. જેમાંમુખ્યત્વે, ગ્રેવલ ફિલ્ટરોમાં રેતીના સ્તરની તપાસ કરવા માટે ગ્રેવલ ફિલ્ટર ખોલવા જોઈએ. અસરકારક ગાળણ માટે ગ્રેવલની ધાર પુરતી તીક્ષ્ણ છે કે નહિ તેની તપાસ તપાસ કરવી જોઈએ.
  • સીસ્ટમ અને પંપની ક્ષમતાને આધારે મેઈન લાઈન તથા સબ મેઈન લાઈન દબાણ સાથે ફ્લશ વાલ્વ ખોલી ફ્લશ કરવી જોઈએ.
  • લેટરલોને એન્ડકેપ ખોલી દબાણ સાથે ફ્લશ કરવી જોઈએ.


નિયત દબાણે સિસ્ટમને ચલાવી ડ્રીપર જે પ્રવાહ દરનું છે એ પ્રવાહ દરથી પાણી કાઢે છે કે નહિ, તે સુનિશ્ચિત કરવું જોઈએ.


27 - પમ્પીંગ એકમ માટે અન્ય વિશેષ લેવાની થતી કાળજીઓ.

પમ્પીંગ એકમની લાંબી આવરદા તેમ જ તેની કાર્યક્ષમતા વધારવા માટે મોસમની શરૂઆત પહેલા તેની સર્વિસ કરવી એ અત્યંત મહત્વની બાબત છે. જેમાં, પમ્પ તથા મોટરને ખોલી તમામ ફરતા ભાગોને જરૂરી ઓઈલીંગ અને ગ્રીસિંગ કરી પમ્પ તથા મોટરનાં તમામ જોડાણો સખત રીતે જોડવા જોઈએ. પછી કેબલ ની ચકાસણીકર્યા બાદ મોટર ચાલુ કરી ઇલેક્ટ્રિક પેનલ ખાતે વોલ્ટેજ તથા એમ્પીયર તપાસવા જોઈએ. સાથે સાથે જો પાણી નો સ્ત્રોત છીછરો હોય તો, પ્રવાહમાં દખલરૂપ કોઇપણ દેખીતા અંતરાય, કચરા અને લીલ ને દુર કરવા જોઈએ. પંપનું દબાણ પ્રેસર ગેજની મદદથી જોઈ ડીઝાઈન કરેલ દબાણ સાથે સુસંગત છે કે નહિ તેની ચકાસણી કરવી જોઈએ. આ બધું સુનિશ્ચિત થયા બાદ જ પમ્પીંગ એકમ વ્યવસ્થિત કામ આપે છે તેમ માનવું જોઈએ.


28 - ટપક સિંચાઈ પદ્ધતિની દર મહીને કઈ કઈ કાળજી લેવાની જરૂર પડે છે?

દર મહીને,પંપનો પ્રવાહદર અને તેના આઉટલેટ પર દબાણ તપાસવું જોઈએ. લેટરલ, મેઈન લાઈન તથા સબ મેઈન લાઈન ફ્લશ કરો. (પાણીની ગુણવત્તાના આધારે વધુ અથવા ઓછા સમયગાળે ફ્લશિંગ ની જરૂર પડી શકે છે.) ફિલ્ટરનાં ઇનલેટ અને આઉટલેટ પર દબાણનો તફાવત તપાસવો જોઈએ અને તે સામાન્ય રીત ૦.૪ બાર સુધી હોય તો કોઈ વાંધો નથી એમ સમજવું.


29 - ટપક સિંચાઈ પદ્ધતિની દર અઠવાડિયે કઈ કઈ કાળજી લેવાની જરૂર પડે છે?

દર અઠવાડિયે સેન્ડ ફિલ્ટરને સાફ કરવું જોઈએ. સ્ક્રીન ફિલ્ટરની જાળી અને ડિસ્ક ફિલ્ટર ના એલિમેન્ટ ને ઢીલા કરી તેની યોગ્ય સફાઈ પણ અઠવાડિયામાં એક વાર કરવી જોઈએ. જરૂરીયાત જણાય તો લેટરલ, મેઈન લાઈન તથા સબ મેઈનલાઈન ફ્લશ કરો. ખેતરમાં દરેક શિફ્ટમાં જરૂરી પ્રવાહદર અને કાર્યકારી દબાણ તપાસવું જોઈએ. તમામ લેટરલના છેડા સુધી પાણી પહોંચે છે કે કેમ? એ ખાતરી કરવી જોઈએ..


30 - ટપક સિંચાઈ પદ્ધતિની દરરોજ કઈ કઈ કાળજી લેવાની જરૂર પડે છે?

દરરોજ પાકને પાણી આપતા પહેલા પંપ શરુ કરી સેન્ડ ફીલ્ટર ને બેક વોશ કરવું જોઈએ. બેક વોશ એટલે પાણીના સામાન્ય પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઊંચા દબાણથી પાણી છોડવાની પદ્ધતિ. આમ થવાને કારણે આગલા દિવસે સેન્ડ ફિલ્ટરમાં જે ગંદકી જમા થઇ હશે તે પાણી સાથે ઉપર આવશે અને તેને સરળતાથી દુર કરી શકાશે. સ્ક્રીન ફિલ્ટરના ઢાંકણ ઉપરનો ડ્રેન વાલ્વ ખોલી પાણી વહેવા દેવાથી સ્ક્રીન ફિલ્ટરની ગોળાકાર જાળી ઉપર અને મેની ફોલ્ડમાં જમા થયેલ કચરો સાફ થશે. ટપક પધ્ધતિ ચાલુ કાર્ય બાદ સમગ્ર ખેતરમાં ચક્કર લગાવી ડ્રીપર્સ ચાલે છે, પાણીનું દબાણ બરાબર છે, જમીનમાં ભેજનું પ્રમાણ બરાબર છે કે કેમ, કોઈ પાઈપ કે લેટરલમાં લીકેજ છે કેમ જેવી અનેક બાબતોનું ઝીણવટભર્યું નીરીક્ષણ કરવું જોઈએ. જેથી આવી કોઈ પણ સમસ્યા હોય તો તાત્કાલિક તેનો ઉકેલ લાવી શકાય છે.


