1 - મેથીના પાકને કેવા પ્રકારની જમીન તથા આબોહવા માફક આવે છે ?

મેથીના પાકને ગોરાડુ, મઘ્‍યમકાળી કે બેસર જમીન તથા ઠંડી અને સુકી આબોહવા વધુ માફક આવે છે, તેથી તેનું વાવેતર શિયાળામાં થાય છે. ભાજી માટેની મેથી આખા વર્ષ દરમિયાન ઉગાડી શકાય છે.


2 - મેથીના પાકનો વાવેતર માટેનો યોગ્‍ય સમય જણાવો ?

બીજ ઉત્પન્‍ન કરવા માટેની મેથીની વાવણી દિવસ દરમિયાન વધુમાં વધુ તાપમાન ૩૦૦ સેન્‍ટિગ્રેડથી ઓછુ હોય ત્‍યારે વાવણી કરવાથી તેનો ઉગાવો સારો થાય છે. આ માટે તેની વાવણી નવેમ્‍બર મહિનાના પ્રથમ પખવાડીયામાં કરવાથી તેનો ઉગાવો સારો થાય છે. ઉપરાંત તેના વૃઘ્‍ધિકાળ દરમ્‍યાન ઠંડુ અને સુકું હવામાન મળતું હોવાથી તેનું ઉત્પાદન પણ વધારે મળે છે. ભાજી માટેની મેથીની વાવણી આખા વર્ષ દરમિયાન કરી શકાય.


3 - મેથીના વાવેતર માટે કેટલું બિયારણ જોઈએ ?

મેથીના વાવેતર માટે જમીન અને પાણીની ગુણવતા મુજબ બીજ ઉત્પાદન માટે હેકટરદીઠ ૧પ થી ર૦ કિ.ગ્રા. અને ભાજી માટે રપ થી ૩૦ કિ.ગ્રા. બિયારણની જરૂર પડે છે.


4 - મેથીના પાકને બીજ માવજત આપી શકાય ?

મેથીના પાકને વાવણી પહેલા ૩ થી ૪ કલાક પાણીમાં પલાળી, છાંયામાં સુકવી પછી વાવેતર કરવાથી ઉગાવો ઝડપી અને એક સરખો થાય છે.


5 - મેથીના પાકને કેટલા અંતરે વાવણી કરી શકાય ?

મેથીના પાકના બીજ ઉત્પાદન માટે બે હાર વચ્‍ચે ૩૦ સે.મી.નું અંતર રાખી વાવણી કરવી તથા ભાજીના પાક માટે તેની વાવણી પુંખીને અથવા બે હાર વચ્‍ચે રર૧/ર થી ૩૦ સે.મી.નું અંતર રાખી હારમાં વાવણી કરી શકાય.


6 - મેથીના પાકમાં રાસાયણીક ખાતર કેટલું અને કયારે આપવું ?

મેથીના પાકમાં પાકને વાવણી અગાઉ પાયાના ખાતર તરીકે ર૦-૪૦-૧૦ કિ.ગ્રા. પ્રતિ હેકટર નાઈટ્રોજન, ફોસ્‍ફરસ અને ગંધક આપવાની ભલામણ છે.


7 - મેથીના પાકને પૂર્તિ ખાતર આપી શકાય ?

મેથીનો પાક કઠોળ વર્ગનો હોવાથી તેને શરૂઆતમાં નાઈટ્રોજન તત્‍વની જરૂરીયાત રહે છે જે પાયાના ખાતર તરીકે આપવામાં આવે છે ત્‍યાર પછી તેની મુળ ગંડીકાઓમાં રહેલ બેકટેરીયા હવામાંથી નાઈટ્રોજન તત્‍વનું શોષણ કરી અને જમીનમાં નાઈટ્રોજન ઉમેરે છે અને તેનો ઉપયોગ છોડ પોતાની જરૂરીયાત પ્રમાણે કરે છે. જેથી પૂર્તિ ખાતર આપવાની જરૂરીયાત રહેતી નથી.


8 - મેથીના પાકને કેટલા પિયતની જરૂરીયાત રહે છે ?

સામાન્ય રીતે મેથીના પાકના સારા ઉત્પાદન માટે જમીનની પ્રત મુજબ પ થી ૭ પિયતની જરૂરીયાત રહે છે. પ્રથમ પિયત વાવણી બાદ તુરત જ આપવું. બીજુ પિયત ૭ થી ૮ દિવસે આપવું અને બાકીના પિયત જમીનની પ્રત મુજબ ૧ર થી ૧પ દિવસના અંતરે આપવા. ફુલ અવસ્‍થા અને શીંગામાં દાણા ભરાવાની અવસ્‍થાએ પાણીની ખેંચ ન વર્તાય તે ખાસ જોવું.


