આઉનો સોજો કેવી રીતે થાય અને તેના લક્ષણો કયા છે?

મસ્ટાઈટીસ જીવાણુ, વિષાણુ અથવાતો ફૂગથી થઈ શકે પરંતુ મોટાભાગે જીવાણુથી થતો હોય છે. જીવાણુમાં ખાસ કરીને સ્ટેફાઈલોકોકસ, સ્ટ્રેપ્ટોકોકસ, કોરીનીબેકટેરિયમથી આ રોગ થાય છે.
આ સિવાય અન્ય કારણોને લીધે રોગ થવાની શકયતા વધી જાય છે જેમકે આંચળ પરની ઈજા ,રહેઠાણની ગંદકી, આંચળના સંકોચક સ્નાયુની શિથિલતા, લાંબા અને લટકતા આંચળ, અંગૂઠા વડે આંચળને દબાવીને દૂધ દોહવાની રીત, દુધ દોહનારના હાથની અસ્વચ્છતા, જમીન પર દૂધ દોહતા પહેલાં દૂધની ધાર નાંખવાથી તથા પશુની નબળી રોગપ્રતિકારક શકિત.
લક્ષણોમાં મુખ્યત્વે દૂધગ્રંથી ઉપર એકાએક સોજો આવે, દૂધમાં ધટાડો, દૂધમાં ફોદીઓ વધારે પ્રમાણમાં જણાય, દૂધને બદલે પાણી જેવું ચીકણું અથવા પરૂ નીકળે. કોઈવાર લોહી પણ હોય, સોજાને લીધે પશુને દર્દ થાય, દૂધ દોહવામાં તકલીફ પડે અને પશુ દોહવા માટે સરખુ ઉભુ રહે નહીં. ખોરાક ઓછો લે, શરીર ગરમ જણાય, આંચળ અને આઉ કઠણ થઈ જાય. કોઈવાર આંચળ અને આઉ ઠંડા જણાય.આઉની ત્વચાનો રંગ ભૂરો વાદળી હોય અને ત્વચામાં કાપા જોવામાં આવે અને દૂધને બદલે પ્રવાહી નીકળે (ગેન્ગ્રીન) વગેરે ચિન્હો જોવા મળે છે.
આ ઉપરાંત ઘણી વાર મસ્ટાઈટીસ તેના પ્રાથમિક તબક્કામાં હોય અને ચેપની શરૂઆત જ થતી હોય ત્યારે આઉ પર સોજો દેખાતો નથી પણ દૂધ ઓછું થઈ જાય અને પશુપાલક દૂધમાં પી.એચ. પેપર કે જેને તેઓ દૂધમાં બોળવાની પટ્ટી તરીકે ઓળખે છે તેપટ્ટીના ઉપયોગ બાદ તેનો રંગ બદલાય તો તેનાથી પણ મસ્ટાઈટીસ થયાની જાણ થઈ શકે. પરંતુ વપરાશમાં લેવાતી પટ્ટી નવી હોવી જોઈએ અને તેનો એક જ વાર ઉપયોગ કરવો તથા દરેક આંચળ માટે અલગ પટ્ટીનો ઉપયોગ કરવો.

ભેંસ