આઉનો સોજો (મસ્ટાઈટીસ) શું છે? અને આજ કાલ કઈ રીતે પશુપાલકો માટે આ એક મોટી સમસ્યા થયો છે?

આઉનો સોજો કે જેને આજકાલ પશુપાલકો પણ તેના અંગ્રેજી નામ મસ્ટાઈટીસથી ઓળખે છે અને જે આજકાલ ખૂબ વધુ પ્રમાણમાં થતો રહેલો છે. આઉનો સોજો ખરેખર તો આઉની અંદર રહેલી દૂધ ગ્રંથિઓ કે જેની અંદર દૂધનો સ્ત્રાવ થાય છે અને દૂધ બને છે તેનો સોજો છે. ગાય-ભેંસમાં આઉના ચાર ભાગ હોય છે એટ્લે કે ચાર આંચળ, આ ચારેય ભાગમાથી કોઈ પણ એક આચળ અથવાતો બે, ત્રણ કે ચારેય ભાગમાં સોજો આવી શકે.
આજ-કાલ પશુપાલકો માટે આ એક મોટી સમસ્યા એટલા માટે બન્યો છે કારણકે દૂધાળા પશુઓના પશુપાલનનો મુખ્ય ઉદેશ્ય વધુમાં વધુ દૂધ ઉત્પાદન કરી અને નફાકારક પશુપાલન દ્વારા આર્થિક સદ્ધરતા મેળવવાનો હોય છે પરંતુ જ્યારે મસ્ટાઈટીસ થાય છે ત્યારે દૂધ ગ્રંથિઓના સોજાને કારણે દૂધ ઉત્પાદન ઓછું થઈ જાય છે અથવાતો સંપૂર્ણ બંધ થાય છે.
દૂધ એક એવો પોષક આહાર છે કે જેમાં જીવાણુઓનો ચેપ લાગવાની ખૂબ વધુ પ્રમાણમાં શક્યતાઓ રહેલી છે, એટલા માટે દૂધ દોહયા પછી પણ જો ઉકાળવામાં અથવા તો ફ્રીજમાં ન રાખવામા આવે તો પણ થોડા સમયમાં બગડી જાય છે અને મસ્ટાઈટીસ મોટાભાગે ચેપ લાગવાથીજ થાય છે. અને જ્યારે મસ્ટાઈટીસ થાય છે ત્યારે પશુના ખોરાકનો ખર્ચ તો એ જ રહે છે અને વધુમાં દૂધ ઉત્પાદન ઘટવાથી અથવાતો બંધ થવાથી આર્થિક નુકશાન થાય અને આ ઉપરાંત મસ્ટાઈટીસની સારવાર પાછળ દવાઓનો ખર્ચ થાય તે અલગ આમ આ રોગ પશુપાલકોને આર્થિક રીતે ખૂબ નુકશાન પહોંચાડે છે.

ભેંસ