1 - મરઘાં પાલન વ્યવસાયમાં આ બાયોસીક્યુરીટી શું છે ?

જવાબ: સાદી ભાષામાં વાત કરીયે તો બાયો એટલે "જીવ" અંને સીકયુરીટી એટલે "રક્ષણ". જ્યારે ફાર્મની અંદર એકસાથે વધારે સંખ્યામાં પક્ષીઓ રાખતા હોય ત્યારે તેમાં સૂક્ષ્મજીવો જેવાકે વીજાણુ તથા જીવાણુ દ્વારા ઘણા બઘા રોગો થવાનો ખતરો હોય છે અને આ ખતરાથી બચવા માટેના જે સંયુક્ત ઉપાયો કરવામાં આવે કે જેનાથી રોગ કરતાં સુક્ષ્મ્જીવો ફાર્મની અંદર પ્રવેશે નહીં અથવા તો ફેલાય નહીં તેને અંગ્રેજીમાં બાયોસીક્યુરીટી કહેવામા આવે છે અને આ બાયોસીક્યુરીટી એ સૌથી સસ્તું અને રોગ અટકાવવા માટેનું ઉત્તમ પરિબળ છે અને રોગ અટકાવવાના કોઈ પણ પ્રોગ્રામ આના સીવાય કામ કરતાં નથી.


2 - બાયોસીક્યુરીટીમાં મુખ્ય ક્યાં ક્યા ઘટક આવેલા હોય છે ?

જવાબ: બાયોસીક્યુરીટીમાં મુખ્ય ત્રણ ઘટક આવેલા હોય છે.
- અલગતા(Isolation)
- યાતાયાત નિયંત્રણ(Traffic Control)
- સ્વછતા(Sanitation)


3 - ઉપરોક્ત ઘટકો બાબતે આપ ટૂંકમાં સમજાવશો ?

જવાબ: જે મુખ્ય ઘટકોની વાત આપણે કરી તે તમામ ઘટકોની સમજણ અને તેની અશરકારક અમલીકરણ ખુબજ જરૂરી છે.
- હવે સૌ પ્રથમ આપણે “ અલગતા” ઉપર વાત કરીયે... મરઘાં પાલન વ્યવસાયમાં મરઘાં પાલક હમેંશા મોટી સંખ્યામાં પક્ષીઓ રાખતા હોય છે અને તો તેમને આ વ્યવસાય આર્થિક રીતે પરવળે. એટલે જ્યારે વધારે પ્રમાણમાં પક્ષીઓ હોય ત્યારે તેને ફાર્મની અંદર વાયર ની જાળી રાખીને તેમની અંદર જ રાખવા જોઈએ, આમ કરવાથી પક્ષીઓ તો અંદર એક સાથે રહે છે પરંતુ આ જાળી બીજા પાલતુ તથા વન્યપ્રાણીઓને પણ અંદર જતાં અટકાવે છે. તેથી તેમનું બીજા પશુઓ દ્વારા ફેલાતા રોગો પર નિયંત્રણ આવે છે. સાથે સાથે આવું કરવાથી જો ફાર્મની અંદર જુદા જુદા ઉમરના પક્ષીઓ હોય, તો તેને પણ અલગ અલગ રાખી શકાય છે જેથી કરીને એક ઉમરના પક્ષીઓનો રોગ બીજા નાની ઉમરના પક્ષીઓમાં ફેલાતો અટકાવી શકાય છે.
- ત્યારબાદ જો આપણે ટ્રાફિક કંટ્રોલ(યાતાયાત નિયંત્રણ) ની વાત કરીએ તો ફાર્મની અંદર તથા ફાર્મની આજુ બાજુ ઉપર નિયંત્રણની વાત છે. ઉદાહરણ તરીકે કોઈપણ ફાર્મને ચલાવવા માટે મનુષ્યની જરૂરિયાત હમેંશા હોય છે એટલે ફાર્મની અંદર કામ કરતાં માણશો ઉપર નિયંત્રણ ખુબજ જરૂરી છે. જો કોઈ વ્યક્તી કોઈ એક ઉમરના પક્ષી સાથે કામ કરતો હોય, તો તેને બીજી ઉમરના પક્ષીઓના ગ્રૂપમાં જતાં પહેલા પોતે જંતુ મુક્ત થવા માટેના પગલાં લઈ, પછી જ જવું જોઈએ. સાથે સાથે આ વ્યવસાય સાથે સંકડાયેલા અન્ય માણશો જેવા કે સેલ્સમેન, વેપારીઓ, વાહન ચાલકો વગેરેની ખુબજ જરુરીયાત હોય તેવા સમયે જ પ્રવેશ થવો જોઈએ અન્યથા આવી અવર જવર ટાળવી જોઈએ.
- જો આપણે સ્વછતાંની વાત કરીએ તો એ જીવાણુનાશક પ્રક્રિયા આધારિત છે અને તેમની અંદર મરઘાં પાલક તેમાં કામ કરતાં તમામ રોજમદારો, વ્યવસાય સાથે સંકળાયેલ અન્ય વ્યક્તીઓ તથા જુદા જુદા જરૂરિયાત પડતાં સાધન સામગ્રીનો સમાવેશ થાય છે. જે વાત કરી તે પ્રમાણે કોઈપણ જગ્યાએ ચૂક થાય તો, મનુષ્યમાથી પક્ષીમાં પણ રોગ થઈ શકે છે તેવીજ રીતે જો સાધન સામગ્રી પણ જંતુ રહિત ના હોય તો તેના દ્વારા પણ પક્ષીઓમાં રોગચાળો ફેલાઇ શકે છે.


4 - પક્ષીઓમાં થતાં ચેપી રોગો એક ફાર્મમાથી બીજા ફાર્મમાં કઈ રીતે ફેલાય છે ?