31 - ટપક સિંચાઈ પદ્ધતિની મોસમ પૂરી થયા બાદ કઈકઈ કાળજી લેવાની જરૂર પડે છે?

મોસમ પૂરી થયા બાદ ખેતરમાં પાથરેલી લેટરલ ને વાઈન્ડર ની મદદથી સંકેલી એવી જગ્યા એ ખુલ્લામાં મુકો. લેટરલ માંથી પાણી સંપૂર્ણ પણે નીકળી ગયેલ છે કે કેમ? એ સુનિશ્ચિત કરો જેથી કરીને ઉંદર દ્વારા લેટરલ ને કાતરવાનો પ્રશ્ન નિવારી શકાય.


32 - ઉંદર થી લેટરલ ને કેવી રીતે બચાવી શકાય?

ઉંદરથી લેટરલને બચાવવા માટે આયોજન આવશ્યક છે. મોસમની શરૂઆત પહેલા, ખેતરમાં ઉંદરોવાળા વિસ્તારોને ઓળખીને તે વિસ્તામાં આયોજન બદ્ધ પગલાં લેવા જોઈએ. શેઢા પાળે રહેલ ખડ, નીંદણ અને કચરાને દૂર કરીને ખેતરની આસપાસ બફર ઝોન બનાવો. ઉંદર નાં દરમાં દવા મૂકી દર પૂરી દેવું જોઈએ. મોસમની શરૂઆતનાં એકઅઠવાડિયા સુધી વિવિધ સંભવિત જગ્યાએ પિંજારા મુકવાથી ફાયદો થઇ શકે. ત્યારબાદ ઉંદર નિયંત્રણ માટે વપરાતા રસાયણો સીસ્ટમ માં ઈન્જેકટ કરી શકાય. મોસમ પૂરી થયા બાદ લેટરલ ખુલ્લામાં રાખી યોગ્ય ઉંદર્નાશક દવાના ઉપયોગથી લેટરલને ઉંદરથી બચાવી શકાય છે.


33 - સુક્ષ્મ પિયત પદ્ધતિઓમાં ક્યાં ક્યાં ખાતર સાથે આપી શકાય અને ક્યાં નહિ?

સુક્ષ્મ પિયત પદ્ધતિઓમાં ક્યાં ખાતર સાથે આપી શકાય અને ક્યાં નહિ એની માહિતી નીચે મુજબ છે.

ખાતરનું નામ યુરીયા એમોનીઅમ નાઇટ્રેટ એમોનીઅમ સલ્ફેટ કેલ્સીઅમ નાઇટ્રેટ MAP MPP પોટેશીયમ નાઇટ્રેટ
યુરીયા - હા હા હા હા હા હા
એમોનીઅમ નાઇટ્રેટ હા - હા હા હા હા હા
એમોનીઅમ સલ્ફેટ હા હા - અંશત: હા હા અંશત:
કેલ્સીઅમ નાઇટ્રેટ હા હા અંશત: - ના ના હા
MAP હા હા હા ના - હા હા
MPP હા હા હા ના હા - હા
પોટેશીયમ નાઇટ્રેટ હા હા અંશત: હા હા હા -


34 - બજારમાં ઉપલબ્ધ પાણીમાં દ્રાવ્ય હોય તેવા ખાતરો ક્યાં ક્યાં છે?

યુરીયા, એમોનીઅમ નાઇટ્રેટ, એમોનીઅમ સલ્ફેટ, કેલ્સીઅમ નાઇટ્રેટ, મોનો એમોનીઅમ ફોસ્ફેટ, મોનો પોટેશીયમ ફોસ્ફેટ, પોટેશીયમ નાઇટ્રેટ, મ્યુરેટ ઓફ પોટાશ (સફેદ રંગનો) વગેરેબજારમાં ઉપલબ્ધ પાણીમાં દ્રાવ્યખાતરો છે


35 - જમીનમાં ભેજ સંગ્રહ વધારવા કઈ કઈ રીતો છે ?

જમીનમાં ભેજ સંગ્રહ વધારવા સમોચ્ચ પાળા બાંધવા, સમયસર ખેડ કાર્યો કરવા, ઉંડી ખેડ કરવી, પાકનું વાવેતર ઢાળની વિરૂધ્ધ દિશામાં કરવુ, સેન્દ્રીય ખાતરનો ઉપયોગ કરવો, જમીન ઉપર આવરણનો ઉપયોગ કરવો, પટૃી પધ્ધતિનું વાવેતર કરવુ, પવન અવરોધો ઉભા કરવા, નિંદામણ નિયંત્રણ સમયસર કરવું તથા જરૂરીયાત મુજબ આંતર ખેડ કરી જમીનમાં ભેજ સંગ્રહ શકિત વધારી શકાય છે.


36 - સમોચ્ચ પાળા કઈ રીતે બનાવવામાં આવે છે ?

સામાન્ય રીતે ૦.પ મીટર ટોચ પહોળાઈ, ર.૦ મીટર પહોળો અને ૦.૮ મીટર ઉંચાઈના આવા પાળા સરખી ઉંચાઈએ ઢાળથી આડી દિશામાં ૧પ થી પ૦ મીટરના અંતરે નજીકમાંથી જમીનમાંથી માટી લઈ બનાવવામાં આવે છે.

