1 - આદુ તથા હળદરની ખેતી માટે મુખ્‍યત્‍વે કઈ જાતો વધારે પ્રચલિત છે.

હળદર તથા આદુની ખેતી માટે નીચેની જાતો વધારે પ્રચલિત છે.
૧) આદુ :- હિમાચલ, રીઓડીજાનેરો, સુપ્રભા, સુરાવી, સુરૂચી, મારણ.
ર) હળદર :- સુવર્ણા, રોમા, સુગંધમ, ગુજરાત હળદર-૧, લાકાડાંગ, સુરોમા.


2 - હળદરના પર્ણના સૂકારાનું યોગ્‍ય નિયંત્રણ કઈ રીતે થઈ શકે ?

આ રોગની અંદર મુખ્‍યત્‍વે પર્ણો ઉપર ભુરા કલરના ડાઘાઓ દેખાય છે તથા જુના પાનની કિનારીઓ પણ સુકાઈ અને પાન કયારેક કયારેક ભુંગળી જેવો આકાર ધારણ કરે છે. આ રોગને અટકાવવા માટેના પગલાઓ લેવા જોઈએ. પ્રથમ હળદરના પાક ઉપર રોપણીના ૪૦ થી ૪પ દિવસ પછી મેન્‍કોઝેબ ૪પ ગ્રામ ૧પ લીટર પાણીમાં અથવા કોપર ઓકઝીકલોરાઈડ ૪પ ગ્રામ ૧પ લીટર પાણીમાં ઓગાળી અને ૧૦ થી ૧પ દિવસના અંતરાળમાં જયારે વાતાવરણમાં ભેજ વધારે હોય તથા વાદળછાયું હોય ત્‍યારે છંટકાવ કરવો.


3 - લીલી હળદર તેમજ લીલા આદુની સુકવણી કેમ કરવી ?

લીલા આદુની સુકવણી માટે મુખ્‍ય ટ્રે ડાયરની જરૂર રહેતી હોય છે. લીલા આદુને તડકા કે છાંયડામાં રાખવાથી સુકાતું નથી. ટ્રે ડાયરથી લીલા આદુ ઉપર ૬૦૦ તાપમાનના ગરમ હવાના ફુવારા પસાર કરવામાં આવે છે અને તેનાથી લીલા આદુમાં રહેલ ભેજ ઉડી જાય છે. આ સુંઠ/સુકા આદુનું બજારમાં વેચાણ કરી શકાય છે.
લીલી હળદરની સુકવણી કરવામાં નીચેના મુદાઓની કાળજી લેવી પડતી હોય છે.
1. લીલી હળદરના ગાંઠીયાઓને ધોઈ નાખ્‍યા બાદ તેને વ્‍યવસ્‍થિત એક આકારના બને તે રીતે એકબીજાથી છુંટા કરવા.
2. આ લીલી હળદરને ઉકળતા પાણીમાં નાખી અને બાફવા (શકય હોય તો ઉકળતા પાણીમાં થોડું યુરીયા નાખવું.)
3. હળદર એકદમ પોચી થઈ જાય અથવા એને બાફવાથી ઉપર ફીણ નીકળે ત્‍યારે તેને પાણીમાંથી કાઢી લેવાં.
4. પછી આ હળદરને ખુલ્‍લા વાતાવરણમાં તડકામાં અથવા છાંયડામાં આશરે પ થી ૬ દિવસ સુકાવા દેવા.
a. સુકાઈ જાય પછી તેની ઉપરની છાલ કાઢી નાખવી કારણ કે આ ઉપરની છાલ વધારે પડતી ગરમ થવાથી કાળી થઈ જાય છે.


4 - આદુ અને હળદરમાં આપણે જૈવિક ખાતરોનો ઉપયોગ કરી શકાય કે કેમ ?

જૈવિક ખાતરોનો ઉપયોગ આપણે મુખ્‍યત્‍વે દરેક ખેતીપાકોની અંદર કરી શકાય છે. આદુ તથા હળદર કંદમૂળના પાકો હોવાથી જૈવિક ખાતરોમાંના આપણે ઓકટોબરમાં કલ્‍ચરની બીજ માવજત આપી અને વાવેતરમાં ઉપયોગ કરવો અથવા ૧૦૦ ગ્રામ એઝોટોબેકટરનું કલ્‍ચર પાણીમાં ઓગાળીને પાક ઉપર ૩૦ દિવસ બાદ નિતાર કરવો જોઈએ. જયારે વાતાવરણમાં ભેજ હોય તથા જમીનમાં ભેજ હોય અથવા પ થી ૬ કિ.ગ્રા./હેકટર એકઝોબેકટરનું કલ્‍ચર રેતી સાથે ભેળવીને ઉભા પાક ઉપર આ મિશ્રણને છાંટી દેવું જોઈએ તથા ઉપર મુજબની પઘ્‍ધતિથી ફોસ્‍ફેટ સોલ્‍યુબલાઈઝીંગ બેકટેરીયા કે જે ફોસ્‍ફરસ તત્‍વને લભ્‍ય સ્‍વરૂપમાં ફેરવી છોડના ઉપયોગમાં આવે તેનો પણ ઉપયોગ કરી શકાય છે.


5 - નવા અને જેની શકયતા સૌરાષ્‍ટ્ર વિસ્‍તારમાં હોય તેવા મસાલા પાકો વિશે જણાવો ?

સૌરાષ્‍ટ્ર વિસ્‍તારમાં કલોન્‍ઝી, એનીસીડ અને નીઝેલા જેવા નવા મસાલા પાકોના વાવેતરની શકયતાઓ રહેલી છે.


6 - મસાલા પાકોનું વાવેતર ખર્ચાળ અને જોખમી હોઈ તેના માટે વીમા કવચની અને સબસીડીની કોઈ જોગવાઈ હોય તો જણાવો.

મસાલાના મુખ્‍ય પાકો જેવા કે વરિયાળી અને જીરૂમાં સબસીડીની જોગવાઈ છે પરંતુ વીમા કવચની હાલમાં કોઈ જોગવાઈ થયેલ નથી.


7 - બીજ મસાલા પાકોના ગ્રેડીંગ મશીન કયાથી અને કેટલી કિંમતમાં મળી શકે ?

બીજ મસાલા પાકોના ગ્રેડીંગ મશીન ગંગા એગ્રોફુડ ઈન્‍ડસ્‍ટ્રીઝ, સર્વે નં. ૩૪, પ્‍લોટ નં. ૯, સૌરાષ્‍ટ્ર પેપર બોર્ડ પાસે, શાપર, જી. રાજકોટ ફોન નં. (૦ર૮ર૭)રપ૪૦૪૧ ખાતેથી મળી શકશે. જેની અંદાજે કિંમત રૂા. ર૮ થી ૩૦ હજાર છે.