ચેપી રોગો હમેંશા સૂક્ષ્મજીવાણુઓથી થતાં હોય છે અને તેમનો ફેલાવો નરી આંખે કોઈપણ વ્યક્તી જોઈ શકતી નથી પરતું તે હમેંશા એક યા બીજી રીતે વાહક દ્વારા ફેલાય છે જેવા કે....
- પક્ષીઘરની અંદર નવા રોગીષ્ઠ પક્ષીઓનો ઉમેરો કરવામાં આવે
- દેખીતી રીતે તંદુરસ્ત લાગતાં પરંતુ રોગ અવસ્થામાથી બહાર આવેલા પક્ષીઓ, કે જેના શરીર અંદર હજુ પણ સુક્ષ્મ્જીવો રહેલા હોય, તેવા પક્ષી જો પક્ષી ઘરમાં દાખલ કરવામાં આવે તો ચેપી રોગ ફેલાય છે.
- જુદા જુદા પક્ષી ઘરની મુલાકાત લેતા વ્યક્તિઓના પગરખાં તથા તેમના કપડાં મારફતે પણ ફેલાઈ શકે છે.
- યોગ્ય રીતે નિકાલ ન કરાયેલા મૃત પક્ષીઓ દ્વારા પણ ફેલાઈ શકે છે.
- ગટરનું પાણી જો પીવાના પાણીમાં ભળતું હોય તો તેના દ્વારા પણ ફેલાઈ છે.
- જંગલી પ્રાણીઓ, સરિસૃપ વર્ગના પ્રાણીઓ તથા મુક્ત રીતે ફરતા પક્ષીઓ દ્વારા પણ ફેલાય શકે છે.
- અસ્વચ્છ દાણ અને દાણ ભરલા કોથળા દ્વારા
- અસ્વચ્છ વાહનો જે પક્ષીઓ માટે જુદો જુદો સામાન લઈને આવતા હોય
- ઘણી વખત હવા દ્વારા પણ ચેપી રોગોનો ફેલાવો થતો હોય છે.


5 - મરઘાં પાલકે પોતાના ફાર્મ ની અંદર કેટલી “ બાયોસીક્યુરીટી” રાખવી એ કઈ રીતે નક્કી કરવું ?

જવાબ: આ ખુબજ અગત્યનો પ્રશ્ન છે અને ઘણા બધા ઘટકોને સમજીને નિર્ણય લેવાનો હોય છે . જેવા કે..
- ફાર્મ કઈ જગ્યા ઉપર આવેલું છે.
- એ એરિયામાં જો ફાર્મની સંખ્યા વધારે હોય તો વધારે કાળજી લેવી પડે છે.
- ફાર્મની અંદર જુદી જુદી ઉમરના કેટલા પક્ષીઓના ગ્રૂપ છે, જેટલા ગ્રૂપ વધારે તેટલી સાવચેતી વધારે રાખવી પડે.
- ફાર્મની અંદર પક્ષીઓની સંખ્યા પણ ખુબજ મહત્વ ધરાવે છે, જો સંખ્યા વધારે હોય તો બાયોસીક્યુરીટી પાછળ થયેલ ખર્ચ પરવળે છે.
- અગાઉ ફાર્મની અંદર કોઈ ચેપી રોગ આવેલ હોય તો બાયોસીક્યુરીટી નું લેવલ ખુબજ વધારે રાખવું પડે છે.
- અંતમાં સમય સાથે પોતાની સૂઝ બૂજ પણ એટલી જ જરૂરી છે.


6 - ચેપી રોગોને ફાર્મ ની અંદર પ્રવેશતા અટકાવવા માટે બાયોસીક્યુરીટી રૂપે ક્યાં ક્યાં પગલાં અથવા ધ્યાનમાં રાખવા જેવી બાબત છે ?

જવાબ: ઘણા બધા ઘટકોનો એક સાથે સમન્વય કરી જો તેનો અસરકારક અમલ કરવામાં આવે તો ચોક્કસ પણે ચેપી રોગો ને આવતા અટકાવી શકાય છે. આપણે તેની ચર્ચા કરીએ તો
- મરઘાં ફાર્મ નું સ્થળ હમેંશા માનવ તથા અન્ય પ્રાણીઓની વસાહતથી દૂર જ હોવું જોઈએ.
- ફાર્મની ડીજાઈન વૈજ્ઞાનિક રીતે કરી તેમાં પૂરતો સૂર્ય પ્રકાશ તથા ચોખ્ખી હવા મળે તે રીતે પૂર્વ- પસ્ચિમ દીશામાં હોવી જોઈએ.
- ફાર્મની અંદર જરૂર વગરના વાહનો, મુલાકાતીઓ, કારીગરો તથા મજૂરોની અવર જવર પર પ્રતિબંધ લગાવવો જોઈએ.
- એકી સાથે જુદી જુદી ઉમરના પક્ષીઓ રાખવા કરતાં એક જ ઉમરના પક્ષીઓ રાખવા જોઈએ.
- બે પક્ષીઓની બેચ વચ્ચે ઓછામાં ઓછું 20 થી 25 દિવસનો ગાળો રાખવો જોઈએ.
- પક્ષીઓને અપાતો ખોરાક તથા પાણી સ્વચ્છ જંતુ રહિત આપવા જોઈએ.
- પક્ષીઓના મળનો વ્યવસ્થિત રીતે નીકાલ કરવો જોઈએ.
- ફાર્મમાં કામ કરટી દરેક વ્યક્તિ એ પોતાની સ્વચ્છતા જાળવવી જોઈએ.
ફાર્મમાં ઉમેરતા નવા સાધનો, પાણી તથા દાણના સાધનોની સમયાંતરે સાફ સફાઈ થવી જોઈએ