બે પાળા વચ્ચેની જગ્યામાં ર૪ કલાક નો વધુમાં વધું વરસાદ સમાય જાય તે રીતે ડીઝાઈન કરવામાં આવે છે. જે ર૪ કલાકમાં જમીનમાં ઉતરી જાય છે.

સમોચ્ચ પાળા સામાન્ય રીતે જો જમીનનો ઢાળ ર થી ૬ ટકા હોય, વાર્ષિક વરસાદ ૬૦ સેમી કરતા ઓછો હોય અને જમીન પુરતી નિતારવાળી શકિત વાળી હોય તો જ અપનાવવામાં યોગ્ય છે.

અતિ ભારે કાળી જમીન કે જેમાં ભેજના વધઘટ સાથે ફુલતી હોય કે સંકોચાતી હોય તેમાં અપનાવવા યોગ્ય નથી. આવી જમીનના પાળામાં સુકાતા ભીરાડો પડે છે જે વરસાદનું પાણી ભરાતા પાળા તુટવા લાગે છે.


37 - જમીન ઉપર આવરણનો ઉપયોગ કરવાથી શો ફાયદો થાય છે?

બાષ્પીભવનથી જમીન માંથી ઉડી જતો ભેજ અટકાવવા આર્થિક રીતે પોષાય તેવી ખેતીવાડીની આડ પેદાશ જેવી કે બાજરીની કડબ, ડાંગરનું પરાળ, ઘઉંનું કુવર, મગફળીની ફોતરી તેમજ અન્ય કચરાપુંજાનો ઉપયોગ કરવાથી જમીનમાં રહેલો ભેજ સુર્ય તાપની ગરમીથી બાષ્પીભવન ધ્વારા ઉડી જતો હોય છે તે અટકાવી શકાય.

જમીનમાં શોષણ થયેલ કુલ પાણીના ૬પ% પાણી બાષ્પીભવનથી ઉંડી જતુ હોય છે. આ રીતે થતો જમીનના ભેજનો નાશ જમીન ઉપર આવરણનો ઉપયોગ કરવાથી અટકાવી વધુ ભેજ સંગ્રહ કરી શકાય.

બીજુ ખરીફ જુવાર અને બાજરીની કાપણી થયા પછી ખેડૂત ખેતરનું ખેડાણ કરે છે અને પાકનો વધેલ કચરો/ચારો ખેતરમાં જ રહેવા દે તો તેના ફાયદામાં જમીનમાં પાણી ઉતરવાની ગતીમાં વધારો થાય છે. વહી જતા પાણીની ગતીમાં ઘટાડો થાય છે.

વરસાદના છાંટાનો જમીન પર પડતા મારમાં ઘટાડો થાય છે, જેથી માટીના ધોવાણમાં ઘટાડો થાય છે. માટીનુ બંધારણમાં સુધારો થાય છે.


38 - પટૃી પધ્ધતિનું વાવેતર કઈ જગ્યા એ કરવામાં આવે છે ?

જયાં પ્રમાણમાં વધુ ઢાળવાળી જમીન હોય તેવી જમીનમાં એક પાક ચોકકસ અંતરે એવા પ્રકારનો લેવો જોઈએ કે જે જમીન ઉપર પથરાઈ જઈને આવરણનું કામ કરે.

આ વાવેતર પધ્ધતિમાં ઢાળ પ્રમાણે હારોનું વાવેતર પટ્ટીના રૂપમાં કરવામાં આવે છે.

દા.તા. બાજરીની છ હાર પછી આડી મગફળીની એટલી જ હારોનું વાવેતર કરી પટ્ટીઓ બનાવવામાં આવે છે. આમ વાવેતર કરવાથી આડી મગફળી જમીન ઉપર પથરાઈ જઈને આવરણનું કામ કરે છે. જેથી વરસાદના સમયે માટીનું ધોવાણ ઓછું થાય છે. અને ભેજ વધુ સંગ્રહ થાય છે.


39 - ઢાળની વિરૂધ્ધ દિશામાં પાકનું વાવેતર કરવાથી શો ફાયદો થાય છે?

પાકનું વાવેતર ઢાળની વિરૂધ્ધ દિશામાં કરવાથી ચોમાસા દરમ્યાન વરસાદના પાણીના વેગ રોકશે તેમજ પાણી જમીનમાં વધુ પચશે.

તદ ઉપરાંત માટીનું ધોવાણ પણ અટકાવશે.


40 - રેતાળ તેમજ કાંપવાળી જમીનમાં સેન્દ્રીય ખાતરનો ઉપયોગ કરવાથી શો ફાયદો થાય છે?

જમીનની ભેજ ધારણ શકિત વધારવા દરેક પ્રકારની જમીનમાં સેન્દ્રીય ખાતર ઘણું ઉપયોગી બને છે.

આવા ખાતરો જમીનમાં ઉમેરવાથી જમીનનું બંધારણ સુધરે છે. રેતાળ જમીનમાં રજકણોનું માપ મોટુ હોય છે. તેથી દરેક રજકણો વચ્ચેની જગ્યા વધુ હોય છે. તેમાં સેન્દ્રીય ખાતરો ઉમેરવાથી તેના નાના નાના રજકણો રેતાળ જમીનના મોટા રજકણોની વચ્ચે આવી જાય છે.

અને માટીયાળ કાંપાવાળી જમીનના રજકણોનું માપ ખુબજ નાનુ હોય છે. તેમાં સેન્દ્રીય ખાતરના રજકણોનો ઉમેરો થતાં ખુબજ નજીકમાં આવેલા માટીના રજકણો વચ્ચેનું અંતર વધે છે. અને કેશાકર્ષિત નળીઓનો વિસ્તાર વધે છે.

આમ રેતાળ તેમજ માટીયાળ અને કાંપવાળી જમીનની ભેજ સંગ્રહ શકિત વધે છે. અને જમીનમાં પાણી ઉંડે ઉતરી જવાને બદલે છોડના મૂળ વિસ્તારમાં જળવાઈ રહે છે.


