સોયાબીન પાકનું મહત્વ અને ગુજરાતમાં સોયાબીન પાકના વાવેતર વિસ્તાર

ભારતમાં કુપોષણ નિવારવા માટે હાલમાં અભિયાન ચાલી રહ્યું છે. સંતુલિત પોષણ વ્યવસ્થાપનમાં પ્રોટીનની વિશ્વ વ્યાપી તંગી નિવારવા રોજીંદા આહારમાં સોયાબીનનો વિવિધ રીતે ઉપયોગ આશીર્વાદ રૂપ સાબિત થાય તેમ છે. સોયાબીન બીજમાં આશરે ૪૦ થી ૪૨ ટકા પ્રોટીન તથા ૧૮ થી ૨૨ ટકા તેલ હોય છે. અનાજ સાથે સોયાબીન લેવાથી પ્રોટીન તત્વની જરૂરીયાત સંતોષી શકાય છે. સોયાબીન માંથી દુધ, દહી, દાળ, લોટ, સોયામીટ, ૫નીર, બ્રેડ, બિસ્કીટ જેવા પ્રોટીન યુકત ખોરાક બનાવી શકાય છે. સોયાબીનનું તેલ ખોરાક ઉ૫રાંત વેજીટેબલ ઘી, સાબુ, વાર્નિસ તેમજ જંતુનાશક દવાઓ બનાવવામાં ૫ણ વ૫રાય છે. સોયાબીનનો ખોળ ૫શુઆહાર તેમજ મરઘાનાં ખોરાક માટે ઉત્તમ છે. દુધાળા જાનવરોને ખાણદાણમાં સોયાબીનનો ખોળ આ૫વાથી દુધ ઉત્પાદન તેમજ ૫શુની તંદુરસ્તી વધે છે. સોયાબીનનાં મુળ ઉ૫ર આવેલ ગંડીકાઓમાં રાઈઝોબીયમ નામનાં બેકટેરીયા રહે છે જે હવામાનો નાઈટ્રોજન જમીનમાં ઉમેરી ફળદ્રુપતા વધારે છે. આમ સોયાબીનએ મનુષ્ય, ૫શુ, મરઘા અને જમીનનાં પોષણ માટે કુદરતે આપેલી અમુલ્ય ભેટ છે. તેથી જ સોયાબીનને ચીનમાં દૈવિ ધાન્ય કે પીળી જવેરાત તરીકે ઓળખાય છે.

 

ભારતમાં સોયાબીનનું વાવેતર ખાસ કરીને મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્ણાટક, તેલંગાના અને ગુજરાતમાં થાય છે. આ૫ણાં રાજયમાં મુખ્યત્વે દક્ષિણ ગુજરાતમાં તેમજ વધતા ઓછા પ્રમાણમાં સૌરાષ્ટ્રમાં આ પાકનું વાવેતર થાય છે. ગુજરાતમાં સોયાબીન પાકનો વિસ્તાર વર્ષ ૨૦૧૫-૧૬ માં ૮૦.૩૫ હજાર હેક્ટર હતો જે વધીને વર્ષ ૨૦૨૦-૨૧ માં ૨૨૧.૫૦ હજાર હેક્ટર થયો છે. સોયાબીન ટુંકા ગાળાનો અને ઓછા વરસાદે પાકતો પાક છે તેમજ અન્ય પાકો સાથે આંતરપાક તરીકે ૫ણ સુસંગત રીતે લઈ શકાય છે. આથી વરસાદ આધારીત સૌરાષ્ટ્રની ખેતી માટે સોયાબીન ખુબ જ અનુકુળ પાક છે.