1 - સુવાદાણાને કેવા પ્રકારની જમીન તથા આબોહવા માફક આવે છે ?
સુવાદાણા પાકને ભરભરી મઘ્યમકાળી, ગોરાડુ કે જેની ભેજ સંગ્રહશક્તિ સારી હોય તેવી જમીન માફક આવે છે. રેચક તથા વધુ પાણી ભરાઈ રહે તેવી જમીનમાં આ પાક સારી રીતે લઈ શકાતો નથી. આ પાક શિયાળુ ઋતુમાં ઠંડા તથા સુકા હવામાનમાં સારી રીતે લઈ શકાય છે.
2 - સુવાદાણાના વાવેતર માટેનો યોગ્ય સમય જણાવો ?
સુવાનું વાવેતર મુખ્યત્વે ઓકટોબરના છેલ્લા અઠવાડીયાથી નવેમ્બરના પ્રથમ અઠવાડીયા સુધી વાવેતર કરી શકાય. અત્યારના સમયને ઘ્યાનમાં રાખીએ તો શિયાળો લાંબો હોય છે ત્યારે આપણે નવેમ્બર અંત સુધી પણ વાવેતર કરી શકાય છે.
3 - સુવાના વાવેતર માટે આપણે કેટલુ બિયારણ જોઈએ ?
સુવાના વાવેતર માટે હેકટરદીઠ ૪ થી ૬ કિગ્રા બિયારણની જરૂરીયાત રહે છે. બિયારણને વાવતા પહેલા થાયરમ દવાનો ૩ ગ્રામ / કિલો બીજ પ્રમાણે બીજ માવજત આપવી.
4 - સુવાના વાવેતર માટે બે હાર વચ્ચે કેટલું અંતર રાખવુ તથા વાવેતર માટે શું કાળજી રાખવી જોઈએ ?
સુવાદાણાના વાવેતરમાં બે હાર વચ્ચે ૩૦ થી ૪પ સેમીનું અંતર રાખવું જોઈએ તથા બીજ વધારે ઉંડા ન પડે તથા ઉપર પણ ન રહે તેવી રીતે બળદથી કે ટ્રકટરથી ચાસમાં વાવેતર કરવાની ભલામણ છે. સુવાનું બિયારણ ઝીણું હોવાથી તેની સાથે રેતી મિશ્ર કરીને વાવેતર કરી શકાય.
5 - સુવાદાણાની ખાસ સુધારેલી જાતો કઈ કઈ છે ?
સુવાદાણા એક અગત્યનો મસાલા પાક છે અને આપણા ગુજરાતની ઘણી ખરી જમીનમાં માફક આવે છે. અત્યારે ગુજરાતમાં સુવાદાણા પાકની મુખ્ય બે જાતોનું વાવેતર થાય છે.
(૧) ગુજરાત સુવા - ૧
(ર) ગુજરાત સુવા - ર
6 - સુવાના પાકમાં રાસાયણીક ખાતરો કયારે અને કેટલા પ્રમાણમાં આપવા જોઈએ ?
સુવાદાણાના પાકને ૬૦ કિગ્રા નાઈટ્રોજન, ૩૦ કિગ્રા ફોસ્ફરસની ભલામણ છે. આમાંથી ૩૦ કિગ્રા નાઈટ્રોજન તથા ૩૦ કિગ્રા ફોસ્ફરસ પાયામાં આપવો જોઈએ. બાકી રહેલ નાઈટ્રોજનની પૂર્તિ ખાતર તરીકે ઉગાવા પછી ૩૮ થી ૪૦ દિવસે એમોનિયમ સલ્ફેટના સ્વરૂપમાં આપવો જોઈએ તથા પાયામાં ૮ થી ૧૦ ટન/હેકટર સેન્દ્રિય ખાતર આપવાની ભલામણ છે.
7 - સુવાદાણાનો પાક કેટલા મહિના ઉભો રહે છે ?
સુવાદાણાનો પાક પ થી પ૧/ર (૧પ૦ થી ૧૬૦ દિવસ) માં પાકે છે. યોગ્ય ઠંડુ તથા સૂકુ વાતાવરણ મળે તો ૧પ૦ દિવસમાં પાકી જાય છે.
8 - સુવાદાણાના પાકમાં કેટલા પિયતની જરૂરીયાત રહે છે ?
સુવાદાણાના પાકને મુખ્યત્વે ૭ થી ૮ પિયતની જરૂરીયાત રહે છે. સારી ભેજ સંગ્રહશક્તિવાળી જમીનમાં પિયતનો ગાળો લંબાવી એક પિયત ઘટાડી શકાય છે. સુવાદાણાનો પાક બિનપિયત પાક તરીકે ભાલ વિસ્તારમાં સારી રીતે ઉગાડવામાં આવે છે.
9 - સુવાદાણા પાકમાં સુગંધી તેલના ટકા કેટલા હોય છે ? તથા તેનો ઉપયોગ જણાવો.
સુવાદાણામાં સુગંધી તેલના ટકા ૩.૪ થી ૩.૬ સુધી હોય છે. સુવાદાણાનો ઉપયોગ મુખવાસ તેમજ આયુર્વેદિક દવામાં કરવામાં આવે છે.
10 - સુવાદાણા પાકને નિંદણમુક્ત કઈ રીતે રાખી શકાય છે ?
સુવાદાણાના પાકને પ્રાથમિક વિકાસની અવસ્થાએ ખાસ નિંદામણમુક્ત રાખવો જોઈએ. વાવેતર પહેલા પેન્ડીમિથાલીન દવાને ૧૦ લીટર પાણીમાં પપ મિલી પ્રમાણે ઓગાળીને છંટકાવ કરવાની પ્રથા પ્રચલિત છે. આનાથી શરૂઆતના તબક્કામાં પાકને નિંદામણમુક્ત રાખી શકાય. બાદમાં બે થી ત્રણ હાથ નિંદામણ જરૂર મુજબ કરવા.
11 - સુવાદાણાનું કેટલું ઉત્પાદન હેકટરદીઠ મળે ?
સુવાદાણા પાકનું હેકટરદીઠ ઉત્પાદન ૧૦૦૦ થી ૧૬૦૦ કિગ્રા મળે છે. આપણા ગુજરાતની સુવાદાણાની ઉત્પાદક્તા ૧૧૮ર કિગ્રા/હેકટર છે.
12 - સુવા દાણાનો ઉપયોગ તથા મૂલ્યવર્ધન દ્વારા મળતા વળતર વિશે માહિતી આપશો.
સુવાદાણાના પોલીશ કરેલ દાણાની ઉપર ખાંડના દ્રાવણનો યોગ્ય છંટકાવ કરી તેને સુકવવા અથવા શેકી તેનો ઉપયોગ મુખવાસ તરીકે કરી શકાય છે.
સુવા દાણાના પાવડર તથા તેલનો ઉપયોગ આયુર્વેદિક દવાઓમાં બહોળા પ્રમાણે થાય છે.
સુવાદાણાના પાકને મૂલ્યવર્ધન કરી તેના મૂલ્યમાં ર થી ૩ ગણો વધારો કરી શકાય છે.
૧૦૦ કિગ્રા સુવા દાણામાંથી બનતા પાવડર તથા તેલની કિંમત અનુક્રમે રૂા. ૬રપ૦/- તથા રૂા. ૭૯૧૯/- મળે છે.