41 - નિંદામણ નિયંત્રણ સમયસર કરવાથી શો ફાયદો થાય છે?

નિંદામણો જમીનમાંથી ભેજ, પોષકતત્વો, પ્રકાશ, હવા અને જગ્યા માટે પાકની સામે સતત હરીફાઈ કરતા રહે છે.

વળી મોટાભાગના નિંદામણો એવા છે કે જેનો “ઉત્સવેદન આંક અગત્યના ખેતી પાકોના ઉત્સવેદન આંકની સરખામણીમાં ર થી ૩ ગણો વધારે હોય છે. આમ નિંદામણને પાણીની જરૂરીયાત ખૂબજ રહેતી હોઈ, સમયસર નિંદામણ નિયંત્રણ કરવાથી જમીનમાં વધુ પ્રમાણમાં ભેજ જળવાઈ રહે છે.

સાથે સાથે જરૂરીયાત મુજબ આંતર ખેડ કરવી જોઈએ જેથી ઉભા પાકમાં આંતરખેડ કરવાથી જમીન છુટી પડી ઉપરનું પડ ભરભરું બને છે. કેશાકર્ષિત નળીઓ ધ્વારા બાષ્પીભવનથી ઉડી જતો જમીનનો ભેજ અટકાવી શકાય છે.

કઠણ અને દબાયેલી જમીન ઉપરથી વરસાદ અને પિયતનું પાણી વહી જાય છે. તે અટકાવવા માટે આ રીતે ખેડ થવાથી જમીન પરથી વહી જતુ પાણી જમીનમાં વધુ પચે છે. અને જમીનમાં ભેજ વધુ સંગ્રહ થાય છે.


42 - તળાવના કાંપના ઉપયોગથી શો ફાયદો થાય છે?

સિમાંત અને મોટા ખેડૂતો કે જેમની પાસે પોતાની ટ્રાન્સપોર્ટની સુવિધા હોય તો, હલકી જમીનમાં આ પધ્ધતિનાં ઉપયોગથી પાકના ઉત્પાદનમાં વધારો જોવા મળે છે.

જયારે તળાવ ખાલી હોય છે અને ટ્રાન્સપોર્ટ અને મજુર સહેલાઈથી મળી રહે ત્યારે કાંપને તળાવમાંથી નીકાળવમાં આવે છે.

પછી ટ્રેકટર-ટ્રોલી અથવા બળદ ગાડાથી ખેતર સુધી લાવવામાં આવે છે.

આ કાંપ ખેતરમાં ર૦-૩૦ ટન પ્રતિ હેકટરના હિસાબે નાખવામાં આવે છે અને ઉપરનો ૩૦ સેમી. માટી સાથે સાંતિથી એકરૂપ કરવામાં આવે છે.

તેના ફાયદામાં માટીનું ધોવાણ થતું અટકાવે છે, માટીમાં પોષક તત્વોના પ્રમાણમાં વધારો કરે છે તથા પાણી સંગ્રહ કરવાની ક્ષામતામાં વધારો કરે છે.


43 - ભૂગર્ભજળ સંચય એટલે શુ ?

ભૂગર્ભજળ સંચયના બે પ્રકાર છે

કુદરતી ભૂગર્ભજળ સંચય: વરસાદનું પાણી સીધુ જમીનમા ઉતારવાની પ્રક્રિયા

કૃત્રિમ ભૂગર્ભજળ સંચય: ભૂગર્ભજળ સ્તરને રીચાર્જ કરવા કુદરતી રીચર્જ દર કરતા વધારે દરે ભૂગર્ભજળ સ્તરને રીચાર્જ કરવાની પ્રક્રિયા.


44 - ભૂગર્ભજળ સંચયની જરૂરિયાત શું છે ?

તેનાથી ભૂગર્ભજળ ઘટ પૂરી શકાય છે

ભૂગર્ભજળ સ્તરને ઉડા ઉતરતા રોકી શકાય છે

ભૂગર્ભજળની ગુણવતા સુધારી શકાય છે

ખેત ઉત્પાદન વધારી શકાય છે


45 - ભૂગર્ભજળ સંચયની પદ્ધતિઓ કઈ કઈ છે?

ભૂગર્ભજળ સંચયની પદ્ધતિઓ ખાસ કરીને સ્થાનિક ભૌગોલીક પરિસ્થિતી, ભૂસ્તર, વરસાદ અને પ્રકાર વગેરે ઉપર અધાર રાખે છે.

ભૂગર્ભજળ સંચયની અગત્યની પદ્ધતિઓ જોઇએ તો આ પ્રમાણે છે

અ) ઉપલા ભૂગર્ભજળ સંચય પદ્ધતિઓ :

1. રીચાર્જ બેઝિન 2) ચેક ડેમ ૩) ખેત તલાવડી 4) પીટ ૫) શાફટ ૬) છાપરાના પાણીથી ભૂગર્ભજળ સંચય

બ) નીચલા ( ઉંડા) ભૂગર્ભજળ સંચય પદ્ધતિઓ :

1. ખુલ્લા કુવા અને 2) ટ્યુબવેલ થી ભૂગર્ભજળ સંચય


46 - ઉપલા ભૂગર્ભજળ સંચય પદ્ધતિઓ નાં ફાયદાઓ શું છે?

આ પદ્ધતિઓથી સપાટીનું જળ સંચય થાય છે સાથે ખુટતું પીયત પાણી આપી શકાય છે.

બેજીન પદ્ધતિ ચેક ડેમ કરતા સસ્તી છે

ખેત તલાવડી પોતાના જ ખેતરમાં બાંધવામાં આવે છે

શાફટ ખુબજ સસ્તી છે


47 - નીચલા ભૂગર્ભજળ સંચય પદ્ધતિઓનાં ફાયદાઓશું છે?

