પ્રશ્ન-૩૧: સંકર બાજરા બીજ ઉત્પાદન પ્લોટમાં રોગીંગનું મહત્વ જણાવશોજી અને પ્લોટમાં રોગીંગ કોણ કોણ કરી શકે અને કેવા પ્રકારના છોડ રોગીંગ દરમ્યાન ઉપાડી દૂર કરવાના હોય છે તે જણાવશો ?

સંકર બીજ ઉત્પાદન કાર્યક્રમમાં સૌથી અગત્યની કામગીરી રોગીંગની છે. ધારા ધોરણો મુજબનું જનિનીક શુધ્ધતાં ધરાવતું સંકર બીજ પેદા કરવા સમયસર રોગીંગ કરવું અત્યંત જરૂરી છે. બાજરીમાં માદા (નરવંધ્ય) જાતમાં ફકત સ્ત્રીકેસર કાર્યશીલ હોય છે. જયારે નર જાતમાં પુંકેસર અને સ્ત્રીકેસર એમ બન્ને કાર્યશીલ હોય છે. બીજ ઉત્પાદન પ્લોટમાં માદા જાત, ઇચ્છિત (વાવેલ) નર જાતનાં પરાગ સિવાય અન્ય કોઇ બાજરીની જાતનાં પરાગથી ફલીનીકરણ ન થાય તે રોગીંગનો મુખ્ય આશય છે. રોગીંગનું કાર્ય પ્લોટમાં કુશળ મજુરો દ્રારા, ખેડૂતે જાતે, બીજ પ્લોટ લેનાર સહકારી કે પ્રાઇવેટ સંસ્થાએ પોતાના ખર્ચે બાજરીના પાકમાં ફુલ અવસ્થા શરુ થાય તે પહેલા શરુ કરી, ત્રણ થી ચાર વખત રોગીંગની કામગીરી પ્લોટમાં ધનિષ્ઠ રીતે કરવી. રોગીંગમાં જો પુરેપુરી કાળજી લેવામાં ન આવે તો ઘણીવાર બીજ પ્લોટ નાપાસ થવાની શક્યતા રહે છે. તેથી બીજ ઉત્પાદન પ્લોટમાં જુદા જુદા તબ્બકે કાળજી રાખી રોગીંગનું કાર્ય કરવું.  માદા લાઇનમાંથી નરના છોડ અને નર લાઇનમાંથી માદાના છોડ, જો હોય તો ફુલ અવસ્થા પહેલા આવા છોડ ઉપાડી દૂર કરવા.  નર અને માદા જાતોનાં વિશિષ્ટ ગુણધર્મો જેવા કે છોડનો ઘેરાવો, થડની જાડાઇ, થડના મૂળ પાસેનો રંગ, પાંદડાની લંબાઇ, પહોળાઇ, પાનનો રંગ અને પાન ઉપર રૂંવાટી, થડ ઉપરની ગાંઠોનો રંગ અને તેના ઉપર રૂંવાટીની રીંગ, પુંકેસરનો રંગ વગેરેનો અગાઉથી અભ્યાસ કરી તેને મળતાં આવે તે છોડ રાખી, તે સિવાયનાં વિજાતીય કે શંકાશીલ લાગતા તમામ છોડ ફુલ અવસ્થા પહેલા ઉપાડી દૂર કરવા.  વધુ પડતી વાનસ્પતિક વ્રૃધ્ધિ કે વિકાસમાં નબળા (ઉંચા-નીચા છોડ) દેખાય તેવા વિજાતીય કે શંકાશીલ લાગતા તમામ છોડ ફુલ અવસ્થા પહેલા પ્લોટમાંથી દૂર કરવા.  માદા લાઇનમાં ફુલકાળ સમયે, જો તેની લાઇનોમાં પોલન શેડર (કાર્યશીલ પરાગરજવાળા) છોડ જોવા મળે તો તુરત જ ઉપાડી દૂર કરવા. આ રીતે ફુલકાળ સમય દરમ્યાન પ્લોટમાં બે-ત્રણ વખત એકાંતરે ઘનિષ્ટ રોગીંગ કરવું.  ફુલો આવ્યા બાદથી કાપણી સુઘીમાં ડૂંડાનો આકાર, લંબાઇ, જાડાઇ અને ડૂંડા ઉપર મૂંછ તેમજ દાણાનો રંગ, આકાર અને કદ વગેરે લક્ષણોને આઘારે પ્લોટમાં રોગીંગ કરવું.  બાજરી સિવાયના અન્ય પાકોનાં છોડ, નિંદામણના છોડ, રોગીસ્ટ (રોગવાળા) છોડ વગેરે રોગીંગ દરમ્યાન ઉપાડી દૂર કરવા.  પ્લોટની ચારેય બાજુ ૨૦૦ મીટર અંતર સુધીમાં જો કોઇ બાજરીના છોડ ઉગેલા દેખાય તો તેને શરુઆતથી જ ઉપાડી દૂર કરવા.  આ ઉપરાંત નર અને માદા લાઇનોમાં રોગીંગ દરમ્યાન જ્યારે જ્યારે વિજાતિય કે શંકાશીલ છોડ દેખાય તો તેવા છોડ તુરંત જ ઉખાડીને દૂર નિકાલ કરવો.

બાજરો