કાળીયો તાવ રોગમાં પશુઓમાં કેવા ચિન્હો દેખાય અને તેનો અટકાવ કેવી રીતે કરી શકાય?

આ રોગને અમે એન્થ્રેકસ તરીકે ઓળખીએ છે. આ પણ જીવાણુથી થતો રોગ છે આ રોગમાં પણ પશુને ખૂબ જ તાવ આવે છે. આંખો લાલ થઈ જાય છે. શ્વાસોશ્વાસ ઝડપી બને છે અને અચાનક જ પશુનું મોત થાય છે. મરી ગયેલા પશુના કુદરતી છીદ્રો ધ્વારા જેવાં કે નાક, મોઢું, ગુદા, યોની વગેરેમાંથી કાળું પડી ગયેલું લોહી બહાર નીકળે છે જે જામી જતું નથી. સામાન્ય રીતે મરણ બાદ પશુ થોડા વખતમાં લાકડા જેવું થઈ જાય જેને રાઈગર મોરટીસ કહે છે પણ તે પણ આ રોગ થી મૃત્યુ પામેલા પશુમાં થતું નથી. આમ તેનુ નિદાન સહેલું છે. તાત્કાલીક સારવાર કરવામાં આવે તો પશુ બચી જાય છે. મરી ગયેલા પશુની ચીરફાડ કરવી જોઈએ નહિ. કારણ કે તે સમયે જીવાણુ બહારની હવા સાથે સંપર્કમાં આવતાં જ તે એક સ્પોરકવચ બનાવે છે જે આ અવસ્થામાં ૪૦ થી ૬૦ વર્ષ સુધી જીવિત રહી શકે છે અને વારંવાર રોગ ફેલાવી શકે છે. માટે મરેલા ઢોરને ઉંડો ખાડો ખોદીને ઉપર મીઠું કે એન્ટીસેપ્ટીક દ્રાવણ કે ગેમેક્ષીન છાંટી માટીથી દાટી દેવું જોઈએ. આજુબાજુની જમીન પરના ઘાસને પણ સળગાવી દેવું જોઈએ. આ રોગ પશુઓમાથી મનુષ્યોમાં પણ ફેલાય સકે છે. આથી રોગીષ્ઠ પશુના સંપર્કમાં રહેતા લોકોએ યોગ્ય કાળજી લેવી જોઈએ.
આ રોગ અટકાવવા દર વર્ષે જુન માસ દરમ્યાન આ રોગ વિરોધી રસી મુકાવવી જોઈએ. જયાં રોગ થયો હોય ત્યાં ત્રણ વર્ષ સુધી સતત રસીકરણ કરાવવું જોઈએ.

ગાય