જમીનનો બગાડ થતો નથી

ભૂગર્ભજળ સ્તર વીતરણ સીસ્ટમ છે

પાણી પ્રદુષિત થતું નથી

ખુબજ સસ્તી છે


48 - ભૂગર્ભજળ સ્તર વીતરણ સીસ્ટમ એટલે છું ?

એટલે કુદરતી પાણીની વહેચણી એક કુવા થી બીજા કુવા સુધી ભુગર્ભજળ માર્ગે થાય છે, જેનો કોઇ ખર્ચ થતો નથી


49 - નીચલા (ઉંડા) ભૂગર્ભજળ સંચય પદ્ધતિઓ કઈ કઈ છે?

નીચલા (ઉંડા) ભૂગર્ભજળ સંચય પદ્ધતિઓની વિગત આ પ્રમાણે છે

ખુલ્લા કુવા અને 2) ટ્યુબવેલ થી ભૂગર્ભજળ ભૂગર્ભજળ સંચય

આ પદ્ધતિમા રેતીનું ફિલ્ટર મૂકવું ફરજીયાત છે.

આ પદ્ધતિમા ઓનલાઇન ફિલ્ટરમાથી સ્રાવ વિસ્તારનું પાણી પસાર કરી તેમા રહેલા માટીના કણો ગાળિને ટ્યુબવેલમાં ઉતારવામા આવે છે.

ટ્યુબવેલથી ભૂગર્ભજળ રિચાર્જ કેટલો થશે તે કુવાની રીચાર્જ ક્ષમતા ઉપર આધાર રાખે છે.

આ ક્ષમતાના આધારે ઓન-લાઇન ફિલ્ટર સાઇઝ અને ડીઝાઇન નક્કી કરવામા આવે છે.


50 - ઓન-લાઇન રીચાર્જ ફિલ્ટરની ડીઝાઇનના માપ કેટલા હોય?

સ્તર નં આઇટમ સાઇઝ મીમી ફિલ્ટર બાંધકામ માટે રેતીનાં સ્તરોની જાડાઈ, સે.મી.
જીણી રેતી સાઈઝ : 0.5 મીમીથી 1 મીમી 20
બરછટ રેતી સાઈઝ : 2 થી 3 મીમી 5
નાના કાંકરા સાઈઝ : 8 થી 12 મીમી 20
મોટા કાંકરા સાઈઝ : 30 થી 40 મીમી 20
મોટા કાંકરા સાઈઝ : 30 થી 40 મીમી 20
સહાયક પત્થરો સાઈઝ : 80 થી 120 મીમી 25


51 - ઉપલા ભૂગર્ભજળ સંચય પદ્ધતિઓ કઈ કઈ છે?

ઉપલા ભૂગર્ભજળસંચય પદ્ધતિઓ આ પ્રમાણે છે.

રીચાર્જ બેઝિન : નીચાણ વાળા ખરાબાની જમીનની બાજુઓને માટીનો પાળાથી બાંધી અને વધારાના પાણી નિકાલનો પાકો કાઢિયો મુકી બનાવવામા આવે છે.

ચેક ડેમ: નદી, નાળાના સાકળા ગાળાની આડે પાકો બંધ બાન્ધી બનાવવામા આવે છે

ખેત તલાવડી : ખેતરમા ખોદકામ કરી નીચાણવાળા વિસ્તારમા બનાવવમાં આવે છે.

શાફ્ટ હોય તો જે રીચાર્જ (કલે) પાણીના સંગ્રહ સ્થાનના તળિયે મોટા વ્યાસનો બોર કરી ફરી પથ્થરથી ભરવાથી પાણી ખુબ મોટા પ્રમાણમાં રીચાર્જ થાય છે. જેને શાફ્ટ કહેવાય છે.

છાપરાના પાણીથી ભૂગર્ભજળ સંચય પધ્ધતિમાં છાપરાનું પાણી પાઈપથી કલેક્ટ કરી બોરમાં ઉતારવામાં આવે છે કે ભૂગર્ભ ટાંકામાં સંગ્રહવામાં આવે છે.


52 - રિમોટ સેન્સિંગ એટલે શું?

સેટેલાઈટ ટેક્નોલોજીનો ઊપયોગ કરી કોઈ વિસ્તાર કે વસ્તુની નજીક આવ્યા વગર, સ્પર્શ કર્યા વગર, દુરથી, તે વિસ્તાર કે વસ્તુની જાણકારી મેળવવાની પ્રક્રિયા એટલે રિમોટ સેન્સિંગ. સેટેલાઇટ, ડ્રોન, વિમાન વગેરેમાં ગોઠવેલ કેમેરા દ્વારા વિસ્તારના ફોટોગ્રાફ લેવામાં આવે છે.


53 - રિમોટ સેન્સીંગથી પાકમાં પોષક તત્વોની ઉણપ કઈ રીતે જાણી શકાય?

રીમોટ સેન્સીંગ દ્વારા મોટા વિસ્તારની વિવિધ તરંગ લંબાઈમાં લીધેલ ફોટોગ્રાફની મદદથી આ ક્ષેત્રમાં પાકના પર્ણના કલરની પરિસ્થિતિ જાણી શકાય છે, તેમાં રહેલ પોષક તત્વોની ઉણપ જાણી શકાય છે.


54 - રિમોટ સેન્સીંગ પાકની પરીસ્થિતિ અને આરોગ્ય જાણવામાં કઈ રીતે ઉપયોગી થઇ શકે છે?