9 - મેથીનું ચોમાસામાં વાવેતર કરવાથી મેથી બળી જવાનો પ્રશ્‍ન રહે છે તો તેનું શું કરવું ?

મેથીના પાકને ઠંડુ અને સૂકું હવામાન વધારે માફક આવે છે તેથી ચોમાસામાં વરસાદ પડવાથી મેથી બળી જાય છે આ માટે મેથીનું વાવેતર નેટહાઉસમાં કરવાથી મેથીનો ઉગાવો અને વૃઘ્‍ધિ સારી થાય છે અને સારી ગુણવતાવાળી મેથીની ભાજી મળે છે.


10 - મેથીના છોડ ઉગતા જ પીળા પડી સુકાઈ જાય છે તેનું શું કારણ છે ?

મેથીનો પાક ર૦ થી રપ દિવસનો થાય ત્‍યારે જમીનજન્‍ય રોગ જે મગફળીમાં સ્‍કેલેરોશીયા રોલોક નામની જમીનજન્‍ય ફુગથી થાય છે તે તેના સ્‍કેલેરોશીયા જમીનમાં હોય ત્‍યારે આ ફુગ મેથીના મુળમાં લાગે છે. ઉપરાંત જમીનજન્‍ય રોગ જેમ કે રાઈઝોકટોનીયા અને ફાયટોપ્‍થોરા નામની ફુગ જમીનનું ઉષ્‍ણતામાન વધે તો શીંગો બેસવાની અવસ્‍થાએ પણ આ રોગનો ઉપદ્રવ જોવા મળે છે. આ રોગના નિયંત્રણ માટે જો મગફળી પાકમાં સફેદ ફુગ વધારે હોય તો મેથીનો પાક આ જમીનમાં લેવો જોઈએ નહીં. ઉપરાંત મેથીના વાવેતર સમયે ટ્રાઈકોડર્મા હરજીયાનમ ર.પ કિલો લેખે પ૦૦ કિલો દેશી ગળતીયા ખાતરમાં ભેળવી વાવેતર સમયે ચાસમાં આપવું.


11 - મેથીના વાવેતર માટે કઈ જાતની પસંદગી કરવી ?

મેથીના વાવેતર માટે ગુજરાત મેથી-૧ અને ગુજરાત મેથી-ર નામની સુધારેલી જાતો બીજ મસાલા કેન્‍દ્ર, જગુદણ, જિ. મહેસાણા દ્વારા બહાર પાડવામાં આવેલ છે, તેનું વાવેતર કરવું.


12 - મેથીનું આયુર્વેદની દષ્‍ટિએ શું મહત્‍વ છે ?

કેડ, ઢીંચણ, પગની એડી, કોણી, ખભા કે માથામાં આમવાતનો દુખાવો અને સોજો આવે તો તેમાં મેથીનું સેવન વધુ માફક આવે છે. મેથી ગરમ અને ભુખ લગાડનારી હોવાથી અરૂચીને દુર કરે છે. ગ્રાહી ગુણ હોવાથી ઝાડાને મટાડે છે. દહીં કે છાશ સાથે શેકેલી મેથી પીવાથી ઝાડા કે મરડો મટે છે. મેથીનો ઉકાળો કફ, વાયુ કે આમજન્‍ય કોઈપણ રોગના નિવારણ માટે લઈ શકાય.


13 - મેથીની કાપણી કેવી રીતે કરવી ?

મેથીનો પાક ૧૧૦ થી ૧ર૦ દિવસે પરિપકવ થઈ કાપણી માટે તૈયાર થઈ જાય છે. છોડના પાંદડા અને શીંગો પીળા રંગની થાય અને પાંદડા ખરવાની શરૂઆત થાય ત્‍યારે મેથીની કાપણી સવારના સમયે કરવી જેથી શીંગો ફાટી જતી અટકાવી શકાય. છોડ કઠણ અને સ્‍વચ્‍છ પુળામાં લાવી ચાર થી પાંચ દિવસ સુકવ્‍યા બાદ ટ્રેકટરની મદદથી પગર કરી અથવા થ્રેસરની મદદથી દાણા છુટા પાડયા બાદ ઉપણીને સાફ કરવા.


14 - મેથીનું ઉત્પાદન કેટલું આવે છે ?

મેથીનું ઉત્પાદન ૧૮૦૦ થી ર૦૦૦ કિગ્રા પ્રતિ હેકટર મળે છે.