પાકની પરીસ્થિતિ, પાકનું આરોગ્ય જાણવા માટે રીમોટ સેન્સીંગ દ્વારા મેળવવામાં આવતા વિવિધ તરંગ લંબાઈના ફોટોગ્રાફ્સનો ઉપયોગ વનસ્પતિ ગુણોત્તર/ઇન્ડેક્સની ગણતરી કરવામાં આવે છે. જે વિસ્તારમાં વનસ્પતિ ગુણોત્તર/ઇન્ડેક્સ વધારે હોય, પાકની પરીસ્થીતી, આરોગ્ય સારુ હોય.


55 - રિમોટ સેન્સીંગ પાકમાં રોગ અને જીવતમાં કઈ રીતે ઉપયોગી થઇ શકે છે?

ફૂગ દ્વારા પાંદડાના હરિતદ્રવ્યનો નાશ અને પાનના લીલા રંગમાં ફેરફાર થાય છે.જે રિમોટ સેન્સીંગ દ્વારા લેવામાં આવતી ઈમેજ/ફોટોગ્રાફ દ્વારા જાણી શકાય.રિમોટ સેન્સીંગના આ ઉપાયો જયારે મોટા વિસ્તારમાં મોટા પાયે પાકમાં રોગ અને જીવતનું આક્રમણ થાય ત્યારે વધારે ઊપયોગી થઈ શકે છે.


56 - પાક ઓળખવામાં અને પાક ઉત્પાદનનું અંદાજ આકવામાં રિમોટ સેન્સીંગ કઈ રીતે ઉપયોગી થઇ શકે છે?

રિમોટ સેન્સીંગ દ્વારા લેવામાં આવતી ઈમેજ/ફોટોગ્રાફથી પાકની પરિસ્થિતિ જાણી, અલગ અલગ આબોહવાકીય પરિબળોને આધારિત સોફ્ટવેર આધારિત સુત્રો દ્વારા ઉત્પાદનનો અંદાજ કરી શકાય છે.


57 - જળસ્ત્રાવ વ્યવસ્થાપન પ્લાનિંગમાં રિમોટ સેન્સિંગ કઈ રીતે ઉપયોગી થઇ શકે?

રિમોટ સેન્સિંગની મદદથી જળસ્ત્રાવ વિસ્તારના નકશા બનાવવા આવે છે જેમા: ઉપલબ્ધ કુદરતી સંસાધનો, ઉપરાંત વિસ્તારમાં ક્યાં ક્યાં સંસાધનો બનાવી શકાય છે તે સ્થળ નિરીક્ષણ સાથે નકશામાં દર્શાવી શકાય છે. નકશામાં વિવિધ અન્ય માહિતીઓમાં જંગલ વિસ્તાર, ખેતી આધારિત વિસ્તાર, ખેતી લાયક જમીન, પડતર વિસ્તાર, ચેકડેમ, તળાવ, નદી, ગામતળ, વગેરે દર્શાવેલા હોય છે.


58 - જળ અને જમીન સંરક્ષણની વિવિધ પદ્ધતિઓના આયોજનમાં રિમોટ સેન્સિંગ કઈ રીતે મદદ કરી શકે?

રિમોટ સેન્સિંગ દ્વારા વિવિધ નકશાઓમાં વિસ્તારનો નકશો કે જેમાં કેટલા વિસ્તારમાં કઈ કઈ જમીન આવેલી છે, કેવી જમીન આવેલી છે, જંગલ વિસ્તાર, ખેતી ને લાયક વિસ્તાર, પડતર જમીન, ગામતળ, નદી-નાળા વગેરે. નકશાના આધારે વૃક્ષોનું વાવેતર, ટ્રેન્ચિંગ, ખેતરપાળા, ખેત તલાવડી, કરવાનું આયોજન કરી શકાય છે.


59 - પાણી સંગ્રહના સ્ટ્રક્ચર એટલે કે ડેમ, તળાવ વગેરેની સાઈટ/જગ્યા નક્કી કરવામાં રિમોટ સેન્સિંગ શું ફાળો આપી શકે તે જાણવો.

જળ સ્ત્રાવ વ્યવસ્થાપનમાં તળાવ, ડેમ વગેરે ની જગ્યા નક્કી કરવા, તેની ડિઝાઇન બનાવવામાં, કેટલા વિસ્તાર માંથી, કેટલું પાણી આ ડેમમાં આવી શકે તેની આકારણી કરવા, તેમજ ડેમમાં કેટલું પાણી સંગ્રહ થઈ શકશે તે જાણવામાં પણ રિમોટ સેન્સિંગ ઉપયોગ થઈ શકે છે.


60 - ભૂગર્ભજળ રિચાર્જમાં રિમોટ સેન્સિંગ કઈ રીતે મદદરૂપ થઇ શકે?

જળસ્ત્રાવ વિસ્તારમાં ભૂગર્ભજળ રિચાર્જ થવાની શક્યતા વાળા વિસ્તારને વિસ્તારની ઓળખવા માટે નકશો બનાવી શકાય છે.આ નકશામાં જ્યાં રેતાળ જમીન, ઓછા ઢાળવાળી જમીન, ગાઢ જંગલ વાળી જમીન વિસ્તાર ઓળખી શકાય છે. આવા વિસ્તારમાં યોગ્ય જગ્યા પસંદ કરી, ભૂગર્ભજળ રિચાર્જ ના સ્ટ્રક્ચર બનાવવામાં આવે તો વધારેમાં વધારે ભૂગર્ભજળને રિચાર્જ કરી શકાય છે.


61 - જળસ્ત્રાવ વ્યવસ્થાપનની વિવિધ કામગીરીનું મૂલ્યાંકન કરવામાં રિમોટ સેન્સિંગ કઈ રીતે ઉપયોગી છે?

વિવિધ જમીન અને જળ સંરક્ષણના,જમીન ધોવાણ અટકાવવાના, જળ સંગ્રહ-વોટર હાર્વેસ્ટિંગના, ભૂગર્ભજળ રિચાર્જ વગેરેના સ્ટ્રક્ચરનું આયોજન પ્રમાણે અમલીકરણ કર્યા પછી, તેનું ક્યાં, કેટલો અને કેવી રીતે ફાયદો થયો છે તે જાણવામાં પણ રિમોટ સેન્સિંગ ઉપયોગી છે. જેના માટે જળસ્ત્રાવ વ્યવસ્થાપન યોજના અમલીકરણ થયા પહેલાના અને અમલીકરણ થયા પછીના સેટેલાઈટ થી લીધેલા ફોટોગ્રાફ્સની સરખામણી કરવામાં આવે છે.


62 - જળ સંચય એટલે શું? અને કેવી રીતે થાય?

જળ સંચય એટલે પાણીનો સંગ્રહ માત્ર આપણો દેશ જ નહી, પણ વિશ્વના બધા દેશોમાં માનવની જરૂરીયાત મુજબ વરસાદ પડતો નથી. આથી કુદરતે આપેલ વરસાદના પાણીનો આખા વર્ષ દરમ્યાન તમામ ક્ષેત્રોમાં જેમ કે ઘર વપરાશ, ઉદ્યોગો અને ખેતી માટે ઉપલબ્ધ કરવા માટે જળ સંચય જરૂરી છે.

૧) કુદરતી
૨) માનવ દ્વારા
જ્યારે વરસાદ પડે ત્યારે વરસાદનું પાણી જમીનની સપાટી પર પડે છે. જે જમીનમાં સંગ્રહ થતા થતા વધારાનું પાણી ભૂગર્ભજળ સુધી પહોંચે છે. અને જમીનની સપાટી પર વહીને જતું પાણી નદી નાળામાં વહીને જમીનમાં ઉતરે છે. ઉપ્રનત કુદરતી ખાડામાં પાણી ભરાઈને પણ જમીનમાં ઉતરે છે. કુદરતી સરોવરમાં પણ વરસાદના પાણીનો સંગ્રહ થાય છે. જેમાંથી અમુક ભાગ ભૂગર્ભ માધ્યમાં પણ ઉતરીને સંગ્રહ થાય છે.

કુદરતી રીતે જળસંચયમાં માનવ દ્વારા કરવામાં આવતા પ્રયાસોથી વધારો કરી શકાય છે. જેમ કે વહેતા પાણી આડે બંધ પાળા, કુવામાં ઉતારીને રીચાર્જ દ્વારા વગેરે.


63 - માનવા દ્વારા શા માટે જળ સંચય કરવાની જરૂરિયાત ઉભી થયેલ છે.

આજકાલ વધતી જતી વસ્તી, જીવન ધોરણમાં વધારો, પાણી વપરાશમાં વધારો જેવા માનવ પ્રેરિત પરિબળો તેમજ કુદરતી પરિબળો જેમ કે વાતાવરણ બદલાવાને કારણે વરસાદની સમય અને પ્રમાણમાં અનિશ્ચિતતા તેમજ વૈશ્વિક ગરમાવોને કારણે પાણીની માંગ વધતા જળ સંચયની જરૂરીયાત ઉભી થયેલ છે.


64 - માનવ દ્વારા જળ સંચય કેવી રીતે થાય?

જળ સંચય માટે ઘણી તકનીકો છે. જેમાં

૧) ગ્રામ્ય સ્તરે ખેતી માટે

૨) શહેરી વિસ્તાર માટે – ઘર વપરાશ/ઉદ્યોગો.

આજકાલ શહેરીકરણ વધતા પાણીની ખુબજ અછત ઉભી થયેલ છે. એટલે સૌ પહેલા શહેરી વિસ્તારોની વાત કરીએ. શહેરી વિસ્તારોમાં પાણી વિતરણ સામાન્ય રીતે ડેમના જળ સંગ્રહમાંથી થાય છે. એટલે આવા જળસ્ત્રોતો તો સરકાર દ્વારા બાંધવામાં આવતા હોય છે. પણ લોકો દ્વારા પણ જળ સંચય કરીને પાણી વિતરણ પરનો આધાર ઘટાડી શકાય છે. આવા સપાટી પરના જળ સ્ત્રોતોના પાણીની સપાટી પર સીટાઈલ આલ્કોહોલ જેવા પેટ્રોલીયમ કુળનું પદાર્થનું એક પાતળું સ્તર કરવાથી પણ બાષ્પીભવન દ્વારા થતો વ્યય અટકાવવો જોઈએ.


65 - શહેરી વિસ્તારના લોકોને પંચાયત કે પાલિકા દ્વારા થતા પાણી વિતરણના આધાર કેવી રીતે ઘટાડવો જોઈએ?

શહેરી વિસ્તારના લોકો માટે પાણીની અછત નિવારવા માટે કેટલાક ઉપાયો કરવા જોઈએ જેમ કે

૧)ઘરમાં/ફળિયામાં ભૂગર્ભ ટાંકો બનાવીને તેમાં છત પરથી આવતું પાણીનો સંગ્રહ કરવો જોઈએ જેથી કરીને આખા વર્ષ દરમ્યાન પીવા માટે/ઘર વપરાશ માટે એકદમ શુદ્ધ પાણી મળી રહે. ભૂગર્ભ ટાંકો સામાન્ય રીતે પહેલા વરસાદ બાદ અગાશી સાફસુફ કરીને બાદ જ બીની વરસાદના પાણીનો સંગ્રહ કરવો જોઈએ. ભૂગર્ભ ટાંકો ભરાય જાય પછી વરસાદનું પાણી ટ્યુબવેલ/ બોરવેલમાં ઉતારીને રીચાર્જ કરવું જોઈએ.

૨) રહેણાંક કે ઔદ્યોગિક વિસ્તારના રોડની બને સાઈડ સિમેન્ટ ક્રોંકીટ કે પેવર બ્લોક પાથરીને જે પાકા બનાવવામાં આવે છે તેની જગ્યાએ ઉપરની ફૂટ/અર્ધો ફૂટ માટી કાઢીને તેમાં જાડી રેતી /કાંકરા ભરીને રોડ પરથી વહી જતા પાણીને જમીનમાં ઉતારવું જોઈએ.

૩) સોસાયટીના કોમન પ્લોટમાં પણ આવી રીતે વરસાદના પાણીને જમીનમાં ઉતારવું જોઈએ.

૪) ઘર વપરાશનું વપરાયેલું પાણીને સીધું ગટરમાં વહાવી દેવાને બદલે શોષ ખાડામાં નાખવાથી ભૂગર્ભ જળ રિચાર્જમાં ઉમેરો થાય છે. ભૂગર્ભ ગટરનું તળિયું ખાસ કરીને મેન હોલની જે કુંડી હોય તેનું તળિયું પાકું ન કરતા તેનાથી ગટરનું અમુક પાણી જમીનમાં ઉતારી શકાય છે.

૫) આજકાલ પાણીની ખુબજ અછત હોય તેનો બિન જરૂરી ઉપયોગ ન કરતા કરકસર પૂર્વક તેનો ઉપયોગ કરવો જોઈએ.


66 - ગ્રામ્ય સ્તરે જળ સંચય કેવી રીતે કરવું જોઈએ?

ગ્રામ્ય સ્તરે ખેતીમાં સિંચાઈ માટે પાણીની ખુબજ જરૂરિયાત રહે છે. મારા અંદાજ મુજબ કુલ પાણી વપરાશના ૮૦% કરતા પણ વધુ પાણી પિયતમાં વપરાઈ જાય છે.

આથી ખેતીને ટકાવવા માટે જળ સંચય ખુબજ જરૂરી છે. આપણા વિસ્તારમાં વરસના ખુબજ થોડા દિવસોમાં વરસાદ પડે છે. આથી વરસાદ નદી-નાળા દ્વારા દરિયામાં વહી જાય છે. આ માટે “ખેતરનું પાણી ખેતરમાં” સીમનું પાણી સીમમાં અને ગામનું પાણી ગામમાં જ રોકીને જળ સંચય કરવું જોઈએ.
જે માટે જળ સંચય ત્રણ રીતે કરી શકાય છે.
૧) ખેતરનું પાણી ખેતરમાં જ રોકી દેવું
૨) ખેતર માંથી બહાર વહી જતું પાણી નદી-નાળામાં નાના મોટા પત્થરના આડ-બંધ, ચેકડેમ કે માટીના આડબંધ દ્વારા રોકીને જળ સંચય કરવું જોઈએ.
૩)ખેતરમાંથી વહી જતા કે નદી નાળાના પાણીને વૈજ્ઞાનિક અભિગમથી બનાવેલ ફિલ્ટર દ્વારા ગાળણ કરીને કુવા કે બોરમાં ઉતારીને ભૂગર્ભજળ રીચાર્જ કરવું જોઈએ.


67 - ખેતરનું પાણી ખેતરમાં જ કેવી રીતે રોકી શકાય?

જે માટે ખેડૂતોએ

ઉનાળામાં ચોમાસા પહેલા ઊંડી ખેડ કરવી જોઈએ.

ચાસ ખુલા રાખવા જોઈએ.

ખેતરમાં જરૂરી કોહવાયેલ સેન્દ્રીય ખાતર, મોરમ, રેતી નાખવું જોઈએ.

ખેતર સમતલ બનાવવું.

ખેતરના ઢાળની આડી દિશામાં ચાસ બનાવી વાવેતરથી લઈને તમામ ખેડકાર્યો ઢાળની આડી દિશામાં જ કરવા જોઈએ.

ઢાળની આડી દિશામાં ઢાળ પ્રમાણે સો-દોઢસો મીટરના અંતરે માટી/મોરમ/ પત્થરના પાળા કરવા જોઈએ.

પાળા પર માટીના કણને પકડી રાખે તેવા મૂળ વાળા ઘાંસ વાવવું જોઈએ.

ખેતર ફરતે પાળા બનાવીને ખેતરનો કાઢિયો પાકો અથવા પત્થરનો બનાવી જમીનથી ઉંચો રહે તે રીતે કાઢિયો બનાવવા જોઈએ.

ઢાળની આડી દિશામાં વાવેલ પાકો જેવાકે કપાસ, એરંડા, ઉભળી મગફળી, મકાઈ, બાજરો, જુવાર જેવાની હારમાં પાળા ચડાવવા જોઈએ.


68 - ટ્યુબવેલ રીચાર્જ કેવી રીતે કરવો.

ટયુબવેલમાં જો મોટર ફીટ કરેલ હોય તો ટ્યુબવેલથી દુર ૧ મીટર ખાડો કરી તેમાં મેં અગાઉ કીધું તે પ્રમાણે ચાર થરનું ફિલ્ટર બનાવી ફિલ્ટરના તળિયા થી એક પાઈપ રાખી ટ્યુબવેલના કેસિંગમાં ૧ મીટર ફીટ કરી તેની સાથે ફીટ કરી દેવું.

જો ટ્યુબવેલ પડતર/બિનવપરાશ હોય તો તેમાં ટ્યુબ કેસિંગ ફરતે ૧ મીટર ઊંડો ખાડો કરી તેમાં અગાઉ કીધું તે પ્રમાણે ચાર થરનું ફિલ્ટર બનાવીને સૌથી નીચે રહેવા પત્થરના સ્તર લેવલે કેસિંગમાં ૧ સેમીના કાણા પાડવા જેથી તેમાંથી ફિલ્ટર થયેલ પાણી ટ્યુબવેલમાં જઈ શકે.


પિયત પાણીનું વ્યવસ્થાપન